Atmadharma magazine - Ank 126
(Year 11 - Vir Nirvana Samvat 2480, A.D. 1954).

< Previous Page   Next Page >


PDF/HTML Page 17 of 21

background image
: ૧૨૦ : આત્મધર્મ–૧૨૬ : ચૈત્ર : ૨૦૧૦ :
(અનુસંધાન પાના નં. ૧૦૯ થી ચાલુ)
પાપભાવ થયા વગર રહેશે નહિ ને તેના ફળમાં તે નરક નિગોદાદિમાં રખડશે. ચૈતન્યતત્વ જ શરણભૂત છે.
પૂર્વના પુણ્યના ફળરૂપે આ મનુષ્યદેહ, પંચેન્દ્રિયની પૂર્ણતા, ઉત્તમ કુળ અને સાચા દેવ–ગુરુ–ધર્મનો યોગ પ્રાપ્ત
થયો છે, હવે અત્યારે પુણ્ય અને પુણ્યના ફળની રુચિ છોડીને, શુદ્ધ ચૈતન્યતત્ત્વની દ્રષ્ટિ કરે તો અપૂર્વ આત્મલાભ
પામે અને ભવનો અંત થઈને શાશ્વત મોક્ષની પ્રાપ્તિ થાય. જે જીવ ચૈતન્યતત્ત્વનો અનાદર કરીને પુણ્યની ને
સંયોગની મીઠાશ કરે છે તેને મિથ્યાત્વના જોરથી પાપવાસનાની પુષ્ટિ થઈને અનંતકાળ નિગોદાદિમાં પરિભ્રમણ
થાય છે.
પુણ્યક્રિયા કરતાં કરતાં કલ્યાણ થઈ જશે એમ કેટલાક માને છે, પણ તેની દ્રષ્ટિ જ ઊંધી છે. શાસ્ત્રકાર કહે
છે કે ભાઈ, તારો શુભભાવ તો ટાઢીયા–ઊના તાવની જેમ ક્ષણિક છે, ને શુભભાવ કાયમ નહિ ટકે. પણ શુભ
પલટીને અશુભ થઈ જશે. પુણ્ય–પાપની લાગણી રહિત જ્ઞાનાનંદ સ્વરૂપ છે તે ધ્રુવ રહે છે, એવા ધ્રુવ ચિદાનંદ
સ્વરૂપ આત્માની દ્રષ્ટિ કરવી તે ધર્મ છે.
ભગવાન! તારો આત્મા ચિદાનંદ શક્તિનો પિંડ છે, તેને ચૂકીને તેં અનાદિથી સંયોગની ને પુણ્ય–પાપની
દ્રષ્ટિથી હિત માન્યું છે, પણ જ્ઞાનાનંદસ્વરૂપ અંતરમાં છે તે કદી જોયું નથી. બહારમાં સંયોગ તો સંયોગના કારણે
હોય પણ અંતરમાં ધર્મીની દ્રષ્ટિ પલટી ગઈ હોય છે. સ્વર્ગનાં ઈન્દ્રને ઈન્દ્રપદના વૈભવનો સંયોગ હોય છતાં
અંતરમાં ભાન છે કે હું સંયોગથી ભિન્ન જ્ઞાનાનંદ સ્વરૂપ છું. ભાઈ! આવો મનુષ્યદેહ મળ્‌યો તેમાં આત્માનું
વાસ્તવિક સ્વરૂપ શું છે તે વાત લક્ષમાં તો લે. જેમ દોરા વગરની સોય ખોવાઈ જાય તે હાથ ન આવે પણ જો
દોરો પરોવ્યો હોય તો ખોવાય નહિ; તેમ આ મનુષ્યદેહ પામીને સત્સમાગમે સૂત્ર એટલે કે સમ્યગ્જ્ઞાન રૂપી દોરો
જો આત્મામાં પરોવી લ્યે તો આત્મા ચોરાસીના અવતારમાં ખોવાય નહિ, અને આત્માના લક્ષ વગર જો જીવન
પૂરું કરે તો સંસારની ચાર ગતિમાં ક્યાંય રઝળશે. માટે હે ભાઈ! આત્માની આ વાત સાંભળીને તેની રુચિ તો
કર, અરે! હા તો પાડ. ‘હા’ પાડતાં પાડતાં તેવી હાલત થઈ જશે. ભગવાન! આ વાત તેં કદી લક્ષમાં લીધી નથી.
જેમ પારસમણિના સંસર્ગથી લોઢું સોનું થઈ જાય, પણ જે લોઢામાં તેવી લાયકાત હોય તે જ સોનું થાય, કાટવાળું
હોય તો તે સોનું ન થાય, તેમ સત્સમાગમે યથાર્થ શ્રવણ–મનન કરે તો પામરતા ટળીને યથાર્થ જ્ઞાન થાય, પણ
જો અંતરમાં પુણ્ય–પાપની રુચિ રૂપી કાટ લાગ્યો હોય તો તેને લાભ ન થાય.
અહો! આ વાત પૂર્વે જીવે એક ક્ષણ પણ લક્ષમાં લીધી નથી. એકવાર પણ આ વાત લક્ષમાં લઈને રુચિ કરે
તો અલ્પકાળમાં મુક્તિ થયા વિના રહે નહિ. આ વાત દ્રષ્ટિમાં લેવી તે અપૂર્વ છે. આવી દ્રષ્ટિ પ્રગટ્યા પછી
સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્માને ચક્રવર્તી રાજનો સંયોગ પણ હોય, પરંતુ અંતરની દ્રષ્ટિ ચિદાનંદ સ્વભાવમાં પડી છે,
અંતરદ્રષ્ટિમાં ચિદાનંદ સ્વભાવ સિવાય બીજા કોઈનો આદર નથી. સમ્યગ્દર્શન તે ધર્મનું પહેલું સોપાન છે.
અષ્ટપાહુડ શાસ્ત્રમાં ભગવાન કુંદકુંદાચાર્ય દેવ કહે છે કે
‘दंसणमूलो धम्मो’ સર્વજ્ઞ ભગવાને જે ધર્મ કહ્યો છે તેનું
મૂળ સમ્યગ્દર્શન છે. ચિદાનંદ સ્વરૂપ આત્માની દ્રષ્ટિ કરવી ને પુણ્ય–પાપની રુચિ છોડવી તે ધર્મનું પહેલું સોપાન
છે; તેને બદલે પુણ્ય તે ધર્મનું સોપાન છે એમ અજ્ઞાની માને છે. ભાઈ! આત્માના ઊર્ધ્વસ્વભાવની શ્રેણીએ
ચડવાનું એટલે કે મુક્તિનું પહેલું સોપાન તો સમ્યગ્દર્શન જ છે. પુણ્યની રુચિ કરવી તે તો નીચે ઉતરવાનું પગથિયું
છે. હે ભાઈ! તારે અવિનાશી કલ્યાણ જોઈતું હોય ને ભવનો નાશ કરવો હોય તો પુણ્ય–પાપ રહિત ચિદાનંદ
તત્ત્વની ઓળખાણ કર; એ સિવાય ઈન્દ્રના ઈન્દ્રાસન પણ અધ્રુવ છે, તેના શરણે ચૈતન્યની શાંતિ નથી. માટે
આત્માના ધ્રુવ ચિદાનંદ સ્વરૂપને સત્સમાગમે સમજવું તે જ શાંતિનો ઉપાય છે.
* * * * *