Atmadharma magazine - Ank 128
(Year 11 - Vir Nirvana Samvat 2480, A.D. 1954).

< Previous Page   Next Page >


PDF/HTML Page 8 of 21

background image
: જેઠ : ૨૦૧૦ : આત્મધર્મ–૧૨૮ : ૧૫૧ :
ભાઈ! તેં બહુ સારો પ્રશ્ન પૂછયો. ભાઈ, તળાવમાં પણ આરો હોય છે તેમ આ ભવભ્રમણનો પણ આરો છે; પણ
અંતરમાં દેહથી ભિન્ન આત્માનું ચિદાનંદ સ્વરૂપ શું છે તેની ઓળખાણ કરે તો ભવના અંતનો પોતાને ભણકાર
આવી જાય!
એકવાર ૧૬–૧૭ વર્ષની ઉંમરે કવિતા બનાવી તેમાં એવો ભણકાર આવ્યો કે–
“શિવરમણી રમનાર તું...તૂં હી દેવનો દેવ....”
અંદરથી એવી સ્ફુરણા આવી કે : અરે આત્મા! તું કોણ છે? “શિવરમણી રમનાર તું” એટલે પુણ્ય–
પાપના વિકારરહિત જે નિર્મળપરિણતિ રૂપી શિવરમણી, તેની સાથે તું રમનાર છો; અંતરના નિર્વિકારી
આનંદનો ભોગવટો કરવાનો તારો સ્વભાવ છે. અને ‘તૂં હી દેવનો દેવ’ હે આત્મા! સર્વજ્ઞ થયા તે ક્યાંથી
થયા? આત્માના સ્વભાવમાંથી જ થયા છે; તારા આત્મામાં સર્વજ્ઞ થવાની તાકાત ભરી છે, એટલે ‘તૂં હી દેવનો
દેવ.’ આત્મામાં પૂર્ણ સર્વજ્ઞ થવાનો સ્વભાવ ભર્યો છે. જુઓ, આ આત્માના ભણકાર! અંદર એકવાર તો
વિચાર તો કરો કે અંદર હું કોણ છું? અત્યારે મહાવિદેહમાં સર્વજ્ઞ પરમાત્મા સીમંધર ભગવાન બિરાજે છે,
તેમના ઉપદેશમાં આત્માનું સ્વરૂપ સાંભળીને નાના–નાના આઠ વર્ષના રાજકુમારો પણ અંતરમાં તેનો વિચાર
કરીને અપૂર્વ આત્મજ્ઞાન પામી જાય છે. અંતરના શુદ્ધ ચિદાનંદ તત્ત્વનો વિચાર કરીને તેનો અનુભવ કરવો તે
આ જન્મ–મરણના ફેરાથી છૂટવાનો ઉપાય છે.
ધર્માત્માઓને જન્મ–મરણમાં રખડી રહેલા પ્રાણીઓ ઉપર દયા આવે છે. સ્વર્ગના દેવને પુણ્યનો ઠાઠ
હોય, તેને જોઈને પણ જ્ઞાનીને તો તેની દયા આવે છે કે અરેરે! આ પ્રાણી આત્માના ભાન વગર જીવન
પૂરું કરીને ચોરાશીના અવતારમાં નરકની ગોદમાં રખડશે. લોકો કહે છે કે દયા પાળો! પણ ભાઈ રે!
આત્માના ભાન વગર તારો આત્મા આ ભવભ્રમણમાં ભાવમરણે મરી રહ્યો છે ને અનંતું દુઃખ ભોગવી
રહ્યો છે તેની તો દયા પાળ! અરેરે! હવે મારો આત્મા આ અવતારથી કેમ છૂટે? આ ભયંકર ભાવમરણના
ત્રાસથી મારો આત્મા કેમ છૂટે? એનો અંતરમાં વિચાર તો કર! પાપના ફળમાં દુઃખી થઈ રહેલા ઢોર
વગેરેને દેખીને તો જગતના ઘણા જીવોને દયા આવે છે. પરંતુ જ્ઞાનીને તો, પુણ્યના ફળ ભોગવી રહેલા
દેવો ઉપર પણ દયા આવે છે; કેમકે આત્માના ભાન વગર પુણ્યના ફળમાં લીન થઈ ગયા છે તેથી પાપ
બાંધીને ઢોરમાં રખડશે. આત્માના ભાન વગર દેવો પણ દુઃખી છે. માટે હે ભાઈ! આ ભવભ્રમણથી તને
થાક લાગ્યો હોય તો હવે અંતરમાં વિચાર કર કે મારું સ્વરૂપ શું છે? આ દેહથી ભિન્ન મારો આત્મા શું
ચીજ છે? આવો વિચાર કરીને સત્સમાગમે તેની ઓળખાણ કરવી તે ભવભ્રમણથી છૂટવાનો ઉપાય છે.
સંયોગો હું નહિ ને પુણ્ય–પાપ પણ હું નહિ, હું તો ચિદાનંદસ્વરૂપ આત્મા છું; શુદ્ધચિદ્રૂપ સિવાય બીજું કાંઈ
મારું નથી; શરીર મારું નથી, વાણી મારી નથી, ને અંદર પુણ્ય–પાપની લાગણી ઊઠે તે પણ મારું તત્ત્વ
નથી, મારું તત્ત્વ તો અંદરમાં કાયમી ચિદાનંદ સ્વરૂપ છે. આવો વિચાર પણ જીવે કદી કર્યો નથી.
આચાર્યદેવ કહે છે કે અરે! આવો મનુષ્ય–અવતાર પામીને જેઓ આત્માનું ભાન કરતા નથી, સત્સમાગમે
તેનો વિચાર પણ કરતા નથી તે તો
‘मनुष्यरूपेण मृगाश्चरंति’ ભલે બહારની ગમે તેટલી કેળવણી ભણ્યો
પણ અંદરમાં હું આત્મા કોણ છું, તેનું ભણતર ન ભણ્યો તો તેનું બધું ભણતર થોથેથોથાં છે, તેમાં ક્યાંય
આત્માનું હિત નથી. માટે હે ભાઈ! આ મનુષ્ય અવતાર પામીને આત્માના સ્વરૂપનો વિચાર કર. તારો
આત્મા આનંદકંદ છે તેના લક્ષ વગર કુસંગમાં અનંતકાળ ગાળ્‌યો, પણ હવે સત્સમાગમે આત્માનો વિચાર
તો કર. આ શરીર તો ચાલ્યું જશે. બાળક–યુવાન કે વૃદ્ધ તે તો દેહની દશા છે, તે તારું સ્વરૂપ નથી, તું તો
દેહથી ભિન્ન જ્ઞાન–આનંદસ્વરૂપ છો. જેમ ચણાના એકેક દાણામાં મીઠાશની તાકાત પડી છે તેમાંથી જ તે
મીઠાશ પ્રગટે છે, તેમ તારા આત્મામાં આનંદની તાકાત પડી છે, અંતર્મુખ અવલોકન કરતાં તેમાંથી જ
આનંદ વ્યક્ત થાય છે; અનાદિથી આવા સ્વરૂપની એક ક્ષણ પણ ઓળખાણ કરી નથી. સત્સમાગમે
આત્માના સ્વરૂપનું શ્રવણ કરીને તેનો વિચાર અને નિર્ણય કરવો તે આ ભવભ્રમણથી છૂટવાનો ઉપાય છે.
– કેરાળા ગામમાં પરમપૂજ્ય ગુરુદેવનું સુંદર પ્રેરક પ્રવચન :
વીર સં. ૨૪૮૦, વૈશાખ સુદ પાંચમ.