Atmadharma magazine - Ank 129
(Year 11 - Vir Nirvana Samvat 2480, A.D. 1954).

< Previous Page   Next Page >


PDF/HTML Page 12 of 21

background image
: અષાઢ : ૨૦૧૦ : આત્મધર્મ–૧૨૯ : ૧૭૫ :
આત્માનું સ્વભાવસામર્થ્ય
ભગવાન! તારા આત્મામાં ચૈતન્યની પ્રભુતા ભરી છે; જો અંતરમાં
ચૈતન્યની પ્રભુતા નહિ હોય તો ક્યાંથી આવશે? આત્માના સ્વભાવમાં
પ્રભુતાનું સામર્થ્ય છે તેને ઓળખીને તેની પ્રતીત કરવી તે અપૂર્વ પ્રયત્ન છે, એ
સિવાય લૌકિક વિદ્યાનું જાણપણું હોય તે કાંઈ અપૂર્વ નથી.
આ સમયસારની તેરમી ગાથા વંચાય છે, તેમાં સમ્યગ્દર્શન કેમ થાય તે વાત કહે છે. સમ્યગ્દર્શન થવાની
રીત શું છે તે વાત જીવ પૂર્વે અનંતકાળમાં સમજ્યો નથી, અને તેના વિના કિંચિત કલ્યાણ થાય નહિ, તેથી અહીં
આચાર્યદેવ સમ્યગ્દર્શનની રીત સમજાવે છે.
આ આત્મા દેહથી ભિન્ન, જ્ઞાનસ્વરૂપ છે. શરીર મોટું હોય છતાં જ્ઞાન થોડું હોય, ને કોઈને શરીર નાનું
હોય છતાં બુદ્ધિ ઘણી હોય એમ જોવામાં આવે છે; માટે જ્ઞાનસ્વરૂપ આત્મા શરીરથી જુદો છે. નવતત્ત્વો છે તેમાં
જ્ઞાનસ્વરૂપઆત્મા તે જીવતત્ત્વ છે, અને શરીર તે અજીવ તત્ત્વ છે. શરીર અને જીવ એક હોય તો શરીર પ્રમાણે
જ જ્ઞાન હોવું જોઈએ, પણ તેમ બનતું નથી. શરીર નાનું હોય છતાં જ્ઞાનની ઘણી ઊગ્રતા હોય, અને શરીર ઘણું
મોટું હોય છતાં જ્ઞાન ઓછું હોય આવું બને છે, કેમકે જ્ઞાન ચીજ શરીરથી જુદી છે.
એકેક આત્મા જ્ઞાનસ્વરૂપ છે, દરેક આત્મામાં પરિપૂર્ણ જ્ઞાનસામર્થ્ય ભર્યું છે. જેમ લીંડીપીપરના એકેક
દાણામાં ચોસઠપોરી તીખાશ થવાની તાકાત છે; ઘસતાં જે તીખાશ પ્રગટે છે તે ક્યાંથી આવી? બહારથી નથી
આવી, પણ તેના સ્વભાવમાં જે તીખાશ ભરી છે તે જ પ્રગટ થાય છે. ઊંદરની લીંડીને ઘસો તો તેમાં તીખાશ
નહિ આવે, કેમકે તેનામાં તેવો સ્વભાવ નથી. તેમ શરીર જડ છે, તે શરીરની ક્રિયામાં જ્ઞાન નથી. આત્મા
જ્ઞાનાનંદસ્વરૂપ છે, તેના સ્વભાવમાં જ કેવળજ્ઞાન થવાની તાકાત છે. અંતરના જ્ઞાનસ્વરૂપની પ્રતીત કરીને તેમાં
એકાગ્ર થતાં કેવળજ્ઞાન પ્રગટી જાય છે. તે કેવળજ્ઞાન બહારથી કે પુણ્ય પાપમાંથી આવ્યું નથી પણ આત્મામાં
સ્વભાવસામર્થ્ય હતું તેમાંથી જ તે પ્રગટ થયું છે. આવા સ્વભાવસામર્થ્યને ઓળખીને તેની પ્રતીત કરવી તે પ્રથમ
ધર્મ છે, ને તે જ સમ્યગ્દર્શનની રીત છે.
આત્માના જ્ઞાનાનંદસ્વરૂપને જાણીને તેની પ્રતીત કરવી તે અપૂર્વ પ્રયત્ન છે. એ સિવાય લૌકિક વિદ્યાનું
જાણપણું હોય તે કાંઈ અપૂર્વ નથી. વકીલાત કે દાક્તરપણું વગેરેમાં જે ઉઘાડ છે તે તો પૂર્વનો ઉઘાડ લઈને
આવ્યો છે, અને પૈસા વગેરે મળવા તે પણ પૂર્વના પુણ્યનું ફળ છે, વર્તમાન ડહાપણને લીધે પૈસા મળે છે એમ
નથી. બહારના જડના કામ મારી બુદ્ધિને લઈને થાય એમ અજ્ઞાની માને છે, તે તેનો ભ્રમ છે. આત્મા
જ્ઞાનાનંદસ્વરૂપ છે, તે જડથી ભિન્ન છે, જડનાં કામ આત્મા કરે એમ કદી બનતું નથી. જીવ પોતાના ભાવમાં
શુભ–અશુભ પરિણામ કરે, પણ તેના પરિણામને લીધે પરનાં કામ થઈ જાય એમ બનતું નથી. જડની અવસ્થા
જડના કારણે થાય છે. મારે લીધે જડની અવસ્થા થાય છે એમ માનવું તે જડ સાથે એકપણાની મિથ્યાબુદ્ધિ છે;
તેમજ જડ પદાર્થોને લીધે મને તેનું જ્ઞાન થાય છે એમ માનવું તે પણ જડચેતનની એકત્વબુદ્ધિ છે. હું તો જ્ઞાન છું,
મારો સ્વભાવ જ જાણવાનો છે, સ્વ–પરને જાણવાની મારા સ્વભાવની તાકાત છે આવા પોતાના સ્વભાવની
પ્રતીત કરીને તેમાં એકાગ્ર થતાં પરિપૂર્ણ જ્ઞાન પ્રગટી જાય છે ને રાગાદિનો અભાવ થઈ જાય છે, પછી તેને
સંસારપરિભ્રમણ રહેતું નથી.
પહેલાંં જગતમાં જીવ–અજીવ તત્ત્વો સ્વતંત્ર છે એ વાત સમજવી જોઈએ. શરીરાદિક પણ જગતના
સ્વતંત્ર અજીવ તત્ત્વો છે, તે અજીવનાં કામ તેના પોતાથી સ્વતંત્રપણે