Atmadharma magazine - Ank 128
(Year 11 - Vir Nirvana Samvat 2480, A.D. 1954).

< Previous Page   Next Page >


PDF/HTML Page 6 of 21

background image
: જેઠ : ૨૦૧૦ : આત્મધર્મ–૧૨૮ : ૧૪૯ :
સમાઈ જાય છે. આ રીતે નવતત્ત્વોને જાણતાં તેનાથી વિપરીત માનનારાનો આદર છૂટી જાય છે તે પ્રથમ ત્યાગ
છે, અને પુણ્ય–પાપથી ધર્મ થાય એવી ઊંધી રુચિ છૂટી જાય છે તે વૈરાગ્ય છે. આ પ્રકારે નવતત્ત્વોનું જ્ઞાન થાય
તેનું નામ ચિત્તશુદ્ધિ છે; અને તે સમ્યગ્દર્શનની પ્રથમ ભૂમિકા છે.
જગતમાં નવે તત્ત્વો છે; મોક્ષતત્ત્વ છે, તે મોક્ષદશા પ્રગટ કરનારા અનંત જીવો જગતમાં છે, ને હું પણ
મારી મોક્ષદશાને સાધવા માંગું છું. તો તે મોક્ષદશા ક્યાંથી આવશે? મારા આત્માના સ્વભાવમાં જ પૂર્ણ શુદ્ધ
મોક્ષદશા પ્રગટવાનું સામર્થ્ય છે; તેમાંથી જ મોક્ષદશા પ્રગટશે. મારી મોક્ષદશા શરીરાદિ અજીવની ક્રિયામાંથી નહિ
આવે, પુણ્ય–પાપ કે આસ્રવ–બંધના વિકારી ભાવોમાંથી પણ મારી મોક્ષદશા નહિ આવે; અને સ્વભાવના
અવલંબને સંવર–નિર્જરા રૂપ જે અધૂરી નિર્મળ દશા પ્રગટી તે અધૂરી દશાના અવલંબને પણ પૂર્ણ મોક્ષદશા નહિ
આવે. મોક્ષદશાનું સામર્થ્ય મારા આત્મસ્વભાવમાં જ છે, તે સ્વભાવના અવલંબને જ મારી મોક્ષદશા પ્રગટી
જશે. આ રીતે સ્વસન્મુખ થઈને આત્માની પ્રતીતિ કરવી–નિર્વિકલ્પ અનુભવ કરવો તે પ્રથમ અપૂર્વ ધર્મ છે.
“હે ભાઈ! તું સમજીને તારામાં ઠર” –એમ જ્ઞાની કહે છે, તેમાં નવે તત્ત્વો સાબિત થઈ જાય છે. ‘તું
સમજ’ એમ કહ્યું એટલે અત્યાર સુધી સમજ્યો ન હતો, ઊંધી સમજણ હતી–તેમાં આસ્રવ–બંધ ને પુણ્ય–પાપ
સમાઈ ગયા. તથા સમજવાનું કહ્યું –તો સમજે એવી તાકાત જીવમાં છે, એટલે કે જીવ જ્ઞાનસ્વભાવી છે એ વાત
આવી ગઈ. જીવને સમજવાનું કહ્યું, એટલે સમજશક્તિ વગરના બીજા અજીવ તત્ત્વો પણ જગતમાં છે–એ વાત
તેમાં આવી જાય છે. વળી અત્યાર સુધી નહોતો સમજ્યો ને હવે નવી અપૂર્વ સમજણ કરવાનું કહ્યું તેમાં સંવર–
નિર્જરા તત્ત્વ આવી જાય છે. સમજીને સ્વભાવમાં ઠરતાં મોક્ષદશા થઈ જાય છે. આવું સમજીને સ્વરૂપમાં ઠરનારા
સાચા દેવ–ગુરુ છે, આથી વિપરીત મનાવનારા તે કુદેવ કુગુરુ છે.
‘ત્યાગ વૈરાગ્ય ન ચિત્તમાં, થાય ન તેને જ્ઞાન’ એમ કહ્યું તેમાં ત્યાગની વ્યાખ્યા કેટલી? તેની આ વાત
