Atmadharma magazine - Ank 125
(Year 11 - Vir Nirvana Samvat 2480, A.D. 1954).

< Previous Page   Next Page >


PDF/HTML Page 10 of 21

background image
: ફાગણ : ૨૦૧૦ : આત્મધર્મ–૧૨૫ : ૯૩ :
જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું
મહા વદ ૩ના રોજ રાણાવાવમાં પૂ. ગુરુદેવનું પ્રવચન. તત્ત્વજ્ઞાન તરંગિણી શ્લોક : ૧૯
જીવે બહારની કળા અનંતવાર જાણી છે પણ આત્માનું
વાસ્તવિક સ્વરૂપ કદી જાણ્યું નથી. જ્ઞાનને અંતરમાં વાળીને
આત્માને સ્વજ્ઞેય બનાવવો તે અપૂર્વ કળા છે. અહો, સ્વસન્મુખ
થઈને જેણે પોતાના સ્વ–પર પ્રકાશક સ્વજ્ઞેયને જાણ્યું તેને બીજું
કાંઈ જાણવાનું બાકી રહેતું નથી. જ્ઞાનને સ્વસન્મુખ કરીને શુદ્ધ–
ચિદ્રૂપ સ્વજ્ઞેયને જાણતાં રાગરહિત આનંદનો અપૂર્વ સ્વાદ આવે છે.
એકવાર પણ શુદ્ધ આત્માને સ્વજ્ઞેય બનાવે તો અલ્પકાળમાં મુક્તિ
થઈ જાય.
આ જગતમાં એક શુદ્ધ ચિદ્રૂપ આત્મા જ પરમ આદરણીય છે; જેણે શુદ્ધ આત્માને જાણી લીધો તેને બીજું
કાંઈ જાણવાનું બાકી રહેતું નથી એમ આ તત્ત્વજ્ઞાન તરંગિણીના ૧૯ મા શ્લોકમાં કહે છે–
“ज्ञेयं द्रश्यं न गम्यं मम जगति किमप्यस्ति कार्य न वाच्यं ध्येयं श्रव्यं न लभ्यं न च विशदमतेः
श्रेयमादेयमन्यत्। श्रीमत्सर्वज्ञवाणीजलनिधिमथनात् शुद्धचिद्रूप रत्नं यस्माल्लब्धं मयाहो कथमपि
विधिनाऽप्राप्तपूर्वं प्रिय च”
અંતર્મુખ થઈને જેણે પોતાના શુદ્ધચિદાનંદ તત્ત્વને જાણી લીધું છે એવા સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્મા કહે છે કે
અહો! ભગવાન શ્રી સર્વજ્ઞદેવની દિવ્ય વાણીરૂપી સમુદ્રનું મંથન કરીને, પૂર્વે કદી નહિ પાપ્ત કરેલ એવા, પ્રિય
ચિદ્રૂપરત્નને મેં કોઈપણ પ્રકારે પ્રાપ્ત કર્યું છે; તેથી હવે વિશુદ્ધમતિ એવા મને આ જગતમાં શુદ્ધ ચિદ્રૂપ આત્મા
સિવાય બીજું કાંઈ પણ જ્ઞેય નથી, બીજું કાંઈ પણ દ્રશ્ય નથી, બીજું કાંઈ પ્રાપ્ત કરવા યોગ્ય નથી,
[અનુસંધાન માટે જુઓ પાનું : ૯૬]
(પાના નં. ૯૨ થી ચાલુ)
પૂર્વે હું અમુક ઠેકાણે અમુક ભવમાં હતો, મેં પૂર્વે આવા આવા ભવો કર્યા–એમ જાતિસ્મરણ જ્ઞાનથી પણ
જણાય છે, ત્યાં જ્ઞાનમાં પૂર્વનો ભવ જણાય છે પણ તે ભવ કાંઈ અત્યારે આવતો નથી, કેમકે જ્ઞાન તો
આત્માનું સ્વરૂપ છે પણ ભવ તેનું સ્વરૂપ નથી. જુઓ, અત્યારે મહાવિદેહમાં (પૂર્વ દિશામાં) તીર્થંકર
ભગવાન બિરાજે છે.... કોણ બિરાજે છે?
[સીમંધર પરમાત્મા સાક્ષાત્ અરિહંતપદે બિરાજે છે, તેઓ
જીવન્મુક્ત સર્વજ્ઞ પરમાત્મા છે. તેમણે દિવ્યવાણી દ્વારા ઉપદેશમાં એમ કહ્યું કે ભગવાન આત્મા તો
જ્ઞાનસ્વરૂપ સ્વસંવેદ્ય છે, તે ઈન્દ્રિયગમ્ય નથી પણ જ્ઞાનગમ્ય છે. આવા આત્માને ઓળખીને તેમાં એકાગ્ર
થવું તે ધર્મની રીત છે. ઈન્દ્રિય કે મનના અવલંબને આત્મા જણાતો નથી તેથી તે સૂક્ષ્મ છે, અને પોતાના
જ્ઞાનમાં ત્રણકાળ ત્રણલોકને જાણી લ્યે એવી મહાન તાકાતવાળો હોવાથી તે સ્થુળ પણ છે. આ રીતે સૂક્ષ્મ
તેમજ સ્થૂળ એવા ચિદાનંદતત્ત્વને સત્સમાગમે જાણવું, શ્રદ્ધવું ને તેમાં લીન થવું તે મુક્તિનો ઉપાય છે.
સમકીતિ ધર્માત્મા કહે છે કે અહો! આવો ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા મારા જ્ઞાનમંદિરમાં સદા બિરાજી
રહો; મારા જ્ઞાનમાં હું શુદ્ધ ચૈતન્યસ્વરૂપનો જ આદર કરું છું, એ સિવાય પુણ્ય–પાપનો આદર કરતો નથી.
આ રીતે ધર્મીજીવ શ્રદ્ધા–જ્ઞાનમાં શુદ્ધઆત્માને જ બિરાજમાન કરીને તેનો જ આદર કરે છે. સત્સમાગમે
આત્માની ઓળખાણ કરીને આવો ભાવ પોતામાં પ્રગટ કરવો તે ધર્મ છે.