Atmadharma magazine - Ank 130
(Year 11 - Vir Nirvana Samvat 2480, A.D. 1954).

< Previous Page   Next Page >


PDF/HTML Page 9 of 21

background image
: ૧૯૨: આત્મધર્મ–૧૩૦ : શ્રાવણ: ૨૦૧૦:
ભગવંતો જગતમાં મોટા છે, તેમને તારા આંગણે પધરાવી ને તેમનો આદર કર; તેમને ઓળખીને તેનું
સ્વાગત–બહુમાન કર, ને એ સિવાય બીજાનો આદર છોડ.
આ શરીરાદિક તો ક્ષણભંગુર છે ને ચૈતન્યતત્ત્વ અવિનાશી છે; આ શરીર દુઃખનું નિમિત્ત છે ને
ચૈતન્યતત્ત્વ તો આનંદથી ભરપૂર છે; આ શરીર તો અશુચિરૂપ છે ને ચૈતન્યતત્ત્વ તો જગતમાં ઉત્તમ છે;
શરીર તો અશરણ છે ને ચૈતન્યતત્ત્વ શરણરૂપ છે. આવા ચૈતન્યતત્ત્વને ઓળખીને તેનું સન્માન–રુચિ–
પ્રતીત કરવા જેવા છે. ભાઈ! તું વિચાર કે તારા આત્માનું લક્ષણ શું છે? આ દેહ તે તારી ચીજ નથી,
પણ જ્ઞાન ને આનંદ તે તારું લક્ષણ છે; તારું સ્વરૂપ જ જ્ઞાન ને આનંદ છે; સંયોગો અનાદિથી નવા નવા
બદલતા આવે છે પણ ભગવાન આત્મા તો સદા એકરૂપ ચૈતન્યસ્વરૂપ છે; બધા સંયોગોમાં રહ્યો છતાં તે
બધા સંયોગોથી જુદો છે. ‘જ્ઞાન તે હું’ એમ જ્ઞાનલક્ષણ દ્વારા આત્મા સમસ્ત પર દ્રવ્યોથી જુદો ઓળખાય
છે. અહીં શાસ્ત્રકાર કહે છે કે હું આવા શુદ્ધ ચિદ્રૂપ આત્માનો અર્થી છું તેથી તેની પ્રાપ્તિને માટે હું તેનું
વર્ણન કરું છું. જગતમાં માન–આબરૂ કેમ મળે કે પુણ્ય કેમ બંધાય તેનો હું અર્થી નથી, પણ હું તો
આત્માનો અર્થી છું; આત્માર્થીને પ્રાપ્ત કરવા યોગ્ય કંઈ હોય તો પોતાનો શુદ્ધ આત્મા જ પ્રાપ્ત કરવા
યોગ્ય છે.
જેણે પોતે શુદ્ધઆત્માનું યથાર્થ જ્ઞાન અને અનુભવ કર્યો હોય તે જ તેની યથાર્થ દેશના આપી શકે.
શુદ્ધઆત્માના અર્થીએ શુદ્ધ આત્માનું વાસ્તવિક સ્વરૂપ બતાવનારા દેવ–ગુરુ–શસ્ત્ર કોણ છે તે ઓળખવું
જોઈએ. જેમ અફીણની દુકાનવાળાને ત્યાં અફીણનો માવો મળે પણ ત્યાં દૂધનો માવો ન મળે, દૂધનો
માવો કંદોઈની દુકાને મળે. તેમ ચૈતન્યતત્ત્વનો માવો જ્ઞાની પાસેથી મળે; જેણે ચૈતન્ય તત્ત્વને અનુભવ્યું
હોય તે જ તેની વાત યથાર્થપણે સમજાવી શકે. જેઓ પુણ્યથી ને રાગથી ધર્મ મનાવતા હોય, નિમિત્તના
આશ્રયથી ધર્મ મનાવતા હોય તેઓ તો અફીણની દુકાન જેવા છે, તેમની પાસે શુદ્ધઆત્માનો યથાર્થ
ઉપદેશ મળી શકે નહિ.
