Atmadharma magazine - Ank 131
(Year 11 - Vir Nirvana Samvat 2480, A.D. 1954).

< Previous Page   Next Page >


PDF/HTML Page 15 of 21

background image
: ૨૧૮ : આત્મધર્મ–૧૩૧ ભાદ્રપદ : ૨૦૧૦ :
મારીને સવળા અપૂર્વ સંસ્કાર પ્રગટ કરવામાં માત્ર એક સમયનો સ્વાશ્રિત પુરુષાર્થ માંગે છે.
અરે! એક સેકંડનો ય અસંખ્યમો ભાગ! એકવાર એવો સમ્યક્ પુરુષાર્થ કરીને પર્યાયમાં
શુદ્ધસ્વભાવના સંસ્કાર પાડતાં અનાદિના ઊંધા સંસ્કાર ટળે છે ને અલ્પકાળમાં જ મુક્તિ થાય
છે.
જેમ દીકરીને સાસરે વળાવે ત્યારે તેનાં માબાપ તેને કરિયાવર આપે છે, તેમ અહીં
આચાર્ય ભગવાન આત્માને સંસારમાંથી મોક્ષમાં વળાવવા માટે તેને તેનો કરિયાવર બતાવે છે:
જો ભાઈ! તારા આત્મામાં અનંતા ધર્મો એક સાથે છે, તારા આત્માના અનંતા ધર્મની ઋદ્ધિ
તારામાં ભરી છે, તેને જાણીને તું ખુશી થા..... ખુશી થા! શુદ્ધ ચૈતન્યદ્રવ્યમાં ડૂબકી મારીને
પર્યાયમાં પ્રમોદ કર... આનંદિત થા...કે અહો! મારી સંપૂર્ણ ચૈતન્યરિદ્ધિનો દરિયો મારામાં ભર્યો
છે, શાંતરસનો સાગર મારા આત્મામાં ઊછળી રહ્યો છે.
જિજ્ઞાસુ શિષ્યે પૂછયું હતું કે પ્રભો! આ આત્મા કોણ છે? તેને આત્માનું સ્વરૂપ સ્પષ્ટ
પણે સમજાવવા માટે અહીં આચાર્ય ભગવાને ૪૭ નયોથી આત્માનું વર્ણન કર્યું છે. આ ૪૭
નયોમાં સપ્તભંગી (અસ્તિત્વ–નાસ્તિત્વ વગેરે) ના સાત નયો છે, નામ–સ્થાપના–દ્રવ્ય ને
ભાવ એ ચાર બોલના ચાર નયો છે, અને દ્રવ્ય–પર્યાય, નિત્ય–અનિત્ય ઈત્યાદિ અઢાર જોડકાંના
છત્રીસ નયો છે. આ પ્રમાણે ૪૭ નયોથી વર્ણન કરીને છેવટે આચાર્યદેવ કહેશે કે સ્યાદ્વાદ
અનુસાર કોઈપણ નયથી જુઓ, કે પ્રમાણથી જુઓ, તોપણ અંદરમાં અનંતધર્મવાળો પોતાનો
આત્મા શુદ્ધચૈતન્યમાત્ર દેખાય છે. માટે આવા શુદ્ધચૈતન્યમાત્ર આત્મસ્વભાવને અંર્તદ્રષ્ટિથી
દેખવો તે જ બધા નયોનું તાત્પર્ય છે. કેમકે નય જે ધર્મને વિષય કરે છે તે એક ધર્મ કાંઈ જુદો
રહેતો નથી, તે ધર્મ તો ધર્મી એવા અભેદ આત્માના આશ્રયે જ રહેલો છે એટલે અખંડ ધર્મી
એવો જે શુદ્ધ ચૈતન્યમાત્ર આત્મા, તેને દ્રષ્ટિમાં લીધા વિના તેના એકેક ધર્મનું જ્ઞાન પણ સાચું
ન થાય, એટલે કે શુદ્ધ ચૈતન્ય સ્વભાવની દ્રષ્ટિ વગર એકપણ નય સાચો હોય નહિ. માટે
બધાય નયોના વર્ણનમાં શુદ્ધસ્વભાવની દ્રષ્ટિ તો સાથે ને સાથે રાખીને સમજવું.
–૨૯ મા અસ્વભાવનયથી આત્માનું વર્ણન અહીં પૂરું થયું.
કેવળજ્ઞાન થવાની તાકાત
કેવળજ્ઞાન અને મોક્ષદશા તે આત્માની શુધ્ધ સ્વભાવપર્યાય છે, તે પર્યાય
નવી પ્રગટે છે. ક્યાંથી પ્રગટે છે? કે દ્રવ્યમાં તેવી શક્તિ છે તેમાંથી તે પ્રગટે છે.
પર્યાયમાં જે કેવળજ્ઞાન અને મોક્ષદશા પ્રગટે છે તે દ્રવ્યસ્વભાવમાં તાકાત પડી
છે તેમાંથી જ પ્રગટે છે. જો દ્રવ્યના સ્વભાવમાં તાકાત ન હોય તો પર્યાયમાં
આવે નહિ. સિદ્ધ ભગવંતોને અને અરિહંત ભગવંતોને જે કેવળજ્ઞાન પ્રગટ્યું છે
તે દ્રવ્યની તાકાતમાંથી જ પ્રગટ્યું છે. માટે જેણે કેવળજ્ઞાન અને મોક્ષદશા પ્રગટ
કરવી હોય તેણે દ્રવ્યના સ્વભાવની તાકાતનો નિર્ણય કરીને તેનું જ અવલંબન
લેવું જોઈએ. દ્રવ્યસ્વભાવનું અવલંબન કરતાં તેમાં જે તાકાત ભરી છે તે તાકાત
પર્યાયમાં પ્રગટી જાય છે. આ રીતે દ્રવ્યસ્વભાવના અવલંબન સિવાય બીજો કોઈ
મોક્ષનો ઉપાય નથી. કોઈ નિમિત્તોમાં, રાગમાં કે અલ્પજ્ઞતામાં કેવળજ્ઞાનની
તાકાત ભરી નથી, તેથી તે કોઈના અવલંબને કેવળજ્ઞાન થતું નથી.
(–ચર્ચામાંથી)