Atmadharma magazine - Ank 125
(Year 11 - Vir Nirvana Samvat 2480, A.D. 1954).

< Previous Page   Next Page >


PDF/HTML Page 9 of 21

background image
: ૯૨ : આત્મધર્મ–૧૨૫ : ફાગણ : ૨૦૧૦ :
પુણ્યના ભાવ થાય છે તે મારા જ્ઞાનથી જુદા છે. અજ્ઞાનીને પોતાના ચૈતન્યની તાકાતનો ભરોસો નથી, તે પુણ્ય–
પાપ જેટલો જ પોતાને માને છે ને દેહની ક્રિયાનું અભિમાન કરીને સંસારમાં રખડે છે. જુઓ, શ્રેણિક રાજાને
દેહથી ભિન્ન ચિદાનંદમૂર્તિ આત્માનું ભાન હતું, તેમને વ્રત–તપ કે ત્યાગ ન હતો પરંતુ અંતરમાં આત્માનું ભાન
હતું; હજી રાજપાટમાં હતા અને અનેક રાણીઓ હતી છતાં એકાવતારી થયા ને આવતી ચોવીસીમાં આ
ભરતક્ષેત્રે ત્રિલોકનાથ તીર્થંકર થશે, મહાવીર પરમાત્મા થયા તેવા જ ત્રણલોકના નાથ તીર્થંકર થશે. એ કોનો
પ્રતાપ? અંતરમાં ચિદાનંદસ્વભાવનું ભાન વર્તતું હતું તે સમ્યગ્દર્શનના પ્રતાપે તેઓ આવતા ભવમાં તીર્થંકર
થઈને મોક્ષ જશે. અંતરમાં રાગરહિત જ્ઞાનસ્વભાવની તાકાત કેવી છે તેની ઓળખાણ કરે તો અલ્પકાળમાં મોક્ષ
થયા વિના રહે નહિ. માટે સત્સમાગમે આત્માની ઓળખાણનો ઉપાય કરવો તે ધર્મની રીત છે.
આત્મા દેહથી ભિન્ન સ્વતંત્ર તત્ત્વ છે. શરીરની બાલ, યુવાન ને વૃદ્ધ એવી ત્રણે અવસ્થા જ્ઞાનમાં એક
સાથે જણાય, પણ કાંઈ તે ત્રણે અવસ્થા એક સાથે ભેગી કરી શકાતી નથી. શરીરમાં પૂર્વે બાલ અને યુવાન
અવસ્થા થઈ ને વીતી ગઈ, તે અત્યારે જ્ઞાનમાં જણાય ખરી, પણ તે વીતી ગયેલી અવસ્થા ફરીને લાવી શકાતી
નથી; માટે આત્માનો જાણવાનો સ્વભાવ છે, પણ શરીરની અવસ્થાને કરી શકે એવો તેનો સ્વભાવ નથી.
બાલપણું, યુવાનપણું ને વૃદ્ધપણું એ તો શરીરની દશા છે, આત્મા તેનાથી જુદો રહીને તે ત્રણેનો જાણનાર છે.
આત્મા પોતાના જ્ઞાનમાં એમ યાદ કરે કે :
અરેરે! બાલપણું રમતમાં ખોયું,
યુવાનીમાં સ્ત્રીમાં મોહ્યો,
ને વૃદ્ધાવસ્થા દેખીને રોયો...
એ પ્રમાણે ત્રણે દશાનું આત્મા જ્ઞાન કરે છે, પૂર્વના પુણ્ય–પાપને પણ તે જાણે છે કે મેં પૂર્વે આવા પ્રકારના ભાવો
કર્યા, પણ ત્યાં જ્ઞાન સાથે પૂર્વના વિકારી ભાવો આવી જતા નથી, કેમકે જ્ઞાન તો આત્માનો સ્વભાવ છે પણ
વિકાર આત્માનો સ્વભાવ નથી. પૂર્વના પાપને જાણતાં તેનું જ્ઞાન અત્યારે થાય છે, પણ જ્ઞાન ભેગાં તે પાપ કાંઈ