અહો, ચૈતન્ય વસ્તુ શું છે તેની ઓળખાણ કરવી તે અપૂર્વ છે. જેણે ચૈતન્યની સમજણ કરીને
મોહનો નાશ કર્યો તેને ફરીને અવતાર થતો નથી. જેમ ડુંગર ઉપર વીજળી પડે ને બે કટકા થાય, પછી તે
રેણથી સંધાય નહિ, તેમ ચૈતન્યના અપૂર્વ ભાન વડે અનંત સંસારનો નાશ થઈ ગયો તેને ફરીને સંસાર
થાય નહિ. જેમ ચણો શેકાઈને તેની કચાશ બળી ગઈ પછી ફરીને તે ઊગતો નથી; તેમ ચૈતન્યતત્ત્વની
શ્રદ્ધા કરીને તેમાં એકાગ્રતા વડે મોહનો નાશ કર્યો તેને ફરીને સંસારમાં અવતાર થતો નથી. પણ પહેલાંં
આ વાત અંતરમાં બેસવી જોઈએ કે જગતમાં સૌથી ઉત્તમ તત્ત્વ મારો આત્મા છે, મારા ચૈતન્યની પ્રતીતિ
કરવા માટે બીજા કોઈનું મને અવલંબન નથી. અનાદિકાળથી કદી નહિ પામેલા એવા ચૈતન્યતત્ત્વની
પ્રાપ્તિ માટે પહેલાંં તેની ઓળખાણ કરો એવો અહીં ઉપદેશ છે. જુઓ, સ્વર્ગની પ્રાપ્તિ માટે કે પૈસાની
પ્રાપ્તિ માટે કે દીકરા વગેરેની પ્રાપ્તિ માટે આ ઉપદેશ નથી પણ અપૂર્વ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર વડે શુદ્ધ
ચૈતન્ય તત્ત્વની પ્રાપ્તિ માટે આ ઉપદેશ છે. ભાઈ! તારા આત્માનો આનંદ તને કેમ પ્રાપ્ત થાય અને તારા
જન્મ–મરણ કેમ ટળે તેની આ વાત છે; બાકી સંસારમાં રખડવું પડે ને જન્મ–મરણ કરવા પડે એવી વાત
અહીં નથી. જેને પુણ્યની ને સંયોગની રુચિ છે તેને આ વાત અંતરમાં નહિ બેસે. અનાદિના જન્મ–
મરણનો નાશ કરીને જે જીવ મોક્ષપદની પ્રાપ્તિ કરવા માંગતો હોય એવા જીવને માટે આ વાત છે. ચૈતન્ય
સ્વભાવની અપૂર્વ દ્રષ્ટિ પ્રગટી હોય, આત્માના અતીન્દ્રિય આનંદનો અનુભવ થયો હોય એવા જ્ઞાનીને
બહારમાં ગમે તેવા સંયોગ વર્તતા હોય પણ તેને અંતરમાં ભાન છે કે આ મારી ચીજ નથી, હું તો ચૈતન્ય
છું, મારા ચૈતન્યસ્વરૂપમાં પરનો પ્રવેશ નથી. જેમ વેશ્યા બહારથી પ્રેમ કરે છે પણ અંતરથી તેને કોઈ
પ્રત્યે સાચો પ્રેમ હોતો નથી, તેમ ધર્મીને બહારમાં સંયોગો વર્તે છે ને અમુક રાગ–દ્વેષ પણ થાય છે, પરંતુ
તેના અંતરમાં ચૈતન્યતત્ત્વ સિવાય કોઈ સંયોગો ઉપર પ્રીતિ હોતી નથી. આત્માનો પ્રેમ ધર્મીના
અંતરમાંથી કદી ખસતો નથી. ચૈતન્ય સ્વરૂપ આત્માને ઓળખીને તેની પ્રીતિ કરે તો પરની પ્રીતિ છૂટી
જાય, અને સ્વસન્મુખ એકાગ્રતા વડે અતીન્દ્રિય આનંદનો અનુભવ પ્રગટે. માટે અંતરમાં ચૈતન્યસ્વરૂપ
આત્માને ઓળખીને તેની પ્રીતિ કરો એવો સંતોનો ઉપદેશ છે.