આ પ્રવચનની શરૂઆતનો કેટલોક ભાગ ‘આત્મધર્મ’ ના અંક ૧૨૪ માં આવી ગયો છે.
અવતાર મળ્યો અને સત્સમાગમ મળ્યો, તો હવે તારો આત્મા શું તેની
ઓળખાણ કરીને એવો અપૂર્વ ભાવ પ્રગટ કર કે જેથી અનંતકાળના
ભવભ્રમણનો નાશ થઈ જાય. ભાઈ! આ શરીરનો સંયોગ તો ક્ષણમાં છૂટીને
રાખ થઈ જશે, તે તારી ચીજ નથી, અને તારું રાખ્યું તે રહેવાનું નથી; માટે
દેહથી ભિન્ન તારું ચૈતન્યતત્ત્વ શું ચીજ છે તેને ઓળખ.
જિજ્ઞાસુ જીવ પોતાના આત્માનું ચિંતન કરતાં વિચારે છે કે અહો! આ જગતમાં આનંદસહિત અને ઉત્તમ
પરમાત્મ તત્ત્વથી ઊંચું જગતમાં કોઈ નથી. જગતમાં સર્વોત્કૃષ્ટ ઉત્તમ ચૈતન્યતત્ત્વ છે, તેની પ્રાપ્તિ અર્થે અહીં
તેને નમસ્કાર કર્યા છે. ચૈતન્યતત્ત્વની પ્રાપ્તિ સિવાય પુણ્યપાપના ભાવો જીવે અનંતવાર કર્યા અને બહારના
સંયોગો અનંતવાર મળ્યા, પણ તેમાં ક્યાંય આત્માનો આનંદ નથી. આ શરીરથી પાર ચૈતન્યતત્ત્વ છે તે
અતીન્દ્રિય આનંદનો સાગર છે, તે પોતે આનંદસ્વરૂપ છે; એ સિવાય ક્ષણિક હાલતમાં જે પુણ્ય–પાપનો વિકાર
દેખાય છે તે તેનું વાસ્તવિકસ્વરૂપ નથી. ‘હું તો શુદ્ધ ચિદ્રૂપ છું, આનંદ જ મારું સ્વરૂપ છે’ એમ જ્યાંસુધી જીવ ન
સમજે ત્યાંસુધી તેને ધર્મની શરૂઆત થાય નહિ અને બંધન ટળે નહિ.
શ્રદ્ધા–જ્ઞાન–એકાગ્રતા તે મોક્ષમાર્ગ છે. જેને પુણ્યની કે પુણ્યના ફળની રુચિ છે તેને આત્માના અબંધ સ્વભાવની
રુચિ નથી એટલે કે ધર્મની રુચિ નથી. જુઓ, પૂર્વના પુણ્યને લીધે કોઈક પાસે પૈસાના ઢગલા હોય ત્યાં
અજ્ઞાનીને તેનો મહિમા આવી જાય છે કે ‘ભાઈ! એને તો ભગવાને આપ્યું એટલે તે તો વાપરે જ ને! ’ પણ
અરે ભાઈ! શું ભગવાન કોઈને પૈસા આપે? જો ભગવાન આપતા હોય તો બીજાને આપ્યા ને તને કેમ ન
આપ્યા? એક ને આપે ને બીજાને ન આપે તો તો ભગવાન પણ પક્ષપાતી ઠર્યા? પણ એમ બનતું નથી ભાઈ!
બહારનો સંયોગ તો પૂર્વનાં પુણ્ય–પાપ અનુસાર બને છે. પૈસા વગેરે મળે તે પૂર્વના પુણ્યનું ફળ છે પણ તેમાં
ક્યાંય ચૈતન્યનો આનંદ નથી; માટે તે પુણ્યની અને પુણ્યના ફળની મીઠાશ છોડ. સંયોગનો કે પુણ્યનો મહિમા
નથી પણ ચૈતન્ય સ્વરૂપનો જ મહિમા છે; તારા ચૈતન્ય સ્વરૂપના મહિમાને જાણીને તેની સન્મુખ થા તો
અતીન્દ્રિય આનંદનો અનુભવ થાય. કોઈ સંયોગોમાં કે સંયોગ તરફના ભાવમાં