Atmadharma magazine - Ank 132
(Year 11 - Vir Nirvana Samvat 2480, A.D. 1954).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3 of 21

background image
પ્ર.ભા.વ.ના
પરમ પૂજ્ય ગુરુદેવના પ્રતાપે સત્યની પ્રભાવના દિન–પ્રતિદિન વધતી જાય છે, અને તેઓશ્રી જે અપૂર્વ
તત્ત્વજ્ઞાન સમજાવી રહ્યા છે તેનું શ્રવણ કરવા માટે દૂરદૂરના પણ અનેક જિજ્ઞાસુઓ તલસી રહ્યા છે. આ વર્ષે
દરલક્ષણી પર્વ દરમિયાન, ઈંદોર, ખંડવા અને ઉદેપુર એ ત્રણે સ્થળેથી ખાસ માંગણી આવી હોવાથી સોનગઢના
ભાઈઓને ત્યાં વાંચવા માટે મોકલવામાં આવ્યા હતા. ઈંદોરના કેટલાક જિજ્ઞાસુઓની ઈચ્છાથી શ્રીમાન્ હુકમીચંદજી
સેઠનો તાર આવેલ, તેથી ભાઈશ્રી ખીમચંદ જેઠાલાલ શેઠને ઈંદોર મોકલ્યા હતા. ખંડવાના દિગંબર જૈન સમાજની
માગણીથી ત્યાં ભાઈશ્રી અમૃતલાલ નરસીભાઈ શેઠને મોકલ્યા હતા. અને ઉદેપુરના દિગંબર જૈન સમાજની
માગણીથી ત્યાં બ્ર. ભાઈશ્રી અમૃતલાલભાઈને મોકલ્યા હતા. ત્રણે સ્થળે હજારો લોકોએ બહુ પ્રેમપૂર્વક લાભ લીધો
હતો અને પૂ. ગુરુદેવદ્વારા થતી જૈન શાસનની પ્રભાવના દેખીને પ્રસન્ન થયા હતા. ઈંદોર તેમજ ઉદેપુરમાં
‘માનસ્તંભ–પ્રતિષ્ઠા મહોત્સવ–સોનગઢ’ ની ફીલ્મ પણ બતાવવામાં આવી હતી તેનો પણ હજારો માણસોએ લાભ
લીધો હતો; સત્યના શ્રવણ પ્રત્યેનો ઉલ્લાસ બતાવવા માટે ઉપરના ત્રણે ગામના જિજ્ઞાસુઓ ધન્યવાદને પાત્ર છે.
* * * * *
આત્મધર્મના ગ્રાહકોની ફરજ
આ અંકે આપણા ‘આત્મધર્મ’ માસિકનું અગિયારમું વર્ષ પૂરું થાય છે ને આવતા અંકથી બારમું વર્ષ શરૂ
થશે. તો નવા વર્ષનું લવાજમ તુરત ભરી દેવા સર્વ ગ્રાહકોને વિનંતી છે. ‘આત્મધર્મ’ ના ગ્રાહક બનીને તેમજ તેનો
પ્રચાર કરીને,–એ રીતે પણ પૂ. ગુરુદેવના અધ્યાત્મ–ઉપદેશનું બહુમાન કરવું તે જિજ્ઞાસુઓની ફરજ છે. ગ્રાહકોએ
પોતાનું લવાજમ છેવટ કારતક સુદ પૂનમ સુધીમાં મોકલી દેવું. ત્યારબાદ વી. પી. શરૂ થશે.
તાઃકઃ લવાજમ મનીઆૉડરથી મોકલતી વખતે કૂપનમાં ગ્રાહક–સંખ્યાનો નિર્દેશ કરવા વિનંતી છે.
* * * * *
“આત્મધર્મ” નું ભેટ પુસ્તક
ભાઈશ્રી હિંમતલાલ છોટાલાલ ઝોબાળિયા તરફથી તેમનાં ધર્મપત્ની લાભકુંવરબેનના સ્મરણાર્થે, તેમજ
ભાઈશ્રી ખીમચંદ જેઠાલાલ શેઠ અને તેમના ભાઈઓ તરફથી તેઓનાં માતુશ્રી પુતળીબાઈના સ્મરણાર્થે, ગુજરાતી
‘આત્મધર્મ’ માસિકના ચાલુ વર્ષના ગ્રાહકોને ભેટપુસ્તક તરીકે આપવા માટે “મોક્ષમાર્ગ પ્રકાશકનાં કિરણો”
(ભાગ બીજો) પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. મોક્ષમાર્ગ પ્રકાશક ઉપર પૂ. ગુરુદેવશ્રીનાં બીજી વખતનાં જે પ્રવચનો “
સદ્ગુરુ પ્રવચન પ્રસાદ” પત્રિકામાં પ્રસિદ્ધ થયેલાં છે તેમાંથી સાતમા અધ્યાય ઉપરનાં પ્રવચનો સંક્ષેપીને આ
પુસ્તકમાં છપાવવામાં આવ્યાં છે. (“મોક્ષમાર્ગ પ્રકાશકનાં કિરણો” ના પહેલા પુસ્તકના નિવેદનમાં સાતમા અધ્યાય
ઉપરનાં જે પ્રવચનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તે હજી અપ્રસિદ્ધ છે.) “આત્મધર્મ” ના આ ભેટ પુસ્તકમાં
લગભગ ૪૨પ પાનાં છે, અને મુખપૃષ્ઠ ઉપર સુંદર રંગીન ચિત્ર છે. મુખ્ય મુખ્ય ગામોના ગ્રાહકોને ત્યાંના મુમુક્ષુમંડળ
મારફત આ પુસ્તક પહોંચાડવા પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ પુસ્તકની છૂટક નકલની કિંમત રૂા. ૧–૮–૦ છે. “
આત્મધર્મ” ના ગ્રાહકોને આ પુસ્તક ભેટ આપવા માટે ઉપર્યુક્ત બંને ભાઈઓનો આભાર માનવામાં આવે છે.
* * * * *