અત્યારે આવી જતા નથી. “અરેરે! હું તો ચૈતન્યતત્ત્વ, પુણ્ય–પાપ મારું સ્વરૂપ નહિ, પણ મેં મારા સ્વરૂપને
ભૂલીને પૂર્વે તીવ્ર ક્રોધ–માન–કપટના ભાવો કર્યાં ને હું સંસારમાં રખડયો” આ પ્રમાણે પૂર્વના પાપનું જ્ઞાન કર્યું,
ત્યાં વર્તમાનમાં તેનું જ્ઞાન થયું પણ તેવા પાપના ભાવ ન થયા, માટે પાપના ભાવથી જ્ઞાન જુદું છે, અને એ જ
પ્રમાણે પુણ્યના ભાવથી પણ જ્ઞાન જુદું છે. એક ક્ષણે પુણ્યના ભાવ થાય ને બીજી ક્ષણે તે પલટી જાય છે, તે
પરિણામ બીજી ક્ષણે રહેતા નથી પણ તેનું જ્ઞાન રહી જાય છે, તે જ્ઞાનસ્વરૂપ આત્મા છે. આવા જ્ઞાનતત્ત્વની
ઓળખાણ કરવી તે અપૂર્વ ધર્મ છે.
જુઓ, ધર્મ અપૂર્વ ચીજ છે. અપૂર્વ એટલે શું? પૂર્વે અનંતકાળમાં કદી એક ક્ષણ પણ જે નથી કર્યું તે
અપૂર્વ છે. બહારની મોટી મોટી પદવી અનંતવાર મળી ગઈ, પુણ્ય અનંતવાર કર્યાં, પણ તે કાંઈ અપૂર્વ નથી.
આત્માની ઓળખાણ પૂર્વે કદી કરી નથી તેથી તે જ અપૂર્વ છે. આત્માની ઓળખાણ થતાં અંતરમાં ચૈતન્યના
સિદ્ધભગવાન જેવા અતીન્દ્રિય આનંદનો અપૂર્વ અનુભવ થાય તેનું નામ ધર્મ છે. આ શરીર–મન–લક્ષ્મી વગેરે
અજીવ તત્ત્વો છે, તેનો અનુભવ જીવમાં નથી. અજ્ઞાનથી જીવ એમ માને છે કે હું પરનો ભોગવટો કરું છું, પરંતુ
તે અજ્ઞાની પણ પરને તો ભોગવતો નથી, ફકત અંદરમાં હર્ષ–શોકની વિકારી કલ્પના કરીને તે કલ્પનાનો
ભોગવટો કરે છે; પણ ચૈતન્યતત્ત્વ તો તે પુણ્ય–પાપના ભોગવટાથી પણ પાર છે તેની અજ્ઞાનીને ખબર નથી.
ધર્માત્મા જાણે છે કે હું સંયોગથી જુદો ને પુણ્ય–પાપની લાગણીઓથી પણ જુદો ચૈતન્યસ્વભાવરૂપ છું, આવા
ભાનમાં ધર્મી જીવ અંતર્મુખ વલણથી પોતાના જ્ઞાન–આનંદ સ્વભાવને જ ભોગવે છે. અહો! જ્યાં આત્માનું
ભાન થયું ત્યાં ધમી જીવને આત્મામાંથી ભણકાર આવી જાય છે કે મારા ચિદાનંદ સ્વભાવના આશ્રયે હવે
અલ્પકાળમાં મારા જન્મ–મરણનો અંત આવી જશે ને હું કેવળજ્ઞાન પ્રગટ કરીને સિદ્ધપદ પામીશ.
જુઓ
આવું ભાન અંતરમાં પ્રગટ કરવું તે ધર્મની શરૂઆત છે.
આત્માનું સ્વરૂપ તો જાણવાનું છે. પૂર્વે ચાલીસ વર્ષ પહેલાંં આ વંથલીગામમાં અમુક રસ્તે આવ્યા હતા,
એમ ચાલીસ વર્ષ પહેલાંંનું પણ અત્યારે જ્ઞાનમાં જણાય છે; એ જ પ્રમાણે પૂર્વે અનંત ભવો જીવ કરી ચૂક્યો તેને
પણ વર્તમાનમાં પ્રત્યક્ષ જાણે એવી જ્ઞાનની તાકાત છે.
(અનુસંધાન પાના નં. ૯૩ ઉપર)