Atmadharma magazine - Ank 124
(Year 11 - Vir Nirvana Samvat 2480, A.D. 1954).

< Previous Page   Next Page >


PDF/HTML Page 17 of 21

background image
: ૮૦ : આત્મધર્મ–૧૨૪ : મહા : ૨૦૧૦ :
માર્ગની શરૂઆત કોઈ રીતે થતી નથી, એટલે કે લેશમાત્ર ધર્મ થતો નથી.
અહો! અંતરમાં ચૈતન્યસ્વભાવનું મહા શરણ છે તેને તો જીવો ઓળખતા નથી, અને પુણ્યમાં
મૂર્છાઈ ગયા છે. પૂર્વે અનંતવાર પુણ્ય કર્યા પણ તે જીવને શરણભૂત થયા નથી, તે પુણ્યથી કિંચિત્
પણ મોક્ષમાર્ગ કે હિત થયું નથી. હે ભાઈ! હવે તારે તારા આત્માનો મોક્ષ કરવો હોય, સંસારની
ચાર ગતિના ભ્રમણથી છૂટવું હોય તો અંતરમાં જ્ઞાનનું શરણ લે. અંતર્મુખ એકાગ્ર થઈને પરિણમતું
જ્ઞાન જ મોક્ષનું કારણ છે. અંતરસ્વભાવમાં એકાગ્ર થતાં આત્માના પરમાનંદનો જે ભોગવટો થાય
છે તેના સ્વાદને જ્ઞાની જ જાણે છે, અજ્ઞાની તે જ્ઞાનના આનંદનો સ્વાદ નથી જાણતો.
અહો! જુઓ તો ખરા આ સંત–મુનિઓના અંતર અનુભવમાંથી ઊઠતા ભણકાર! ક્ષણે ક્ષણે
નિર્વિકલ્પ આનંદના અનુભવમાં ઝૂલતાં ઝૂલતાં વચ્ચે આ વાણી નીકળી ગઈ. તેમાં આચાર્યદેવ કહે
છે કે અહો! અમને અમારા સ્વભાવનું જ શરણ છે, પુણ્યનો વિકલ્પ ઊઠે તેને પણ અમે શરણરૂપ
માનતા નથી, તે વિકલ્પને પણ તોડીને જ્ઞાનને અંતરમાં એકાગ્ર કરતાં આત્માના પરમ આનંદનો
અનુભવ થાય છે, તે જ અમને શરણ છે. બીજા સમકીતિ જીવોને પણ આ જ શરણ છે. જ્ઞાનમાત્ર
ભાવ સિવાયના જેટલા પરભાવો છે તે બધાય બંધનું કારણ છે, તો તે જીવને શરણરૂપ ક્યાંથી
થાય? કોઈ પણ જીવને પોતાના જ્ઞાનાનંદ સ્વભાવ સિવાય બીજા કોઈનું શરણ નથી, બીજા કોઈના
અવલંબને મોક્ષમાર્ગ કદી થતો નથી. ભગવાન આત્માની મોક્ષદશારૂપી મેડી ઉપર ચડવા માટે સીડી
કઈ? –કે આત્મસ્વભાવના અવલંબને જે સમ્યક્ શ્રદ્ધા–જ્ઞાન ને રમણતારૂપી વીતરાગીદશા પ્રગટી તે
જ મોક્ષની સીડી છે, આ સિવાય પુણ્ય તે કાંઈ મોક્ષની સીડી નથી, પુણ્ય તે ધર્મનું પગથિયું નથી,
પુણ્ય કરતાં કરતાં ક્યારેક તેનાથી મોક્ષમાર્ગ પમાઈ જશે એમ કદી બનતું નથી. પુણ્ય પોતે બંધનું
કારણ છે, તે કદી પણ મોક્ષનું સાધન થતું નથી.
અંતરમાં પોતાના સ્વભાવમાં લીન થઈને જ્ઞાન પરિણમે તે જ મોક્ષનું કારણ છે.
સમ્યગ્દર્શનની રીત પણ આ જ છે, સમ્યગ્જ્ઞાનની રીત પણ આ જ છે ને સમ્યક્ચારિત્રની રીત પણ
આ જ છે. જ્ઞાન બહારમાં વળીને પુણ્ય–પાપમાં એકાગ્રતારૂપે પરિણમે તે મિથ્યાદર્શન–જ્ઞાન–ચારિત્રનું
કારણ છે; તથા જે જ્ઞાન અંતરમાં વળીને ચિદાનંદ સ્વભાવમાં એકાગ્ર થઈને પરિણમે તે સમ્યગ્દર્શન–
જ્ઞાન–ચારિત્રનું કારણ છે, અને તે જ મુનિઓને શરણ છે. કોઈ બહારના નિમિત્તોને લીધે કે
પંચમહાવ્રત વગેરેના શુભરાગને લીધે મુનિદશા ટકતી નથી, પણ અંતરમાં પુણ્ય–પાપ રહિત થઈને
ચૈતન્યસ્વભાવમાં જે જ્ઞાન લીન થયું તેના આધારે જ મુનિદશા ટકે છે, તેથી તે જ્ઞાન જ મુનિઓને
શરણ છે. અહો! મારા ચૈતન્યસ્વભાવમાં એકાગ્ર થઈને જે જ્ઞાન પરિણમે તે જ મને શરણરૂપ છે, એ
સિવાય કોઈ પર ચીજ કે પુણ્ય પણ ખરેખર મને શરણરૂપ નથી આમ જાણીને ચૈતન્યસ્વભાવના
અવલંબને પરિણમવું તે જ મોક્ષનો પંથ છે.
(–આસો વદ ચોથના દિવસે પરમ પૂજ્ય સદ્ગુરુદેવના પ્રવચનમાંથી.)