: ૧૯૪: આત્મધર્મ–૧૩૦ : શ્રાવણ: ૨૦૧૦:
ભેદ વિજ્ઞાન
સીમંધર ભગવાનની વેદી પ્રતિષ્ઠાના ઉત્સવ પ્રસંગે
ઉમરાળા નગરીમાં પૂ. ગુરુદેવનું પ્રવચન
વીર સં. ૨૪૮૦, જેઠ સુદ બીજ
અરે ભાઈ! અનંતકાળે આવો મનુષ્ય અવતાર મળ્યો. તેમાં જો આત્માનો
નિર્ણય ન કર્યો તો કીડીના અવતારમાં અને તારા અવતારમાં શું ફેર? કરોડો
રૂપિયા ખર્ચતાં જેની એક આંખ પણ ન મળે એવો આ મનુષ્ય અવતાર મળ્યો છે,
તેમાં આત્માનું અપૂર્વ ભાન કરીને ભવનો અંત આવે એવું કાંઈક કરે તો મનુષ્ય
અવતારની સફળતા છે. અને જો એવું અપૂર્વભાન ન કર્યું તો કીડીને કીડીનું શરીર
મળ્યું ને તને મનુષ્યનું શરીર મળ્યું તેમાં ફેર શું પડ્યો? ભેદવિજ્ઞાન તે મુક્તિનો
ઉપાય છે; માટે આ મનુષ્યપણું પામીને સત્સમાગમે ભેદવિજ્ઞાન પ્રગટ કરવાનો
પ્રયત્ન કરવો જોઈએ.
આત્માનું હિત–કલ્યાણ અનંતકાળથી કેમ થયું નથી, અને હવે આત્માનું હિત–કલ્યાણ કેમ
થાય? તેની રીત સંતો–મુનિઓએ આત્મામાં અનુભવી, તે જગતના જીવોને સમજાવે છે.
ભેદવિજ્ઞાન વગર જીવને અનાદિથી સંસાર–પરિભ્રમણ થાય છે. સમયસારમાં તે સંબંધી શ્લોક
કહ્યો છે કે–
भेदविज्ञानतः सिद्धाः सिद्धा ये किलकेचन।
अस्यैवाभावतो बद्धा बद्धा ये किलकेचन।।
આત્માનો ચિદાનંદ સ્વભાવ રાગથી ભિન્ન શું ચીજ છે તેનું યથાર્થ ભેદજ્ઞાન કરીને
અનંતા જીવો સિદ્ધ થયા છે; જે કોઈ સિદ્ધ થયા છે તેઓ ભેદવિજ્ઞાનથી જ સિદ્ધ થયા છે, અને તે
ભેદજ્ઞાન વગર જ જીવ અનાદિથી સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છે.
અંતરમાં આત્માનો સ્વભાવ પોતે જ્ઞાનાનંદ સ્વભાવથી ભરેલો છે; પણ તેને ભૂલીને,
મારો આનંદ બહારની સગવડતામાં છે કે રાગમાં મારો આનંદ છે એવી મિથ્યા માન્યતા કરીને
જીવ સંસારમાં રખડે છે. આ આત્મા દેહથી તો જુદો (અનુસંધાન પાના નં. ૧૯૫ ઉપર)
(પાના નં. ૧૯૨ થી ચાલુ)
નહિ, ને અંદરની પુણ્ય–પાપની ક્ષણિક લાગણી જેટલું પણ અમારું સ્વરૂપ નહિ, અમે તો પૂર્ણ
જ્ઞાનાનંદસ્વરૂપથી ભરેલા આત્મા છીએ. આવું અપૂર્વ આત્મજ્ઞાન આઠ વર્ષની રાજકુંવરીઓ
પણ કરી શકે છે. આવા અપૂર્વ જ્ઞાન વગર ત્યાગી થાય ને શુભભાવ કરે તોપણ તેમાં આત્માનું
હિત નથી આત્માની વાસ્તવિક ઓળખાણનો ઉપાય કરવો તે મૂળવસ્તુ છે, આ સિવાય પુણ્ય
તો અનંતવાર કરી ચૂક્યો છે તે કાંઈ અપૂર્વ નથી. વિભાવ શું અને સ્વભાવ શું, તેની વહેંચણી
કરીને સ્વભાવમાં એકાગ્ર ન થાય ત્યાંસુધી ધર્મ થાય નહિ.
–ઉમરાળા નગરીમાં વેદી પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે જેઠ સુદ ત્રીજના રોજ પૂ. ગુરુદેવના પ્રવચનમાંથી.