Atmadharma magazine - Ank 131
(Year 11 - Vir Nirvana Samvat 2480, A.D. 1954).

< Previous Page   Next Page >


PDF/HTML Page 16 of 21

background image
: ભાદ્રપદ : ૨૦૧૦: આત્મધર્મ–૧૩૧ : ૨૧૯ :
ચૈતન્યની
પ્રીતિ અને પ્રાપ્તિ
આત્મા ચૈતન્ય સ્વરૂપ છે, તેની સાચી ઓળખાણ કે પ્રીતિ જીવે કદી કરી નથી. જો ચૈતન્ય સ્વરૂપને સમજે
તો તે સમજાવનાર સાચા દેવ–ગુરુ પ્રત્યે પણ પ્રીતિ અને ઉલ્લાસ આવે. ખરેખર સમજણના લક્ષે સત્ નિમિત્તો
પ્રત્યે પણ સાચી પ્રીતિ જીવે કદી કરી નથી. જે શરીરાદિકને પોતાનાં માને છે, રાગથી ધર્મ માને છે, કુદેવ–કુગુરુનો
આદર કરે છે એવા મોહી જીવને ચિદાનંદસ્વરૂપ આત્માનો પ્રેમ અનાદિથી આવ્યો નથી તેથી તેને તે
ચિદાનંદસ્વભાવ અગમ્ય છે. અજ્ઞાનીને બહારનો અને રાગનો પ્રેમ છે તેથી બહારથી ને રાગથી ધર્મ મનાવનારા
પ્રત્યે પણ તેને પ્રીતિ છે, પણ રાગ રહિત ભગવાન આત્માના ચિદાનંદસ્વભાવનો પ્રેમ તે કદી કરતો નથી, તેમજ
તે સ્વભાવ સમજાવનારા જ્ઞાનીને ઓળખીને તેના પ્રત્યે યથાર્થ પ્રેમ કદી કર્યો નથી, તેથી અજ્ઞાની મોહી જીવને
ચૈતન્યસ્વરૂપ આત્મા અગમ્ય છે; ચૈતન્યસ્વરૂપ આત્માને જાણ્યા વિના તે અનાદિકાળથી સંસારમાં રખડી રહ્યો
છે. જેને શુદ્ધચિદ્રૂપ આત્માનો પ્રેમ અને ઓળખાણ નથી, ને તે સિવાય પુણ્યની કે પુણ્યના ફળની પ્રીતિ છે તથા
તે પુણ્યથી ધર્મ મનાવનારા પ્રત્યે આદર છે–એવા જીવને સંસાર પરિભ્રમણ કદી મટતું નથી. જેને પોતાનો આત્મા
ખરેખર વહાલો લાગ્યો હોય તે જીવ રાગથી હિત માને નહિ–રાગની પ્રીતિ કરે નહિ, તેમજ રાગથી ધર્મ
મનાવનારા કુદેવ–કુગુરુ પ્રત્યે તેને પ્રીતિ આવે નહિ. અહો! આત્મા ચિદાનંદસ્વરૂપ ભગવાન છે એમ બતાવનારા
વીતરાગી દેવ–ગુરુ–શાસ્ત્રનો આદર અને પ્રીતિ કર્યા વિના, તથા તેનાથી વિરુદ્ધ–રાગથી ધર્મ કહેનારા એવા
કુદેવ–કુગુરુ–કુશાસ્ત્રને સાક્ષાત્ આત્મઘાતના નિમિત્ત જાણીને છોડ્યા વિના, જીવનું કદી કલ્યાણ થાય નહિ.
અહીં કહે છે કે નિર્મોહી જીવને શુદ્ધચિદ્રૂપ આત્માની પ્રાપ્તિ સુગમ છે; અહીં પ્રથમ દર્શનમોહના નાશરૂપ
નિર્મોહીપણાની વાત છે. નિર્મોહી દશા પ્રગટ કરનારને નિમિત્ત તરીકે પણ નિર્મોહી દેવ–ગુરુ જ હોય; જેને
