Atmadharma magazine - Ank 125
(Year 11 - Vir Nirvana Samvat 2480, A.D. 1954).

< Previous Page   Next Page >


PDF/HTML Page 8 of 21

background image
: ફાગણ : ૨૦૧૦ : આત્મધર્મ–૧૨૫ : ૯૧ :
સર્વજ્ઞતા પ્રગટતી નથી પણ અંતરની જ્ઞાનશક્તિમાંથી જ કેવળજ્ઞાન પ્રગટે છે. વર્તમાન પર્યાયમાં પ્રગટરૂપે
અલ્પજ્ઞતા અને વિકાર હોવા છતાં દ્રવ્યની શક્તિમાં તો પરિપૂર્ણ કેવળજ્ઞાનની તાકાત સદાય પડી છે; આત્માના
સ્વભાવની આવી તાકાતનો વિશ્વાસ કરવો તે અપૂર્વ ધર્મ છે. પોતાના જ્ઞાનસ્વભાવને ભૂલીને, અનાદિથી
દેહાદિની ક્રિયાને પોતાની માનીને, તથા પુણ્ય–પાપને જ પોતાનું સ્વરૂપ માનીને જીવ સંસારમાં રખડે છે. અહો!
મારો આત્મા જ જ્ઞાનાનંદસ્વરૂપે ભગવાન છે, ભગવાન થયા તેમના આત્મામાં જેટલું સામર્થ્ય છે તેટલું જ
સામર્થ્ય મારા આત્મામાં પણ છે, આવી ઓળખાણ પૂર્વે કદી જીવે કરી નથી અને બહારથી જ ધર્મ માની લીધો
છે, બહુ તો શુભભાવ કરીને તેને ધર્મ માન્યો, પણ તેથી ભવભ્રમણ અટક્યું નહિ. તેથી આત્માનું વાસ્તવિક
સ્વરૂપ શું છે, કે જે સમજવાથી ભવભ્રમણનો અંત આવે, તેની આ વાત ચાલે છે.
બહારમાં શરીર–લક્ષ્મી વગેરેનો સંયોગ–વિયોગ થવો તે તો પૂર્વના પુણ્ય–પાપ અનુસાર થાય છે, તેમાં
જીવનું કાંઈ ચાલતું નથી. જીવ બહુ તો ઈચ્છા કરે પણ તેની ઈચ્છાને લીધે બહારની ક્રિયા થતી નથી. શરીર અને
કર્મ તો જડ છે, તે આત્મતત્ત્વથી ભિન્ન છે, અને તેની ક્રિયા પણ આત્માથી ભિન્ન છે. અનાદિથી ભિન્ન
ચૈતન્યતત્ત્વને ચૂકીને, શરીર તે જ હું અને શરીર ઠીક હોય તો મને ધર્મ થાય–એવી ઊંધી માન્યતા જીવે કરી છે,
તેથી તેને દેહથી ભિન્નપણું ભાસતું નથી. દેહથી ભિન્ન અંતરના ચૈતન્યતત્ત્વને ઓળખવાની આ વાત છે. આ
સિવાય પુણ્યની શુભ લાગણી અંદરમાં થાય તે પણ વિકાર છે, તે પુણ્ય પણ અનંતવાર કરી ચૂક્યો છે, તેમાં કાંઈ
ધર્મ નથી; અંતરમાં પુણ્યપાપથી પાર ચિદાનંદ આત્માની ઓળખાણ કરીને સમ્યગ્દર્શન પ્રગટ કરવું તે અપૂર્વ છે
અને તેમાં ધર્મ છે. પુણ્યથી સ્વર્ગ મળે પણ તેમા કાંઈ આત્માની શાંતિ ન મળે, તેનાથી ભવભ્રમણનો છેડો ન
આવે. ભાઈ! શાંતિ તો તારા આત્માની અંતરની ચીજ છે, તે કોઈ બહારની ચીજમાંથી કે પુણ્યમાંથી નથી
આવતી, પણ અંર્તસ્વભાવમાં એકાગ્રતાથી જ શાંતિનો અનુભવ થાય છે. તે માટે આત્માનો વાસ્તવિક સ્વભાવ
શું છે તેની પહેલાંં ઓળખાણ કરવી જોઈએ.
આ શરીર તો અજીવ છે, તેનો તો સંયોગ નવો થયો છે ને અમુક મુદ્તમાં તેનો વિયોગ થઈ જાય છે; ને
