Atmadharma magazine - Ank 129
(Year 11 - Vir Nirvana Samvat 2480, A.D. 1954).

< Previous Page   Next Page >


PDF/HTML Page 13 of 21

background image
: ૧૭૬ : આત્મધર્મ–૧૨૯ : અષાઢ : ૨૦૧૦ :
જ થાય છે, આત્મા તેમની અવસ્થાને કરતો નથી. જગતનો દરેક આત્મા અને દરેક પરમાણુ સ્વતંત્ર તત્ત્વ છે, તે
દરેક તત્ત્વ પોતે જ ક્ષણે ક્ષણે રૂપાંતર થઈને પોતાના કાર્યને કરે છે. જગતમાં જે તત્ત્વ હોય તે પોતે કાયમ ટકીને
સમયે સમયે પોતાની હાલતનું રૂપાંતર કરે છે, કોઈ બીજો તેને ટકાવનાર કે બદલાવનાર નથી. ધર્મી આમ જાણે
છે કે હું તો જ્ઞાનસ્વરૂપ જીવ છું, સ્વ–પરને જાણવાનું મારું કાર્ય છે, એ સિવાય પરજીવોનું કાર્ય મારું નથી, અને
શરીર વગેરે જડ તત્વોનું કાર્ય પણ મારું નથી. શરીરની હાલત થાય તેનો હું જાણનાર છું, પણ તે અવસ્થાને થતી
રોકવાની કે તેને બદલાવવાની મારી તાકાત નથી. હજી તો જીવ–અજીવ વગેરે તત્ત્વોનું ભિન્ન–ભિન્ન સ્વરૂપ શું
છે તેને ઓળખવાની આ વાત છે. જીવ–અજીવ વગેરે તત્ત્વોને જેમ છે તેમ જાણીને, તે નવ–તત્ત્વોના ભેદનો
વિકલ્પ પણ છોડીને, જ્ઞાનાનંદ સ્વરૂપ આત્માની સન્મુખ થઈને તેની પ્રતીત કરવી તે સમ્યગ્દર્શન છે.
ભગવાન! તારા આત્મામાં ચૈતન્યની પ્રભુતા ભરી છે, તારા ચૈતન્યની પ્રભુતા તારામાં જ ભરી છે, તે જ
બહાર આવે છે. જો અંતરમાં પ્રભુતા નહિ હોય તો ક્યાંથી આવશે? બહારમાંથી તારી પ્રભુતા નહિ આવે.
પ્રભો! તારા સ્વભાવમાં પ્રભુતાની તાકાત પડી છે તેની પ્રતીત કર. અંતરમાં પૂર્ણજ્ઞાન સ્વભાવ પડ્યો છે તેની
જેને પ્રતીત અને ઓળખાણ નથી તે જીવ એમ માને છે કે પરજ્ઞેયોને લીધે મને જ્ઞાન થાય છે; પણ જ્ઞાન તો
અંતરની શક્તિમાંથી ખીલે છે એમ તે માનતો નથી. બહારની ચીજોમાંથી મારું કાંઈક હિત આવશે, બહારના
પદાર્થોમાંથી મારું જ્ઞાન આવશે એવા ભ્રમને લીધે અનાદિથી જીવ સંસારમાં રખડે છે. અંતરમાં પોતાનો
જ્ઞાનાનંદસ્વભાવ છે, તેની સન્મુખ થઈને તેને જાણતાં અંશે નિર્વિકારી શાંતિનો અનુભવ થાય છે; ત્યારે ધર્મની
શરૂઆત થાય છે. ને પછી તે જ્ઞાનાનંદસ્વરૂપમાં એકાગ્ર થતાં પૂર્ણજ્ઞાન અને આનંદ ખીલી જાય તેનું નામ
પરમાત્મદશા છે. એ પરમાત્મદશા થઈ જાય પછી આહારાદિ હોતા નથી, શરીર પણ અશુચિરહિત મહાસુંદર
પરમઔદારિક થઈ જાય છે. આવી પરમાત્મદશા પ્રગટ્યાં પહેલાંં, ધર્મની શરૂઆતમાં જ જીવાદિ તત્ત્વોની કેવી