ચૈતન્યસ્વરૂપ આત્માનું ભાન નથી અને રાગને જ સ્વભાવ માને છે એવા જીવો તો મોહી છે, નિર્મોહદશા પ્રગટ
કરનારને એવા મોહી જીવોનું સેવન હોય નહિ. સત્સમાગમે સત્–અસત્નો નિર્ણય કરીને, અંતરમાં
શુદ્ધઆત્મસ્વરૂપની પ્રીતિ વડે જેણે મોહનો નાશ કર્યો એવા જીવને ચૈતન્યતત્ત્વની શીઘ્ર પ્રાપ્તિ થાય છે. ચૈતન્યના
ભાન વિના સંસાર પરિભ્રમણમાં જેટલો કાળ વીત્યો તેટલો કાળ સંસારનો નાશ કરીને મોક્ષદશા પ્રગટ કરવામાં
ન લાગે, માટે કહે છે કે અંતરમાં ચૈતન્યની પ્રીતિ કરતાં શીઘ્ર તેની પ્રાપ્તિ થાય છે. ચોથા ગુણસ્થાને ગૃહવાસમાં
રહેલા સમકિતી જીવ પણ નિર્મોહી છે, તેણે અંર્તશ્રદ્ધામાં શુદ્ધચૈતન્યતત્ત્વને પ્રાપ્ત કરી લીધું છે. અને દ્રવ્યલિંગી
દિગંબર જૈન સાધુ થઈને પંચમહાવ્રત પાળે પણ તે મહાવ્રતના શુભવિકલ્પને આશ્રિત મોક્ષમાર્ગ માને તો તે જીવ
મોહી છે, તેણે ચૈતન્યતત્ત્વને પ્રાપ્ત કર્યું નથી પણ તે વિકલ્પમાં જ અટક્યો છે.
દુઃખ ટાળીને સુખ મેળવવા માટે જીવ અનંતકાળથી ઝાંવા નાંખે છે, પણ અંતરના ચૈતન્યતત્ત્વમાં સુખ છે
તેને ચૂકીને બહારમાં તે સુખ શોધે છે, તેથી તેને સુખ મળતું નથી તે સંસારમાં જ રખડે છે. ચૈતન્યનું સુખ
બહારમાં માનવું તે મોહ છે ને તે મોહથી જીવ દુઃખી છે. મારું સુખ મારા અંર્તસ્વભાવમાં જ છે, બહારમાં મારું
સુખ નથી એમ ઓળખીને આત્મસ્વભાવની પ્રીતિ કરે તો એવા નિર્મોહી સમકિતી જીવને પોતાના આનંદ સ્વરૂપ
આત્માની શીઘ્ર પ્રાપ્તિ થાય છે એટલે કે આત્માના અતીન્દ્રિય આનંદનો અનુભવ થાય છે.
અજ્ઞાની જીવ પર વસ્તુને પોતાની માને છે અને અનાદિથી તેને પોતાની કરવા મથે છે, પરંતુ પરનો એક
રજકણ પણ કદી તેનો થયો નથી; પર વસ્તુ આત્માથી જુદી છે તેને પોતાની કરવી અશક્ય છે. અંતરમાં ચૈતન્ય
સ્વરૂપ આત્મા છે તે પોતાની વસ્તુ છે, જો તેની પ્રીતિ કરીને અંતરમાં તેની પ્રાપ્તિનો ઉદ્યમ કરે તો તે શીઘ્ર પ્રાપ્ત
થાય છે–તેનો અનુભવ પ્રગટ થાય છે. શરીર વગેરે પર ચીજો આત્માથી જુદી છે, તે આત્માને આધીન નથી પણ
શુદ્ધચૈતન્યસ્વરૂપ આત્મા તે પોતાની ચીજ છે, અંતર્મુખ થઈને જ્યારે તેનો અનુભવ કરવા માંગે ત્યારે થઈ શકે
છે.
(વીર સં. ૨૪૮૦, મહા સુદ ૯ વડાલ ગામમાં પૂ. ગુરુદેવના પ્રવચનમાંથી)