Atmadharma magazine - Ank 129
(Year 11 - Vir Nirvana Samvat 2480, A.D. 1954).

< Previous Page   Next Page >


PDF/HTML Page 9 of 21

background image
: ૧૭૨ : આત્મધર્મ–૧૨૯ : અષાઢ : ૨૦૧૦ :
તારી પ્રભુતા રાગમાં કે સંયોગમાં નથી. પદ્મનંદી મુનિરાજ વનજંગલમાં વસનારા, હાથમાં જ
આહાર લેનારા નિસ્પૃહ દિગંબર સંત હતા, તેઓ કરુણાથી ઉપદેશ આપતાં કહે છે કે હે જીવો!
સંસારના પ્રસંગમાં દીકરા–દીકરીના લગ્નમાં કરિયાવરમાં, મકાન–વસ્ત્ર વગેરેમાં લક્ષ્મી
વાપરવાનો ભાવ આવે છે તે તો પાપ ભાવ છે, તેના કરતાં ધર્મપ્રસંગમાં ભગવાનની પ્રતિષ્ઠા
વગેરેમાં લક્ષ્મી વાપરવાનો ઉલ્લાસ આવવો જોઈએ. જે એમ કહે છે કે હું ધર્મી છું–મને ધર્મની
રુચિ છે, પણ ધર્મના પ્રસંગમાં ક્યાંય તન–મન–ધન વાપરવાનો ઉલ્લાસ આવતો નથી, તો
આચાર્યદેવ કહે છે કે તેને ધર્મની રુચિ જ નથી, તે તો માયાચારી–દંભી છે. અહીં તો હજી એ
વાત સમજાવવી છે કે ભાઈ! બહારના સંયોગના કારણે તારો ભાવ થતો નથી, તેમજ જે
શુભભાવ થયો તેટલામાં પણ તારું કલ્યાણ નથી. અંદરમાં ચિદાનંદ સ્વભાવ પરિપૂર્ણ છે, જેવા
ભગવાન થયા તેવું જ સામર્થ્ય તારા આત્મામાં ભર્યું છે તેની પ્રીતિ કર––શ્રદ્ધા કર, તો સિદ્ધ
ભગવાન જેવા અતીન્દ્રિય આનંદનો અનુભવ થાય, તેનું નામ ધર્મ છે, ને તે જ કલ્યાણ છે.
અંતરમાં ચિદાનંદ સ્વરૂપની આવી દ્રષ્ટિ પ્રગટ્યા પછી સમ્યગ્દ્રષ્ટિને બહારમાં સ્ત્રીઆદિનો
સંયોગ પણ વર્તતો હોય, અમુક પુણ્ય–પાપના ભાવ પણ થતા હોય છતાં અંતરની દ્રષ્ટિમાં તે
બધાયથી ન્યારો છે. જેમ ધાવમાતા બાળકને ખેલાવે પણ “આ દીકરો મારો છે” એવી બુદ્ધિ
તેને નથી, તેમ બહારના સંયોગમાં ધર્મી ઊભેલા દેખાય પણ ધાવમાતાની જેમ તેને કોઈ
સંયોગમાં આત્મબુદ્ધિ રહી નથી. સંયોગમાં ક્યાંય મારું સુખ છે એમ તે માનતા નથી. હું પોતે
અતીન્દ્રિય સુખનો ભંડાર છું, સંયોગમાં ક્યાંય મારું સુખ નથી; સંયોગના પ્રમાણમાં રાગ થાય
એમ નથી, અને રાગ જેટલો મારો આત્મા નથી, સંયોગથી ને રાગથી પાર મારું ચૈતન્યતત્ત્વ છે,
આવી અંતરદ્રષ્ટિ ધર્મીને એક ક્ષણ પણ ખસતી નથી. અજ્ઞાનીને ક્ષણિક વિકારની કે રાગની જ
મહત્તા ભાસે છે, પણ રાગ વખતે અંતરમાં ચૈતન્યનું અખંડ સામર્થ્ય પડ્યું છે તેની મહત્તા
ભાસતી નથી. ધર્મી જાણે છે કે મારા ચૈતન્યસ્વભાવની મહત્તા છે, હું ધ્રુવ સામર્થ્યનો પિંડ છું,
પુણ્ય–પાપની વૃત્તિઓ ક્ષણિક છે તેની મહત્તા નથી આમ પોતાના ચિદાનંદ સ્વભાવનો મહિમા
એક ક્ષણ પણ જીવે લક્ષમાં લીધો નથી. વિકાર અને સંયોગો હોવા છતાં, તે વખતે અંતરના
સ્વભાવની સન્મુખ થઈને ધ્રુવ જ્ઞાનાનંદ સ્વભાવનો નિશ્ચય કરવો તેનું નામ ધર્મ છે. આવો ધર્મ
કરે તેને તે જ ક્ષણે અંતરમાં આત્માના અતીન્દ્રિય આનંદનો અંશ અનુભવમાં આવે છે.
સમકિતીનો પુરુષાર્થ
જેણે સમ્યગ્દર્શન પ્રગટાવવાનો પૂર્વે કદી નહિ કરેલો
એવો અપૂર્વ સમ્યક્ પુરુષાર્થ કરીને સમ્યગ્દર્શન પ્રગટ કર્યું
છે, અને એ રીતે સંપૂર્ણ સ્વરૂપનો સાધક થયો છે તે જીવ
કોઈ પણ સંયોગમાં, ભયથી, લજ્જાથી, લાલચથી કે કોઈ
પણ કારણથી અસત્ને પોષણ નહિ જ આપે. ગમે તેવી
પ્રતિકૂળતા આવી પડે તોપણ સત્ની શ્રદ્ધાથી તે ચ્યુત નહિ
થાય. ને અસત્નો આદર કદી નહિ કરે. આ રીતે
સ્વરૂપના સાધક સમકિતી નિઃશંક અને નિડર હોય છે.
પોતાના સત્ સ્વભાવની શ્રદ્ધાના જોરમાં તેને કોઈ
પ્રતિકૂળતા જગતમાં છે જ નહિ.