Atmadharma magazine - Ank 129
(Year 11 - Vir Nirvana Samvat 2480, A.D. 1954).

< Previous Page   Next Page >


PDF/HTML Page 16 of 21

background image
: અષાઢ : ૨૦૧૦ : આત્મધર્મ–૧૨૯ : ૧૭૯ :
આત્માના સ્વભાવને ભિન્નપણું છે. એ વાત સમજાવતાં ૭૨ મી ગાથામાં આચાર્યદેવ કહે છે કે––
અશુચિપણું, વિપરીતતા એ આસ્રવોનાં જાણીને, વળી જાણીને દુઃખ કારણો, એથી નિવર્તન જીવ કરે.
આ ગાથાની ટીકામાં આચાર્યદેવે ત્રણવાર આત્માને ભગવાન કહ્યો છે. ભગવાન આત્મા પવિત્ર છે.
ભગવાન આત્મા ચેતક છે, ભગવાન આત્મા દુઃખનું અકારણ છે. આવો ભગવાન આત્મા છે તેની ઓળખાણ
જીવે કદી કરી નથી. અરે, પહેલાંં આ વાત સાંભળીને તેનો પક્ષ તો કરો, સત્યનો પક્ષ પણ જે ન કરે તે તેનું લક્ષ
કરીને અનુભવ ક્યારે કરશે? આ કોની વાત છે? જે ભગવાન થઈ ગયા તેમની આ વાત નથી, પણ એકેક
આત્મામાં ભગવાન થવાની તાકાત છે, તેની આ વાત છે. પહેલી જ ગાથામાં આચાર્યદેવ કહે છે કે હું સિદ્ધ છું ને
તું સિદ્ધ છો, એમ આત્મામાં સિદ્ધપણું સ્થાપીને હું આ વાત કહું છું; તો હે શ્રોતાજનો! તમે પણ તમારા આત્મામાં
સિદ્ધપણું સ્થાપીને, એટલે કે આત્માનો સ્વભાવ પણ સિદ્ધ સમાન છે એવું અંર્તલક્ષ કરીને આ વાતની હા
પાડજો. જુઓ, આ નવતત્ત્વમાં જીવતત્ત્વની ઓળખાણ! આ વાત સાંભળવામાં સરળતા હોવી જોઈએ,
મધ્યસ્થતા હોવી જોઈએ, સત્ય શું છે તે સમજીને મારે મારા આત્માનું હિત કરવું છે એમ સરળતા જોઈએ; અને
જીતેન્દ્રિયપણું હોવું જોઈએ, એટલે આત્માના સ્વભાવ સિવાય ઈન્દ્રિયવિષયોમાંથી સુખબુદ્ધિ છૂટી જવી જોઈએ,
મારા અતીન્દ્રિય આત્મા સિવાય બહારના કોઈ ઈન્દ્રિયવિષયોમાં મારું સુખ નથી એવું લક્ષ થતાં વિષયોની તીવ્ર
લોલુપતા રહેતી નથી; અને વિશાળબુદ્ધિ, એટલે કે આત્માનો જેવો સ્વભાવ જ્ઞાની સંભળાવે છે તે સમજવા
જેટલી જ્ઞાનમાં વિશાળતા હોય; આવી પાત્રતા વગર સત્ સમજાય નહિ.
અહીં આચાર્યદેવ કહે છે કે અહો, ભૂતાર્થદ્રષ્ટિથી જોતાં નવે તત્ત્વોમાં એક ભગવાન આત્મા જ પ્રકાશમાન
છે. રાગ વખતે જ્ઞાની પોતાના જ્ઞાનસ્વભાવની જ અધિકતાને દેખે છે, તેને જ્ઞાનસ્વભાવની દ્રષ્ટિ છૂટતી નથી ને
રાગની અધિકતા થતી નથી. એ રીતે સ્વ–પરપ્રકાશક જ્ઞાનમાં નવે તત્ત્વોને જ્ઞાની જાણે છે, પણ તેમાં ક્યાંય
