Atmadharma magazine - Ank 128
(Year 11 - Vir Nirvana Samvat 2480, A.D. 1954).

< Previous Page   Next Page >


PDF/HTML Page 13 of 21

background image
: ૧૫૬ : આત્મધર્મ–૧૨૮ : જેઠ : ૨૦૧૦ :
ધર્મની શરૂઆત
કેવી રીતે થાય?
[વાંકાનેરમાં પંચકલ્યાણક–પ્રતિષ્ઠા–મહોત્સવ દરમિયાન
ચૈત્ર સુદ ૧૦ ના પૂજ્ય ગુરુદેવના પ્રવચનમાંથી]
શુદ્ધ આત્માનો અનુભવ એટલે કે સમ્યગ્દર્શન કેમ થાય? તેની આ વાત છે. આત્માનો જ્ઞાનસ્વભાવ છે,
તેનું ભાન કરીને તેમાં લીનતા વડે ભગવાને સર્વજ્ઞતા ને પરિપૂર્ણ શાંતિ પ્રગટ કરી. આ આત્મા પણ એવી
પરિપૂર્ણ શાંતિ પ્રગટ કરવા ચાહે છે ને અશાંતિ ટાળવા માગે છે. તો જે શાંતિ પ્રગટ કરવા માગે છે તે શાંતિ
પોતાના સ્વભાવમાં જ ભરી છે. પુણ્ય–પાપ–આસ્રવ ને બંધ તે અશાંતિ છે ને સંવર–નિર્જરા–મોક્ષ તે શાંતિ છે.
પોતાના જ્ઞાનાનંદસ્વભાવમાં જ શાંતિ ભરી છે, પણ પોતાના સ્વભાવની યથાર્થ વાત જીવે કદી રુચિથી સાંભળી
પણ નથી. તેથી આચાર્યદેવ સમયસારની ચોથી ગાથામાં કહે છે કે–
શ્રુત પરીચિત અનુભૂત સર્વને કામભોગબંધનની કથા,
પરથી જુદા એકત્વની ઉપલબ્ધિ કેવળ સુલભ ના.
અનાદિકાળમાં ચૈતન્યસ્વભાવને ચૂકીને ‘સંયોગમાં સુખ છે, ને પુણ્ય–પાપમાં સુખ છે’ –એવી ઊંધી રુચિ
જીવે કરી છે એટલે તેની જ વાત પ્રીતિથી સાંભળી છે, પણ ‘સંયોગથી પાર ને પુણ્ય–પાપથી પાર મારા ચિદાનંદ
સ્વભાવમાં જ મારું સુખ છે’ એવી યથાર્થ રુચિ કદી કરી નથી તેથી તેની વાત પણ પ્રીતિથી કદી સાંભળી નથી.
આત્માના જ્ઞાનાનંદ સ્વરૂપના અવલંબને તો સંવર–નિર્જરા–મોક્ષરૂપ નિર્મળદશા પ્રગટે એવો સ્વભાવ છે.
જે આસ્રવ–બંધના ભાવો થાય છે તે ચૈતન્યસ્વભાવના અવલંબને પ્રગટતા નથી પણ પરના અવલંબને પ્રગટે છે.
ઈન્દ્ર એકાવતારી હોય છે, લાખો વિમાનનો સ્વામી છે પણ અંતરમાં જ્ઞાનાનંદ સ્વરૂપનું ભાન છે, મતિ–શ્રુત–
અવધિજ્ઞાન સહિત છે. જ્યાં તીર્થંકરનો જન્મ થાય ત્યાં જગતમાં આશ્ચર્યનો ખળભળાટ થાય, ઈન્દ્રને
અવધિજ્ઞાનથી ખબર પડે કે અહો! ત્રિલોકનાથ તીર્થંકરનો અવતાર થયો. તરત જ સાત પગલા સામે જઈને
ભગવાનને વંદન કરે છે, ને ભગવાનનો જન્મ–કલ્યાણક ઉત્સવ કરવા આવે છે; અને ભગવાનને જોઈને
ભક્તિથી નાચી ઊઠે છે. ધર્માત્માને ધર્મનો એવો ઉલ્લાસભાવ આવ્યા વિના રહેતો નથી. ધર્મની પ્રીતિ હોય તેને
ધર્માત્મા પ્રત્યે આદરભાવ આવ્યા વિના રહેતો નથી. પણ ધર્મીને અંતરમાં ભાન છે કે મારા જ્ઞાનાનંદ સ્વરૂપનો
સ્વાદ તો આ રાગથી પણ પાર છે. રાગરહિત અતીન્દ્રિય શાંતિનો સ્વાદ આવે એનું નામ ધર્મ છે.
પર્યાયમાં રાગાદિભાવો દેખાય છે–બંધન દેખાય છે, છતાં તેનાથી રહિત અબંધ જ્ઞાનસ્વભાવનો અનુભવ
કેમ થઈ શકે? એમ શિષ્યે પૂછયું છે, તેને અહીં આચાર્યદેવ સમજાવે છે કે હે ભાઈ! રાગાદિભાવો કે કર્મોનો
સંયોગ
તારા (અનુસંધાન પાના નં. ૧૫૭ ઉપર)
(અનુસંધાન પાના નં. ૧૫૫ થી ચાલુ)
રાગના કે નિમિત્તના અવલંબને તારો ધર્મ નથી. આવું અપૂર્વ ભાન કરવું તે જ ધર્મની પહેલી શરૂઆતની વિધિ છે.
પ્રભુ! તેં બીજા ઉપાયો ર્ક્યા પણ સાચી સમજણનો રસ્તો પૂર્વે કદી લીધો નથી, અને એના વિના કદી ધર્મ થતો નથી.
તેં આત્માના ભાન વગર ચારે ગતિના અવતાર અનંતવાર કર્યા છે, પણ ભવ અને ભવના કારણ વગરનો તારો
જ્ઞાનાનંદ સ્વભાવ છે, તે સ્વભાવની દ્રષ્ટિ કર તો ભવનો અંત આવે; આ સિવાય બહારના કારણથી ભવનો અંત
આવે નહિ. માટે જેને ભવનો અંત લાવવો હોય ને આત્માનો અતીન્દ્રિય આનંદ પ્રગટ કરવો હોય તેણે અંતરના ધુ્રવ
જ્ઞાનાનંદ સ્વભાવને લક્ષમાં લઈને તેની રુચિ અને બહુમાન કરવા જેવા છે; તેની મુખ્યતા કરીને તેનું અવલંબન
કરવાથી ધર્મ થાય છે ને ભવભ્રમણનો અંત આવીને પૂર્ણાનંદરૂપ મોક્ષદશા પ્રગટે છે.