: ફાગણ : ૨૦૧૦ : આત્મધર્મ–૧૨૫ : ૯૭ :
પણ જ્ઞાનસ્વરૂપ આત્મા પોતે કોણ છે તેને જે ઓળખતો નથી તે જીવે કાંઈ જાણ્યું નથી. આ
બાબતમાં એક દાખલો :– એક રાજા પાસે ઝવેરી આવ્યો ને એક રત્ન બતાવ્યું. રાજાએ બધાને
તેની કિંમત કરવા કહ્યું. બધાએ કિંમત કરી, પણ છેવટે એક હોંશિયાર વૃદ્ધ ઝવેરીએ તેની કિંમત
કરી કે આમાં એક પાસામાં જરાક ડાઘ છે, જો તે ડાઘ ન હોત તો આ રત્નની કિંમત કરોડો
સોનામહોર થાત. રાજાએ પ્રસન્ન થઈને તેને ઈનામ આપવાનું નક્ક્ી કર્યું અને તે કામ દીવાનને
સોંપ્યું. દીવાન ધર્માત્મા હતો, તેણે વિચાર્યું કે આ ઝવેરીનું કાંઈક હિત થાય એમ કરું. એમ
વિચારીને તેણે ઝવેરીને પૂછયું : ઝવેરીજી! તમે રત્નનું તો પારખું કરવાનું જાણો છો, પણ આ
દેહદેવળમાં ચૈતન્ય રત્ન છે તેને પારખો છો? ઝવેરી કહે : ભાઈ, એને તો મેં કદી જાણ્યું નથી.
દીવાનજીએ કહ્યું : ઠીક, કાલે રાજસભામાં આવજો એટલે તમને શું ઈનામ આપવું તે નક્કી
કરશું. બીજે દિવસે રાજસભામાં જઈને દીવાનજીએ કહ્યું કે ‘આ ઝવેરીને સાત ખાસડા મારવાનું
ઈનામ આપો.’ દીવાનની એ વાત સાંભળીને બધા આશ્ચર્યમાં પડ્યા. દીવાને ઝવેરીને
સંબોધીને કહ્યું : જુઓ ભાઈ! તમે ઝવેરાતને પારખતાં શીખ્યા, પણ આ દેહમાં રહેલું
ચૈતન્યરત્ન શું છે તેની તો ખબર નથી, તો ચૈતન્યના ભાન વગર આ ભવ પૂરો કરીને ક્યાં
જશો? ઝવેરાતને પારખતાં શીખ્યા, પણ બધાયને જાણનારો આત્મા પોતે કોણ છે તેને
ઓળખ્યા વગર કલ્યાણ થવાનું નથી; માટે હવે ચૈતન્યસ્વભાવને ઓળખવાની દરકાર કરો.
દીવાનજીની વાત સાંભળીને ડાહ્યો ઝવેરી સમજી ગયો અને રાજાને કહ્યું કે, દીવાનજીએ મને
સાત ખાસડાં મારવાનું કહ્યું છે તે બરાબર છે સાત નહિ પણ ચૌદ ખાસડાં મારવા જોઈએ;
અરેરે! મેં બધું જાણ્યું પણ સ્વતત્ત્વને કદી ન જાણ્યું, સ્વતત્ત્વ જાણવાની દરકાર પણ ન કરી.
સ્વતત્ત્વને જાણ્યા વિના બધું જાણપણું નકામું છે. એમ, જે જીવ પોતાના ચૈતન્યતત્ત્વને જાણતો
નથી ને સ્વને ચૂકીને એકલા પરતત્ત્વને જાણવામાં જ અટકે છે તે જીવ સંસારપરિભ્રમણ કરીને
ચોરાસીના અવતારરૂપી ખાસડાં ખાય છે. અહો! હું તો જ્ઞાનાનંદસ્વરૂપ આત્મા છું એમ જેણે
એક ચૈતન્યતત્ત્વને જાણ્યું તેણે બધુંય જાણ્યું છે. સર્વજ્ઞ પરમાત્માની વાણીમાંથી સાર શું કાઢવો?
કે હું જ્ઞાનાનંદ સ્વરૂપ આત્મા છું એમ જે સમજ્યો તેણે સર્વજ્ઞની વાણીરૂપી દરિયાનું મંથન
કરીને તેમાંથી ચૈતન્યરત્ન કાઢ્યું. જેમ દરિયામાં ડૂબકી મારીને રત્ન લાવે, તેમ આત્મા
જ્ઞાનાનંદસ્વરૂપ છે એમ જેણે જાણ્યું છે તે જીવે જ્ઞાનરૂપી દરિયામાં ડુબકી મારીને ચૈતન્યરત્નને
પ્રાપ્ત કર્યું છે; તેને હવે જગતમાં બીજું કાંઈ પ્રાપ્ત કરવા યોગ્ય રહ્યું નથી.
દરેક આત્માની શક્તિમાં સર્વજ્ઞતા પડી છે. જેઓ સર્વજ્ઞ થયા તેઓએ તે સર્વજ્ઞતા
આત્માની શક્તિમાંથી જ પ્રગટ કરી છે. સર્વજ્ઞ ભગવાન જેવી જ પરિપૂર્ણ તાકાત દરેક
આત્મામાં પડી છે. જેમ લીંડીપીપરના એકેક દાણામાં ચોસઠપોરી તીખાશ થવાની તાકાત છે તેમ
એકેક આત્મામાં સર્વજ્ઞતા પ્રગટવાની પરિપૂર્ણ તાકાત છે. આવા પોતાના આત્માને સ્વજ્ઞેય
બનાવીને તેમાં એકાગ્રતા વડે મંથન કરે તો તે સર્વજ્ઞતા પ્રગટે. જેણે ચિદાનંદસ્વભાવી આત્માને
દેખ્યો અને જાણ્યો તેને હવે જગતમાં બીજું કાંઈ દેખવા કે જાણવાનું બાકી રહેતું નથી.
અંતર્મુખદ્રષ્ટિ કરીને ચૈતન્યતત્ત્વનું જેણે દર્શન કર્યું તેણે જગતમાં બધું દેખી લીધું, અને જેણે
અંતરમાં ચૈતન્યતત્ત્વને ન દેખ્યું તેણે ખરેખર કાંઈ દેખ્યું નથી.
ચૈતન્યતત્ત્વ કઈ રીતે દેખાય? શું આ બહારની આંખથી દેખાય? ના; તે આંખ તો જડ
છે, પણ અંદર આત્મા જ્ઞાનસ્વરૂપ છે, તે જ્ઞાનને અંતર્મુખ એકાગ્ર કરીને આત્માને સ્વજ્ઞેય
બનાવે તો આત્માનું યથાર્થ જ્ઞાન અને દર્શન થાય છે. અંતરના ચિદાનંદસ્વરૂપ સ્વજ્ઞેયને જેણે ન
જાણ્યું ને ન દેખ્યું તેનું બધું જાણવું ને દેખવું વ્યર્થ છે. જાણનારો પોતે, ને પોતાને જ જાણે નહિ,