આત્મા તો અનાદિઅનંત અસંયોગી વસ્તુ છે. જડ શરીરની ક્રિયાથી આત્માને કાંઈ લાભ–નુકસાન નથી. આવું
જ્ઞાન પૂર્વે એક ક્ષણ પણ જીવે કર્યું નથી. મિથ્યાદ્રષ્ટિપણે શુભભાવ કરીને જીવ નવમી ગ્રૈવેયક સુધીનો દેવ થયો,
નવમી ગ્રૈવેયક ઉપર પાંચ અનુત્તર વિમાન છે ત્યાં તો સમ્યગ્દ્રષ્ટિ જીવો જ ઊપજે છે. અહીં તો એમ કહેવું છે કે
ભાઈ! આત્માના ભાન વિના પુણ્ય કરીને સ્વર્ગમાં પણ તું અનંતવાર ગયો, છતાં તારું ભવભ્રમણ ન મટયું. માટે
તું સમજ કે પુણ્ય કરતાં ધર્મ તે જુદી ચીજ છે.
સર્વજ્ઞ પરમાત્મા કહે છે કે હે આત્મા! એક ક્ષણમાં ત્રણકાળ ત્રણલોકને જાણવાની તારામાં તાકાત છે;
તારો સ્વભાવ એવો સ્થૂળ (મહાન) છે કે એક સમયની પર્યાયમાં આખા જગતનું જ્ઞાન સમાવી દ્યે.
સમયસારમાં પુણ્યપરિણામને સ્થૂળ કહ્યા છે અને ચૈતન્યસ્વભાવને સૂક્ષ્મ કહ્યો છે ત્યાં જુદી વાત છે; અહીં તો
આત્માનું અચિંત્ય જ્ઞાન–સામર્થ્ય બતાવવા આત્માને સ્થૂળ કહ્યો છે, અને તે ઈન્દ્રિયગમ્ય નથી તે અપેક્ષાએ તેને
જ સૂક્ષ્મ કહ્યો છે. જુઓ, ગિરનારજી ઉપર ચડ્યા ત્યારે દૂરદૂરનું કેટલું બધું દેખાતું હતું! ગિરનાર ઉપરથી આખું
જુનાગઢ નાનું લાગતું હતું; જ્ઞાન તો કાંઈ એટલું પહોળું થયું ન હતું, સાડાત્રણ હાથ પ્રમાણ જ્ઞાનમાં બધું જણાઈ
જતું હતું; આ રીતે જ્ઞાનમાં એવું મહાન સામર્થ્ય છે કે સમસ્ત લોકાલોક એક ક્ષણમાં તેમાં જણાઈ જાય છે. આવા
મહાન જ્ઞાનસામર્થ્યની પ્રતીત કરવી તે પહેલો ધર્મ છે. આત્માના જ્ઞાનસ્વભાવની પ્રતીત વગર દયા–દાન
વગેરેના શુભભાવ કરે તે કાંઈ ધર્મનો પ્રકાર નથી, તે તો પુણ્ય છે–આસ્રવ છે–સંસાર છે; ધર્મ તો સંવર–
નિર્જરાતત્ત્વ છે તે મોક્ષનું કારણ છે, અને પુણ્ય તે આસ્રવતત્ત્વ છે તે બંધનું કારણ છે, ચૈતન્યતત્ત્વના જ્ઞાન વગર
જિનમંદિર વગેરે બાંધવામાં શુભભાવથી કરોડો–અબજો રૂા. ખર્ચી નાંખે તોપણ તેમાં ધર્મ નથી, માત્ર પુણ્ય–બંધ
છે. અરે, મોટા અબજોની પેદાશવાળા રાજપાટ છોડીને દ્રવ્યલિંગી જૈન સાધુ થયો ને ઘણી ઉગ્ર પુણ્યક્રિયા કરીને
શુભભાવથી સ્વર્ગમાં ગયો છતાં ધર્મનો અંશ પણ ન થયો; કેમકે ‘હું તો અનંત જ્ઞાનશક્તિનો ધણી છું, દેહ કે
દેહની ક્રિયા મારી નથી, પુણ્યનો ભાવ પણ મારું ખરું સ્વરૂપ નથી’ આવી સમજણ કર્યા વગર ધર્મ થતો નથી.
જ્યાં આત્માનું ભાન થાય ત્યાં ધર્મી જીવ જાણે છે કે હું તો સદાય જ્ઞાનસ્વરૂપ છું, જે પાપના કે