Atmadharma magazine - Ank 131
(Year 11 - Vir Nirvana Samvat 2480, A.D. 1954).

< Previous Page   Next Page >


PDF/HTML Page 11 of 21

background image
: ૨૧૪ : આત્મધર્મ–૧૩૧ ભાદ્રપદ : ૨૦૧૦ :
આવતી નથી, તેમ આત્માનો જે એકરૂપ સ્વભાવ છે તેમાં સંસ્કાર નિરુપયોગી છે. સ્વભાવ–
નયથી જોતાં, આત્માનો જે સ્વભાવ છે તેમાં કોઈના સંસ્કાર પડતા નથી. સંસ્કાર તો ક્ષણિક
પર્યાયમાં કામ કરી શકે, ધ્રુવસ્વભાવ તો એકરૂપ છે તેમાં સંસ્કાર શું કરે? જેમ કે ભવ્યજીવનો
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર પામવાની લાયકાતરૂપ ભવ્ય સ્વભાવ છે, તે ભવ્યજીવે અનાદિથી
પર્યાયમાં ગમે તેટલો અધર્મ કર્યો, મહાકષાય અને પાપભાવો કર્યાં છતાં તેનો ભવ્ય સ્વભાવ
પલટી જતો નથી એટલે પર્યાયના જે સંસ્કાર છે તે સ્વભાવમાં પડતા નથી, એ રીતે સ્વભાવમાં
સંસ્કારો નિરર્થક છે. પર્યાયમાં મહાકષાય હિંસા વગેરેના સંસ્કાર છે પણ તે સંસ્કાર
ધ્રુવસ્વભાવમાં કાંઈ ફેરફાર કરી શકતા નથી; ધ્રુવસ્વભાવમાં પાપના સંસ્કાર પડીને, ભવ્યનો
સ્વભાવ પલટીને તે અભવ્ય થઈ જાય એમ કદી બનતું નથી. તીવ્ર પાપ કરે માટે ભવ્યમાંથી
અભવ્ય થઈ જાય–એમ પણ બનતું નથી; તેમજ વ્રત–તપ વગેરેના ઘણા શુભભાવ કરવાથી
અભવ્યનો સ્વભાવ પલટીને તે ભવ્ય થઈ જાય એમ પણ બનતું નથી. આ રીતે જેનો જે
સ્વભાવ છે. તે ફરતો નથી, એટલે સ્વભાવમાં સંસ્કાર કામ કરી શકતા નથી. ‘અનાદિથી
નિગોદમાં રખડયો અને પર્યાયમાં ઘણી અશુદ્ધતા કરી, તેના સંસ્કાર આત્મામાં પડી ગયા માટે
હવે કદી અશુદ્ધતા ટાળીને તેની શુદ્ધતા થઈ શકશે જ નહિ’ એમ નથી, કેમકે પર્યાયના સંસ્કાર
દ્રવ્યસ્વભાવમાં પડી ગયા નથી; પર્યાયમાં અનાદિથી અશુદ્ધતા કરી હોવા છતાં દ્રવ્યસ્વભાવ
એવો ને એવો શુદ્ધ છે; તેનું અવલંબન કરતાં જ પર્યાયમાંથી અશુદ્ધતાના સંસ્કાર ટળીને
શુદ્ધતાના સંસ્કાર પ્રગટે છે.
આત્માનો સ્વભાવ એવો છે કે ક્ષણિક પર્યાયના સંસ્કારને તે નિરર્થક કરી નાંખે છે,
પર્યાયના વિકારને સ્વભાવમાં પ્રવેશવા દેતો નથી. અનાદિથી પર્યાયમાં ગમે તેટલા વિકાર
ભાવો કર્યાં પણ તે ભાવો ધ્રુવ ચૈતન્યસ્વભાવને ફેરવી નાંખવા સમર્થ નથી, ધ્રુવસ્વભાવને
અશુદ્ધ કરી નાંખે એવી તેની તાકાત નથી. કોઈ જીવ ઘણાં પાપ કરે માટે તેનો ચૈતન્યસ્વભાવ
મટીને તે જડ થઈ જાય એમ કદી બને નહિ, કેમકે આત્માનો સ્વભાવ સંસ્કારને નિરર્થક કરી
નાંખે છે.
જ્યાં આવા સ્વભાવનું ભાન થયું ત્યાં પર્યાયમાં પણ પૂર્વના અધર્મના સંસ્કાર ટળીને
અપૂર્વ ધર્મના સંસ્કાર પ્રગટ્યા. અહો! મારો આત્મા પર્યાયના વિકારના સંસ્કારને નિરર્થક કરી
નાંખે એવા સ્વભાવવાળો છે, પર્યાયના સંસ્કારો મારા સ્વભાવનાં બગાડી શકતા નથી, મારા
સ્વભાવમાં વિકાર પેઠો જ નથી એમ જ્યાં સ્વભાવની ખબર પડી, ત્યાં પૂર્વે જેટલા અધર્મભાવો
કર્યા હતા તેના સંસ્કાર નિરર્થક થઈ ગયા.
જેમ તીક્ષ્ણ કાંટો સ્વભાવથી અણીવાળો જ છે, કોઈએ તેને સંસ્કાર કરીને અણી કાઢી
નથી, તેમ ભગવાન આત્મા સ્વભાવથી જ અનાદિ અનંત ટંકોત્કીર્ણ જ્ઞાનમૂર્તિ છે, તેમાં કોઈથી
સંસ્કાર પડતા નથી. માટે હે ભાઈ! ક્ષણિક વિકારથી તું મૂંઝા નહિ, પણ આત્માના સ્વભાવને
જો, તારો સ્વભાવ ત્રિકાળ એવો ને એવો સિદ્ધસ્વરૂપી ભગવાન છે. જ્યાં પર્યાયે અંદર
સ્વભાવમાં જોયું ત્યાં પૂર્વના સંસ્કારને નિરર્થક જાણ્યા, ને વિકાર સાથેની એકતાબુદ્ધિ છૂટી ગઈ.
પર્યાયમાં વિકાર થાય તેથી આત્માનો સ્વભાવ કાંઈ હણાઈ જતો નથી, પરંતુ આથી કોઈ
એમ કહે કે ‘પર્યાયનો વિકાર સ્વભાવમાં નુકસાન કરતો નથી માટે ગમે તેવો વિકાર કરવો
તેમાં વાંધો નથી’ તો એમ કહેનારની દ્રષ્ટિ એકદમ ઊંધી છે, તે આ વાતને સમજ્યો જ નથી;