જાય એવા ધર્મનું સ્વરૂપ શું છે તે કદી સમજ્યો નથી. ધર્મના ભાન વગર પાપ અને પુણ્ય કરીને જીવ ચારે
ગતિમાં રઝળી રહ્યો છે. મહાપાપ કરીને નરકમાં પણ અનંતવાર ગયો છે ને પુણ્ય કરીને સ્વર્ગમાં પણ
અનંતવાર ગયો છે; આડોડાઈ કરીને ઢોર પણ અનંતવાર થયો ને સરળતા કરીને મનુષ્ય અવતાર પણ
અનંતવાર પામ્યો; પણ મારો આત્મા શું ચીજ છે એનું ભાન કદી એક ક્ષણ પણ કર્યું નથી. મારો ધર્મ મારા
આત્માના અવલંબને છે, બહારના અવલંબને મારો ધર્મ નથી આવું એકવાર પણ ભાન કરે તો ભવનો
નાશ થયા વિના રહે નહિ. કાચો ચણો વાવો તો ઊગે ને ખાવ તો તૂરો લાગે, પણ તે સેકાતાં ઊગતો નથી
ને સ્વાદમાં મીઠો લાગે છે; તે મીઠાશ ક્યાંથી આવી? ચણાના સ્વભામાં જ તે મીઠાશ હતી, તે જ પ્રગટી છે.
તેમ આત્મા અજ્ઞાનભાવરૂપી કચાશને લીધે ચાર ગતિના જન્મ–મરણમાં ઊગે છે ને આકુળતારૂપી તૂરા
સ્વાદને ભોગવે છે; પણ અંતરમાં જ્ઞાનાનંદ સ્વરૂપી પરમ સત્યનો સ્વીકાર કરતાં જન્મ–મરણરૂપી ઝાડ
ઊગતું નથી ને અંતરના અતીન્દ્રિય આનંદનો સ્વાદ પ્રગટે છે. તે આનંદ ક્યાંથી આવ્યો? અંતરના
સ્વભાવમાં પૂર્ણ આનંદની તાકાત ભરી છે તે જ વ્યક્ત થાય છે. બહારના સંયોગમાંથી તે આનંદ નથી
આવ્યો, પણ સ્વભાવમાં જે આનંદ શક્તિરૂપે હતો તેમાં એકાગ્ર થતાં તે વ્યક્ત થયો છે. જેવો સિદ્ધ
ભગવાનનો આનંદ છે તેવો જ આનંદ દરેક આત્મામાં શક્તિરૂપે ભર્યો છે, તેનો અંતરમાં વિશ્વાસ કરીને
તેમાં એકાગ્રતા કરતાં તે આનંદનો અનુભવ થાય છે. આનું નામ ધર્મ છે.
શાંતિના અંશનું વેદન કરે છે. કોઈ સંયોગમાં આત્માની શાંતિ નથી, ને પુણ્યના પરિણામ કરે તેમાં પણ
આત્માની શાંતિ નથી, શાંતિનો સમુદ્ર ભગવાન આત્મા છે, તેમાં ડુબકી મારતાં શાંતિનો અનુભવ પ્રગટે છે.
બહારમાં પૈસા મળવા, આબરૂ મળવી તે તો પૂર્વના પ્રારબ્ધથી મળી જાય છે, પણ ધર્મ તો વર્તમાન અપૂર્વ
પ્રયત્નથી થાય છે, અંતરમાં સ્વભાવના પ્રયત્ન વગર ધર્મ થાય નહિ. સંયોગ આવે કે જાય તેમાં જીવનું
વર્તમાન ડહાપણ કે પ્રયત્ન કામ આવે નહિ, જીવ રાગ–દ્વેષ કરે–ઈચ્છા કરે, પણ પરનું કામ કરી શકે નહિ.
અને સંયોગથી પાર ચિદાનંદ સ્વભાવનું ભાન પોતાના સમ્યક્ પ્રયત્નથી થાય છે. ભાઈ! તારી ઈચ્છાનો
પ્રયત્ન આ શરીર ઉપર પણ ચાલતો નથી, તારી ઈચ્છા પ્રમાણે શરીરની અવસ્થા રહેતી નથી. અને પુણ્યની
કે પાપની લાગણી થાય તે ક્ષણિક છે, તે ક્ષણે ક્ષણે નવી નવી થાય છે ને નાશ પામી જાય છે, આત્માના
સ્વરૂપ સાથે તે કાયમ રહેતી નથી; તેનું જ્ઞાન રહે છે પણ તે લાગણીઓ રહેતી નથી. માટે તે પુણ્ય–પાપની
લાગણી રહિત જ્ઞાન સ્વરૂપ છે તેની ઓળખાણ કરવી જોઈએ. અહો! સમ્યગ્દર્શન તરફની દિશા શું છે તેની
પણ જગતને ખબર નથી અને બહારના ઉપાયો માને છે. ભાઈ! તારા આત્મામાં પૂર્ણ જ્ઞાન અને આનંદની
તાકાત પડી છે, તારી પ્રભુતા તારામાં ભરી છે તેનું લક્ષ કરીને પ્રતીત કરતાં આત્મામાંથી અતીન્દ્રિય
આનંદનો ઓડકાર આવે એનું નામ ધર્મ છે. આવા આત્માની અંર્તદ્રષ્ટિ વગર બહારથી ધર્મ માનીને
શુક્લલેશ્યાના શુભ પરિણામ પણ તે અનંતવાર કર્યા, પણ લેશમાત્ર ધર્મ ન થયો. આત્મજ્ઞાન વગર
દ્રવ્યસંયમ લીધા, શુભરાગથી પંચમહાવ્રત પાળ્યા, પણ આત્માના લક્ષ વગર તારા ભવ અટવીના આરા ન
આવ્યા. ગુરુગમે આત્માના બોધ વગર સ્વચ્છંદે બીજા સાધન અનંતવાર કર્યા, પણ હજી સુધી જરાપણ
કલ્યાણ થયું નહિ. કેમ કલ્યાણ ન થયું? કારણ કે મૂળ સાધન બાકી રહી ગયું. અંતરમાં જે વાસ્તવિક
સાધન છે તેને ઓળખ્યા વગર બહારના સાધન કર્યા પણ તેનાથી ભવભ્રમણનો અંત ન આવ્યો. ગુરુગમે
પાત્ર થઈને પોતાના જ્ઞાન સ્વભાવને ઓળખી તેમાં અંર્તદ્રષ્ટિ કરતાં અપૂર્વ અતીન્દ્રિય આનંદ પ્રગટે છે ને
ભવભ્રમણનો અંત આવે છે.