જીવ આ વાત સાંભળે તે ભવ્યજીવ જરૂર અલ્પકાળમાં મુક્તિ પામે છે. જુઓ, આ એમ ને
એમ સાંભળી લેવાની વાત નથી, પણ સાંભળનાર ઉપર નિર્ણય કરવાની ભેગી જવાબદારી
છે. અનાદિથી જે માન્યું હતું તેમાં અને આ વાતમાં મૂળભૂત ફેર ક્યાં પડે છે તે બરાબર
સમજીને નક્ક્ી કરવું જોઈએ. અત્યાર સુધી પોતાની માન્યતામાં ભૂલ ક્યાં હતી અને હવે
આ વાત સાંભળ્યા પછી તેમાં ફેર ક્યાં પડ્યો–તેનો ભેદ પાડ્યા વગર એમ ને એમ
સાંભળી જાય– તો તેથી આત્માને સત્યનો કાંઈ લાભ થાય નહિ. એકલા શબ્દો તો પૂર્વે
અનંતવાર સાંભળ્યા, પણ તત્ત્વનિર્ણય વગર તેને આચાર્યદેવ શ્રવણ તરીકે ગણતા નથી,
તેથી સમયસારમાં કહ્યું કે જીવોએ શુદ્ધઆત્માની વાત પૂર્વે કદી સાંભળી નથી.
શુદ્ધઆત્માનાં શબ્દો તો સાંભળ્યા પણ પોતે અંતર્મુખ થઈને શુદ્ધઆત્માનો નિર્ણય ન કર્યો
માટે તેણે ખરેખર શુદ્ધઆત્માની વાત સાંભળી જ નથી. જુઓ, શ્રવણનું ખરું તાત્પર્ય શું તે
વાત પણ આમાં આવી ગઈ. શ્રવણમાં પરલક્ષે જે શુભરાગ થાય છે તે ખરેખર તાત્પર્ય
નથી પણ તત્ત્વનો નિર્ણય કરીને અંદર શુદ્ધ–આત્માનો અનુભવ કરવો તે જ ખરું તાત્પર્ય
છે. અહો! જ્યારે જુઓ ત્યારે એક સમયમાં પરિપૂર્ણ તત્ત્વ અંદર પડ્યું છે, ભગવાન
આત્મા પોતાના સ્વભાવની પરિપૂર્ણ શક્તિને સંઘરીને બેઠો છે, તેના સ્વભાવસામર્થ્યનો
એક અંશ પણ ઓછો થયો નથી, અને ત્રણ કાળમાં એક સમય પણ તે સ્વભાવનો વિરહ
નથી, પોતે જાગીને અંદરમાં દ્રષ્ટિ કરે એટલી જ વાર છે; જેમાં દ્રષ્ટિ કરતાં જ ન્યાલ થઈ
જવાય એવો એ સ્વભાવ છે. ‘હું પરિપૂર્ણ છું’ ઈત્યાદિ રાગરૂપ વિકલ્પ પણ તેનામાં નથી,
પરંતુ ઉપદેશમાં સમજાવવું કઈ રીતે? ઉપદેશમાં તેનું કથન કરવા જતાં સ્થૂળતા થઈ જાય
છે તેથી ખરેખર તે ઉપદેશનો વિષય નથી પણ અંર્તદ્રષ્ટિનો અને અંર્તઅનુભવનો વિષય
છે. ઉપદેશ તો નિમિત્ત–માત્ર છે, પોતે જાતે અંર્તદ્રષ્ટિ કરીને સમજે તો જ સમજાય તેવો
અચિંત્યસ્વભાવ છે.
સમ્યગ્દર્શનનું ઊંડું રહસ્ય ખોલ્યું છે. જેમ ઉપાદાનમાં ‘પર્યાયની લાયકાત’ એવો એક જ
પ્રકાર છે તેમ સમ્યગ્દર્શનમાં ‘આત્માના અભેદ સ્વભાવનો આશ્રય’ એવો એક જ પ્રકાર
છે. સમ્યગ્દર્શનના ધ્યેયરૂપ અભેદ સ્વભાવ એક જ પ્રકારનો છે, તેની દ્રષ્ટિ થયા પછી
ભેદના વિકલ્પને વ્યવહાર કહેવાય છે. એને બદલે વ્યવહાર પહેલો અને તેનાથી નિશ્ચય
પમાય એમ જે માને તે વ્યવહારમૂઢ છે, જૈનધર્મના સિદ્ધાંતની તેને ખબર નથી. અંતરમાં
‘હું એક જ્ઞાનસ્વભાવ જ છું, રાગ કે નિમિત્ત હું નથી, જ્ઞાનસ્વભાવમાં જ મારું સર્વસ્વ છે’
આવું લક્ષ થયા વિના નિશ્ચય વ્યવહારની કે ઉપાદાન–નિમિત્તની અનાદિની ભૂલ ટળે નહિ,
અને તે ભૂલ ટળ્યા વિના બીજા ગમે તેટલા ઉપાય કરે તોપણ કલ્યાણ થાય નહિ. માટે
જેને આત્માનું કલ્યાણ કરવું હોય–ધર્મી થવું હોય તેણે આ વાત બરાબર સમજીને નક્કી
કરવા જેવી છે.