રાગાદિની અધિકતા થતી નથી, પોતાના સ્વભાવની જ અધિકતા વર્તે છે, માટે જ્ઞાનીને નવે તત્ત્વોનું જ્ઞાન કરતાં
એક ભગવાન આત્મા જ પ્રકાશમાન છે. જ્ઞાનનું સ્વ–પરપ્રકાશક સામર્થ્ય ખીલ્યું તેમાં નવે તત્ત્વોને જાણવા છતાં
જ્ઞાનીને ચિદાનંદ સ્વભાવનું એકનું જ અવલંબન મુખ્ય વર્તે છે. આવી સ્વ–પરપ્રકાશક ચૈતન્ય સત્તાની સંભાળ
જીવે પૂર્વે કદી કરી નથી; વ્રત–મહાવ્રત પાળ્‌યાં, સાધુ ને આચાર્યપદનું નામ ધરાવ્યું, પણ અંતરમાં હું જ્ઞાનસ્વભાવ
છું એવી ઓળખાણ ન કરી––તેની રુચિ પણ ન કરી, તેથી સંસારમાં જ રખડયો. અરે ભાઈ! આ તારી વાત છે,
પ્રભુ! સાંભળ તો ખરો, ધીરો થઈને અંતરમાં વિચાર તો કર, કે તારું વાસ્તવિક સ્વરૂપ શું છે? આ વાત
સમજ્યા વિના તારા આરા આવે તેમ નથી. જુઓ, જ્ઞાનીની રમત પણ જુદી હોય છે. રામચંદ્રજીને તે ભવે મોક્ષ
જવું છે, તે નાનકડા બાળક હતા ત્યારે રમતમાં એકવાર એવો વિચાર જાગ્યો કે ઉપર સોળ કળાનો ચંદ્ર પ્રકાશે
છે, તે ઉતારીને ગજવામાં નાખું. દિવાનજી તેના વિચાર સમજી ગયા, એટલે હાથમાં દર્પણ આપીને તેમાં ચંદ્ર
બતાવ્યો. ચંદ્ર જોઈને રામચંદ્રજીએ તે ખિસ્સામાં નાંખ્યો. તેમ ઉપર લોકાગ્રે અશરીરી સિદ્ધ ભગવંતો બિરાજે છે;
ધર્મીને સિદ્ધ થવું છે એટલે કહે છે કે હું મારા આત્મામાં સિદ્ધ ભગવંતોને સ્થાપું છું. સિદ્ધભગવંતો ઉપરથી નીચે
આવે તેમ નથી, પણ સિદ્ધ ભગવાન જેવા પોતાના આત્માને દ્રષ્ટિમાં લઈને પોતે પોતાના આત્માની સિદ્ધ દશાને
સાધે છે, ને અલ્પકાળમાં મુક્તિ પામે છે. આ રીતે આત્માના જ્ઞાનાનંદ સ્વરૂપને લક્ષમાં લઈને તેનું બહુમાન કરવું
અને રાગરહિત અનુભવ કરવો તે મોક્ષનું કારણ છે.
[સુરેન્દ્રનગરમાં વેદી પ્રતિષ્ઠા ઉત્સવ પ્રસંગે વૈશાખ સુદી ત્રીજના મંગલદિને પૂ. ગુરુદેવનું પ્રવચન]
* બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા *
સૌરાષ્ટ્રમાં મંગલ વિહાર દરમિયાન પૂજ્ય
ગુરુદેવ વીંછીયા મુકામે પધાર્યા ત્યારે વૈશાખ વદ
તેરસના રોજ ત્યાંના ભાઈશ્રી જીવરાજ જેચંદ વોરા
તથા તેમના ધર્મપત્ની અંબાબેન––એ બંનેએ સજોડે
આજીવન બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા અંગીકાર કરી છે; તે માટે
તેમને ધન્યવાદ.