Atmadharma magazine - Ank 131
(Year 11 - Vir Nirvana Samvat 2480, A.D. 1954).

< Previous Page   Next Page >


PDF/HTML Page 13 of 21

background image
: ૨૧૬ : આત્મધર્મ–૧૩૧ ભાદ્રપદ : ૨૦૧૦ :
પર્યાયમાં નવા સંસ્કાર પડે છે. જુઓ, પર્યાયમાં અનાદિનું મિથ્યાત્વ છે માટે તે ફેરવીને હવે
સમ્યગ્જ્ઞાન ન થઈ કે એમ નથી, પણ સવળી રુચિના સંસ્કાર વડે અનાદિનું અજ્ઞાન ટળીને એક
ક્ષણમાં સમ્યગ્જ્ઞાન થઈ શકે છે. અનાદિકાળના ઊંધા ભાવોના સંસ્કાર ટાળીને વર્તમાન
પર્યાયમાં સવળા ભાવ થઈ શકે છે, એ રીતે આત્મા સંસ્કારને સાર્થક કરનાર છે.
આત્મામાં પૂર્ણાનંદ પરમાત્મસ્વભાવ ભર્યો છે, પણ અવસ્થામાં તે સ્વભાવને કદી માન્યો
નથી ને પોતાને તુચ્છ–પામર માન્યો છે, તે ઊંધી માન્યતા છોડીને, પૂર્ણાનંદ સ્વભાવની શ્રદ્ધા–
જ્ઞાન વડે તારી પર્યાયમાં એક ક્ષણમાં પરમાત્મપણાના સંસ્કાર થઈ શકે છે; માટે હે ભાઈ! ‘હું
પામર, હું પાપી’ –એવી તુચ્છ માન્યતાના સંસ્કાર કાઢી નાંખ, અને મારો આત્મા જ પરમાત્મા
છે’ એમ તારા સ્વભાવ સામર્થ્યની શ્રદ્ધા કરીને સ્વભાવના અપૂર્વ સંસ્કાર પ્રગટ કર. જુઓ,
આ આત્માના સંસ્કાર! લોકો કહે છે કે સારા સંસ્કાર પાડવા. તો આત્મામાં સારા સંસ્કાર કેમ
પડે તેની આ વાત છે. ભાઈ! પરના સંસ્કાર તારામાં નથી, ‘હું રાગી, હું જડનો કર્તા’ એવા જે
કુસંસ્કાર છે તે કાઢી નાંખ, અને ‘હું તો રાગરહિત ચિદાનંદ સ્વભાવ છું’ એમ અંતર–સન્મુખ
થઈને તારી પર્યાયમાં સ્વભાવના સંસ્કાર પાડ, તે જ ખરા સુસંસ્કાર છે. જેમ તીરમાં નવી અણી
કઢાય છે તેમ આત્માની પર્યાયમાં નવા સંસ્કાર પડે છે. માટે હે જીવ! તું મૂંઝા નહિ, ઘણા
કાળના ઊંધા સંસ્કાર તે હવે મારાથી કેમ ટળશે? એમ હતાશ ન થા, પણ હું મારા સ્વભાવની
જાગૃતિ વડે અનાદિના ઊંધા સંસ્કારને એક ક્ષણમાં દૂર કરીને અપૂર્વ સંસ્કાર પ્રગટ કરી શકું છું
એવું મારામાં સામર્થ્ય છે, એમ સ્વસામર્થ્યની પ્રતીત કરીને તું પ્રસન્ન થા.
અહીં તીરનું દ્રષ્ટાંત છે તે સિદ્ધાંત સમજાવવા માટે છે. તે તીર તો જડ છે, તેથી દ્રષ્ટાંતમાં
નિમિત્તથી એમ કહ્યું કે લુહાર વડે તેને અણી કઢાય છે, પરંતુ સિદ્ધાંતમાં તો ચૈતન્ય મૂર્તિ આત્મા
પોતે જ પોતાનો લુહાર છે એટલે કે પોતાની પર્યાયનું ઘડતર કરીને પોતે જ તેમાં સંસ્કાર
પાડનાર છે, કોઈ બીજો આત્માની પર્યાયને ઘડનાર નથી, એમ સમજવું. ‘હું પામર છું, મારે
પરચીજ વગર એક ક્ષણ પણ ન ચાલે?’ એવા ઊંધા સંસ્કાર છે, તેને બદલે ‘હું પોતે ચિદાનંદ
ભગવાન છું, મારે ત્રણેકાળ પરચીજ વિના જ ચાલે છે, પણ મારી પરમાત્મ–શક્તિ વગર મારે
એક ક્ષણ પણ ન ચાલે’ એમ સ્વસન્મુખ થઈને આત્મા પોતે પોતાની પર્યાયમાં સવળા સંસ્કાર
પાડી શકે છે. આત્મા સવળો થાય તો અનંતકાળના પાપ એક ક્ષણમાં પલટી જાય છે ને ધર્મના
અપૂર્વ સંસ્કાર પ્રગટે છે, માટે અવસ્થામાં આત્મા સંસ્કારને સાર્થક કરનારો છે.
આત્મા કેવો છે તેનું આ વર્ણન ચાલે છે; આત્મામાં એક સાથે અનંત ધર્મો રહેલા છે.
તેમાં સ્વભાવનયથી જોતાં આત્મા સદા એકરૂપ છે. તેના સ્વભાવમાં કોઈ નવા સંસ્કાર પડતા
નથી; પણ અસ્વભાવનયથી જોતાં આત્માની અવસ્થામાં ક્ષણે ક્ષણે નવા સંસ્કાર થાય છે.
પર્યાયમાં અનાદિના ઊંધા સંસ્કાર છે તેને ફેરવીને સ્વભાવની રુચિ કરતાં સમ્યગ્દર્શન વગેરેના
નવા સંસ્કાર પડે છે, એટલે પર્યાયમાં પુરુષાર્થ સાર્થક થઈ શકે છે. દ્રવ્ય–સ્વભાવમાં તો કાંઈ
ફેરફાર થતો નથી, પણ પર્યાયમાં પુરુષાર્થ વડે ઊંડા સંસ્કાર પલટીને સવળા સંસ્કાર થઈ શકે
છે. ‘ચેતનરૂપ અનૂપ અમૂરત સિદ્ધ સમાન સદા પદ મેરો’ એવા સ્વીકાર વડે પર્યાયમાં શુદ્ધ
સંસ્કાર પડે છે. એક સમયની પર્યાયનું પાપ ત્રિકાળી સ્વભાવમાં તો નથી, તેમજ