છે. બહારમાં ઘરબાર વગેરેના ત્યાગ વગર સમ્યગ્જ્ઞાન ન થાય એમ એનો અર્થ નથી. ચક્રવર્તીને છ ખંડનો
વૈભવ હોય, હજારો રાણીઓ હોય છતાં અંતરમાં ચિદાનંદ સ્વરૂપ આત્માનું સમ્યગ્જ્ઞાન હોય છે. માટે તે બહારનો
ત્યાગ હોય તો જ સમ્યગ્જ્ઞાન થાય એવો એનો અર્થ નથી. બહારમાં સંયોગો વર્તતા હોવા છતાં ‘હું જ્ઞાનાનંદ
સ્વરૂપ આત્મા પુણ્ય–પાપથી પાર છું’ એવી અંર્તદ્રષ્ટિનું પરિણમન સમકિતીને થઈ ગયું છે. અહીં તો કહેવું છે કે
નવતત્ત્વોને જાણતાં કુતત્ત્વોની માન્યતાનું વલણ છૂટી જાય તેનું નામ ત્યાગ છે, ને એવા ત્યાગ વગર સમ્યગ્જ્ઞાન
થાય નહિ. સમ્યગ્જ્ઞાન થયા પછી ચૈતન્યસ્વરૂપમાં વિશેષ લીન થતાં રાગ–દ્વેષ છૂટી જાય, તેના પ્રમાણમાં
બહારનો ત્યાગ સહજ હોય છે. પણ પરવસ્તુને આત્મા લ્યે કે છોડે એવો તેનો સ્વભાવ નથી. નવતત્ત્વ શું છે ને
તે નવતત્ત્વના વિકલ્પથી પાર આત્માનો નિર્વિકલ્પ સ્વભાવ શું છે? તે સમજ્યા વગર ગમે તેટલા તપ કે ત્યાગ
કરે, પણ તેમાં કિંચિત્ ધર્મ નથી; અભવ્ય જીવો પણ એવા શુભભાવરૂપ વ્રત–તપ કરે છે, અને દરેક જીવ
આત્માના ભાન વગર એવા શુભભાવરૂપ વ્રત–તપ અનંતવાર પૂર્વે કરી ચૂક્યો છે, તે ધર્મનું કારણ નથી. આ
ધર્મની અપૂર્વ વાત છે. અનાદિની પોતાની ઊંધી કલ્પના છોડીને સત્સમાગમે સાંભળીને નવતત્ત્વનો નિર્ણય
કરવો તે સમ્યગ્દર્શન માટેનું આંગણું છે. ભાઈ! ચૈતન્યસ્વભાવનો અનુભવ કરવા જતાં આવું આંગણું આવે છે,
છતાં આંગણું તે અનુભવ નથી, અભેદ સ્વભાવનું અવલંબન લઈને ભગવાન આત્માનો એકલાનો અનુભવ
કરતાં આંગણું પણ છૂટી જાય છે ને નિર્વિકલ્પ સમ્યગ્દર્શન થાય છે. શ્રેણીક રાજાને વ્રત–તપ ન હતા છતાં આવું
સમ્યગ્દર્શન હતું. સીતાજીને પેટમાં બે બાળકો હતા છતાં તે વખતે આવું આત્મભાન તેમને વર્તતું હતું. રાગ હોય
છતાં અંતરમાં ભાન વર્તે છે કે મારું સ્વરૂપ આ રાગથી જુદુ છે. હું તો ચિદાનંદમૂર્તિ છું એવી દ્રષ્ટિ ધર્મીને વર્તતી
હોય છે. અહીં તો કહે છે કે એકલા નવતત્ત્વના ભેદના વિચારમાં જ રોકાય, ને અંતરના અભેદ સ્વભાવની
સન્મુખ થઈને તેનો નિર્વિકલ્પ અનુભવ ન કરે ત્યાંસુધી સમ્યગ્દર્શન થાય નહિ. નવતત્ત્વને જેમ છે તેમ જાણીને
અંતરમાં અભેદ આત્મસ્વભાવનું એકનું જ અવલંબન લઈને તેનો નિર્વિકલ્પ અનુભવ કરતાં અપૂર્વ સમ્યગ્દર્શન
થાય છે, તે ધર્મની શરૂઆત છે.