Atmadharma magazine - Ank 124
(Year 11 - Vir Nirvana Samvat 2480, A.D. 1954).

< Previous Page   Next Page >


PDF/HTML Page 4 of 21

background image
: મહા : ૨૦૧૦ : આત્મધર્મ : ૬૭ :
ઉમરાળા નગરીમાં
‘મગલ – પ્રવચન’
[વિહાર દરમિયાન પૂ. ગુરુદેવનું આ પહેલું જ પ્રવચન છે.
પોષ વદ ત્રીજે સોનગઢથી વિહાર કરીને પૂ. ગુરુદેવ ઉમરાળા પધાર્યા
અને ઉમરાળામાં ‘શ્રી કહાનગુરુ જન્મધામ’નું તથા ‘ઉજમબા–જૈન
સ્વાધ્યાય ગૃહ’નું –ઉદ્ઘાટન થયું. તે દિવસનું આ પ્રવચન છે.
ચૈતન્યતત્ત્વની વાત ગ્રામ્યજનતા પણ કાંઈક સમજી શકે એ રીતે
પોતાની વિશિષ્ટ અને સરળ શૈલીથી પૂ. ગુરુદેવે આ પ્રવચનમાં
સમજાવ્યું છે.)
આજે આ ઉમરાળામાં તત્ત્વજ્ઞાન તરંગિણીના વાંચનની શરૂઆત થાય છે. આજે વિહારનો પહેલો દિવસ
છે તેથી આ નવા શાસ્ત્રની શરૂઆત થાય છે. તેમાં સૌથી પહેલા શ્લોકમાં મંગલાચરણ તરીકે શુદ્ધ ચૈતન્યસ્વરૂપ
આત્માને નમસ્કાર કરે છે–
प्रणम्य शुद्धचिद्रूपं सानन्दं जगदुत्तमं।
तल्लक्षणादिकं वच्मि तदर्थि तस्य लब्धये।।१।।
આ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્મા છે તે આનંદસહિત છે, અને જગતમાં ઉત્તમ છે, એવા આત્માને જ અહીં
નમસ્કાર કર્યા છે. શાસ્ત્રકાર કહે છે કે હું આત્માનો અર્થી છું તેથી તેની પ્રાપ્તિ માટે હું તેને નમસ્કાર કરું છું.
જેમ મોટી નદીમાં પાણીના તરંગ ઊઠે તેમ આત્મામાં તત્ત્વજ્ઞાનના તરંગ ઊઠે–એવી આ વાત છે. જ્યાં
પાણી ભર્યું હોય ત્યાં તરંગ ઊઠે, તેમ આત્મામાં જ્ઞાન અને આનંદ ભર્યાં છે, તેમાં એકાગ્ર થતાં જ્ઞાન–આનંદના
તરંગ ઊઠે છે.
આ દેહદેવળમાં રહેલ આત્મા શું ચીજ છે તે અનંતકાળમાં જીવોએ કદી જાણ્યું નથી. આત્મા અનાદિ–
અનંત વસ્તુ છે, તે નવો થયો નથી, ને તેનો કદી નાશ થતો નથી. આત્માને કોઈ ઈશ્વરે બનાવ્યો નથી, માતાના
પેટમાં આવ્યો ત્યારે કાંઈ આત્મા નવો થયો નથી પણ અનાદિનો, દેહથી ભિન્ન ચૈતન્યસ્વરૂપ છે. જીવે અનાદિ
કાળમાં આવા ચૈતન્યતત્ત્વની સમજણ એક સેકંડ પણ કરી નથી. અનાદિથી આત્મા ક્યાં રહ્યો? કે પોતાના
ચૈતન્યસ્વરૂપને ચૂકીને ‘દેહ તે જ હું છું’ એવી માન્યતાથી સંસારની ચાર ગતિમાં ભવ કરી કરીને રખડયો. દેહમાં
રહેલો આત્મા પોતે ચૈતન્યસ્વરૂપ ભગવાન છે, સર્વજ્ઞ પરમાત્મા થવાનું સામર્થ્ય તેનામાં છે. જીવે મંદકષાયથી
ત્યાગ–વૈરાગ્ય વગેરેના શુભભાવ અનંતવાર કર્યા અને તેમાં જ ધર્મ માન્યો, પણ અંતરમાં ચૈતન્યતત્ત્વની રિદ્ધિ–
સમૃદ્ધિ કેવી છે તે વાત કદી સમજ્યો નહિ તેથી તેને ધર્મ થયો નહિ.
જીવને ધર્મ કેમ થાય તેની આ વાત છે. શુભ–અશુભભાવ જુદી ચીજ છે ને ધર્મ તેનાથી જુદી ચીજ છે.
ચૈતન્યતત્ત્વને ચૂકીને શુભ–અશુભ પરિણામથી ચાર ગતિમાં જીવ અનાદિથી રખડે છે. તીવ્ર હિંસા,
માંસભક્ષણ વગેરેના પાપભાવ કરીને નરકમાં જીવ અનંતવાર ગયો, દયા–દાન વગેરેના પુણ્યભાવ કરીને
સ્વર્ગમાં પણ અનંતવાર ગયો, તેમજ મનુષ્ય તથા તિર્યંચના પણ અનંતવાર કર્યા, પણ દેહથી જુદું અને પુણ્ય–
પાપથી પણ જુદું એવું જ્ઞાનતત્ત્વ શું છે તે કદી જાણ્યું