ઓળખાણ હોય તેની આ વાત છે.
નવતત્ત્વોમાં જીવતત્ત્વ તો જ્ઞાનસ્વરૂપ છે, અને શરીરાદિ જડ તે અજીવતત્ત્વ છે. ત્રીજું પુણ્યતત્ત્વ છે.
ભગવાનની પૂજા–ભક્તિ–દાન–દયા વગેરેના શુભપરિણામ થાય તે પુણ્ય છે. ધર્મ ચીજ જુદી છે, પણ અજ્ઞાનીને
દયાદિના શુભભાવ થાય તેને કોઈ પાપ મનાવતું હોય તો તે વાત જૂઠી છે. દયા–દાનાદિના ભાવ તે પાપ નથી
પણ પુણ્ય છે. શાસ્ત્રોમાં તીવ્ર પાપભાવોથી જીવોને છોડાવવા માટે દાન–દયા વગેરેનો ઉપદેશ પણ આપે છે.
પદ્મનંદીપંચવિંશતિમાં દાનઅધિકારમાં મુનિરાજ દાનનો ઉપદેશ આપતાં કહે છે કે અરે ભાઈ! પૂર્વના પુણ્યને
લીધે તને આ લક્ષ્મી વગેરેનો સંયોગ મળ્‌યા છે, તો અત્યારે દેવ–ગુરુ–ધર્મની ભક્તિ–પ્રભાવના વગેરે
શુભકાર્યોમાં તેનો ઉપયોગ કર. સંસારના કામોમાં લક્ષ્મી વાપરે તે તો પાપનું કારણ છે. ભાઈ, દાઝેલી ખીચડીના
ઉકડીયા કાગડાને મળે, ત્યાં તે કાગડો પણ કો.. કો કરીને બીજા કાગડાને ભેગા કરીને ખાય છે; તો પૂર્વે તારા
ગુણ દાઝીને વિકાર થયો ત્યારે પુણ્યનો રાગ થયો ને પુણ્ય બંધાયા, તે પુણ્યના ફળમાં તને આ લક્ષ્મી મળી, તે
લક્ષ્મી તું દાનાદિકમાં ન વાપર ને એકલો ખા, તો પેલા કાગડા કરતાંય તું ગયો!! માટે ભાઈ! દયા–દાન,
દેવગુરુ–ધર્મની પ્રભાવના વગેરેમાં તારી લક્ષ્મીનો ભાગ કાઢ. આવો શુભરાગનો ઉપદેશ શાસ્ત્રમાં આવે. ત્યાં
કોઈ એમ કહે કે ભૂખ્યા પ્રાણીને ભોજન દેવાનો ભાવ તે પાપ છે તો તેને પુણ્યતત્ત્વની ખબર નથી. અહીં
પુણ્યતત્ત્વને ઓળખાવવું છે, પુણ્યથી ધર્મ થાય છે એમ અહીં નથી બતાવવું. પુણ્ય તે ધર્મ નથી, તેમજ પુણ્ય તે
પાપ પણ નથી. દયાદિના શુભભાવ તે પુણ્યતત્ત્વ છે, ને હિંસાદિના અશુભભાવ તે પાપતત્ત્વ છે.
સંસારના ભોગ ખાતર લક્ષ્મી વાપરે તેમાં તો તીવ્રરાગનો પાપભાવ છે, અને ધર્મપ્રભાવના વગેરેમાં
લક્ષ્મી વાપરવાનો ભાવ તેમાં મંદરાગ છે તે પુણ્ય છે. અજ્ઞાનીને પુણ્યભાવ થાય, તેમજ ધર્મીને પણ પુણ્યભાવ
થાય. જો પુણ્ય–પાપના ભાવ છૂટીને સ્વરૂપમાં નિર્વિકલ્પપણે એકાગ્ર રહે તો તો અલ્પકાળમાં કેવળજ્ઞાન થઈ
જાય. પણ નીચલી દશામાં તેવી વિશેષ એકાગ્રતા રહી શકે નહિ એટલે ત્યાં ભક્તિ, દાન વગેરેના શુભપરિણામ
પણ થાય છે, તે પુણ્ય છે.
ભગવાન! અનાદિ કાળમાં કદી નહિ પ્રગટેલ એવી અપૂર્વ શાંતિનું વેદન કેમ પ્રગટે... સમ્યગ્દર્શન કેમ
થાય
(અનુસંધાન પાના નં. ૧૭૭ ઉપર)