ચૈતન્યસ્વરૂપના ભાન વિના તેણે સંસાર છોડયો જ નથી; પર ચીજ મારી હતી ને મેં તેને છોડી–
એવી સ્વ–પરની એકત્વબુદ્ધિથી મિથ્યાત્વભાવરૂપ સંસાર તો તેને ભેગો ને ભેગો જ છે. અને
જ્ઞાની–સમકીતી ગૃહવાસમાં હોય–વેપાર ધંધો ને કુટુંબ વચ્ચે રહ્યા હોય તોપણ અંતરના ચિદાનંદ
સ્વભાવની દ્રષ્ટિમાં તેમને આખો સંસાર છૂટી ગયો છે, હજી અસ્થિરતાના રાગ પૂરતો અલ્પ
સંસાર છે, પરંતુ ‘હું તો ચિદાનંદ સ્વરૂપ જ છું, રાગ કે સંયોગ તે હું નથી’–એવી
અંર્તસ્વભાવની દ્રષ્ટિના પરિણમનમાં સંસારનું સ્વામીપણું છૂટી ગયું છે. આવી અંર્તદ્રષ્ટિ પ્રગટ
કર્યા વગર ગમે તેટલો બાહ્ય ત્યાગ ને રાગની મંદતા હોય તોપણ તેને બિલકુલ ધર્મ થતો નથી ને
સંસારનો અંત આવતો નથી. અને આવી અપૂર્વ અંર્તદ્રષ્ટિ પ્રગટ કરતાં અલ્પકાળમાં જ
સંસારનો અંત આવીને મોક્ષદશા પ્રગટે છે.
અંતરમાં તેની રુચિનો પ્રયત્ન કરવો તે તો ક્યાંથી લાવે? અહો? જીવને આવી વાતનું શ્રવણ પણ
ક્યારેક મહાભાગ્યે પ્રાપ્ત થાય છે. પહેલાં તો અંતરના હકારપૂર્વક સત્યનું શ્રવણ કરીને સત્ય–
અસત્યનો નિર્ણય કરે પછી તેનું અંતરપરિણમન થાય. પણ હજી જેનું શ્રવણ જ ઊંધું હોય અને
નિર્ણયમાં ભૂલ હોય તેને સત્યનું પરિણમન તો ક્યાંથી થાય? જીવ અનાદિથી બીજા પ્રયત્નમાં
અટકયો છે પણ પોતાના સ્વભાવની સમજણનો યથાર્થ પ્રયત્ન તેણે કદી કર્યો નથી, તેથી તેની
સમજણની વાત કઠણ લાગે છે ને બહારથી કોઈ ધર્મ મનાવે તો તે વાત ઝટ બેસી જાય છે. પણ
ભાઈ! પુણ્યથી હિત થાય એવી ઊંધી વાત તો તને અનાદિથી બેઠેલી જ છે, અંતરના
ચિદાનંદતત્ત્વની સમજણ વિના તારા ભવભ્રમણનો આરો આવે તેમ નથી. માટે તેની રુચિ કરીને
સત્સમાગમે તે સમજવાનો પ્રયત્ન કર તો અંતરનો ચૈતન્યસ્વભાવ જરૂર સમજાય તેવો છે.
જગતની દરકાર છોડીને એકવાર આત્માની દરકાર કર, તો આત્મસ્વભાવનો અનુભવ થયા
વિના રહે નહિ. આ વિધિ સિવાય બીજી કોઈ વિધિથી ધર્મ થવાનો નથી. જેમ શીરો વગેરે કરવું
હોય તો તેની વિધિ જાણીને તે પ્રમાણે કરે છે, તેમ જેણે આત્માની મુક્તિ કરવી હોય તેણે તેની
વિધિ જાણવી જોઈએ. પહેલાં જ્ઞાનાનંદ સ્વરૂપ આત્માને ઓળખીને તેની સાચી શ્રદ્ધા અને જ્ઞાન
થાય, ત્યાર પછી જ તેમાં લીનતા વડે ચારિત્ર થાય, એ સમ્યક્–શ્રદ્ધા–જ્ઞાન ને ચારિત્ર તે મોક્ષનું
કારણ છે; તેમાં પણ પહેલાં સમ્યક્–શ્રદ્ધા કરવી તે તેનું મૂળ છે સમ્યક્ શ્રદ્ધા વગર કદી ધર્મની
શરૂઆતનો અંશ પણ થાય નહિ.