Atmadharma magazine - Ank 125
(Year 11 - Vir Nirvana Samvat 2480, A.D. 1954).

< Previous Page   Next Page >


PDF/HTML Page 6 of 21

background image
: ફાગણ : ૨૦૧૦ : આત્મધર્મ–૧૨૫ : ૮૯ :
આત્માનું જ્ઞાન કરવું તે જ આ જગતમાં નિર્દોષ કાર્ય છે. જીવે પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપની શ્રદ્ધા કરવાનો કદી
પ્રયત્ન કર્યો નથી; શરીરની ક્રિયાને પોતાની માનવી ને રાગથી ધર્મ માનવો તેમાં મિથ્યાત્વનો મોટો દોષ છે
–અપરાધ છે, તેનાથી સંસારભ્રમણ થાય છે; ને દેહથી ભિન્ન જ્ઞાનાનંદસ્વરૂપ આત્માની ઓળખાણ–પ્રતીત–
અનુભવ કરવો તે નિર્દોષ કાર્ય છે, તે મોક્ષનું કારણ છે; માટે આ મનુષ્યભવમાં સત્સમાગમે આવા આત્માની
સમજણનો ઉપાય કરવો જોઈએ. બહારનું તો પૂર્વનાં પુણ્ય–પાપ અનુસાર બને છે, પૈસા આવવા કે જવા તે બધું
પૂર્વનાં પુણ્ય–પાપ અનુસાર છે તેમાં જીવનું ડહાપણ કામ આવતું નથી; ત્યાં તો જીવ મફતનો અભિમાન કરે છે,
પણ શરીરથી જુદો તેમજ અંદરની શુભ–અશુભ લાગણીથી પણ પાર એવો મારો જ્ઞાનાનંદસ્વભાવ શું છે તે
જાણવાની પૂર્વે કદી દરકાર કરી નથી. ચૈતન્યતત્વના ભાન વગર દયાદિના ભાવ કરીને સ્વર્ગમાં અનંતવાર
રખડ્યો, હિંસાદિના તીવ્ર–પાપભાવ કરીને નરકમાં પણ અનંતવાર રખડ્યો, તીવ્ર દંભ–માયા તથા વક્રતાના
પરિણામ કરીને તિર્યંચમાં રખડ્યો ને કંઈક મધ્યમ પરિણામથી મનુષ્ય પણ અનંતવાર થયો, પણ
ચૈતન્યસ્વભાવનું ભાન પૂર્વે એક સેકંડ પણ કર્યું નથી. જેમ પર્વત ઉપર વીજળી પડે ને તેના કટકા થાય તે ફરીને
રેણ દીધે સંધાય નહિ, તેમ જો એકવાર પણ દેહથી ભિન્ન ચિદાનંદસ્વભાવનું ભેદજ્ઞાન કરે તો ફરીને સંસારમાં
પરિભ્રમણ થાય નહિ. ભાઈ! તારો ભાવ પરમાં તો કામ આવતો નથી, માટે પરના કર્તૃત્વનું નકામું અભિમાન
છોડ. તને પરને બચાવવાનો ભાવ થાય, પણ તારા ભાવને લીધે પર જીવ કાંઈ બચી જતો નથી, તારો
બચાવવાનો ભાવ હોવા છતાં પર જીવનું આયુષ્ય ન હોય તો તે મરી જાય છે, અને તેનું આયુષ્ય હોય તો તે
બચે છે; માટે પર જીવની ક્રિયા તો તારે આધીન નથી. જીવની ઈચ્છા ન હોવા છતાં વૃદ્ધાવસ્થા થતાં માથાના
વાળ કાળામાંથી ધોળા થઈ જાય છે. આ શરીર ઉપર પણ તારી સત્તા નથી, શરીર તારાથી ભિન્ન ચીજ છે.
શરીરથી ભિન્ન હું જ્ઞાનાનંદસ્વરૂપ આત્મા છું એવી ઓળખાણ કરવી–રુચિ કરવી ને તેમાં એકાગ્રતા કરવી તે ધર્મ
છે, અને તે જ સંસારથી છૂટવાનો ઉપાય છે. આ મનુષ્યભવ પામીને સત્સમાગમે જ્ઞાનાનંદ સ્વરૂપ આત્માની
ઓળખાણ કરીને તેનું ધ્યાન કરવું. તે જ આ જગતમાં ઉત્તમ અને નિર્દોષ કાર્ય છે. ચિદાનંદ સ્વરૂપ આત્માનું
રાગરહિત સ્વસંવેદન થાય તેને જ ભગવાન નિર્દોષ ચીજ કહે છે, એ સિવાય અજ્ઞાનભાવે જે કાંઈ કરે તે બધું
સદોષ છે.
જુઓ, ચૈતન્ય વસ્તુમાં આનંદ ભર્યો છે, તે આનંદ આંખ વગેરે ઈન્દ્રિયોથી ન દેખાય પણ અતીન્દ્રિયજ્ઞાન
વડે તેનો નિર્ણય થાય છે. જેમ દીવાસળીના નાના ટોપકામાં ભડકો થવાની તાકાત છે તે આંખ વગેરે ઈન્દ્રિયોથી
નથી દેખાતી પણ જ્ઞાનદ્વારા નક્કી થાય છે; તેમ ચૈતન્યમૂર્તિ આત્મામાં સર્વજ્ઞતાનું તેજ પ્રગટવાની તાકાત છે,
તેની પ્રતીત કરીને તેમાં એકાગ્ર થતાં સર્વજ્ઞતા અંદરથી જ પ્રગટે છે. આપણે ‘નમો અરિહંતાણં અને નમો
સિદ્ધાણં’ કહીએ છીએ. તે અરિહંત અને સિદ્ધભગવંતો ક્યાંથી થયા? અનંતા સર્વજ્ઞ ભગવંતો થયા તે બધાય
પોતાની ચૈતન્ય શક્તિમાંથી જ કેળવજ્ઞાન પ્રગટ કરીને સર્વજ્ઞ થયા છે, કાંઈ સર્વજ્ઞતા બહારથી નથી આવી. અને
તેનું સાધન પણ બહાર નથી. અંતરની ચૈતન્યશક્તિની પ્રતીત કરીને તેના ધ્યાનરૂપી સાધન વડે જ સર્વજ્ઞતા થઈ
છે, કોઈ બહારના સાધનથી કે રાગના સાધનથી સર્વજ્ઞતા થઈ નથી. જો શરીરાદિ બહારના સાધનથી કે રાગના
સાધનથી સર્વજ્ઞતા થઈ હોય તો, તો તે સાધન છૂટી જતાં સર્વજ્ઞતા પણ ચાલી જાય! પણ અંતરની
ચૈતન્યશક્તિના અવલંબનથી જ સર્વજ્ઞતા પ્રગટે છે. દરેક આત્મામાં સર્વજ્ઞ થવાની તાકાત પડી છે, અંતરની
ચૈતન્યશક્તિના અવલંબને જ સંસારનો નાશ થઈને મોક્ષદશા પ્રગટે છે. ચૈતન્યશક્તિના અવિશ્વાસને લીધે જ
જીવને અત્યાર સુધી સંસારપરિભ્રમણ થયું છે. અંતરના ચૈતન્યસ્વભાવની ઓળખાણ–પ્રતીત અને વિશ્વાસ
કરવો તે જ આ જગતમાં ઉત્તમ અને નિર્દોષ કર્તવ્ય છે.
(બાબરા ગામમાં પરમપૂજ્ય ગુરુદેવનું પ્રવચન:
સં. ૨૦૧૦, પોષ વદ ૯)