Atmadharma magazine - Ank 132
(Year 11 - Vir Nirvana Samvat 2480, A.D. 1954).

< Previous Page   Next Page >


PDF/HTML Page 4 of 21

background image
જગતને અનાદિથી દુર્લક્ષ્ય એવા–
ચૈતન્યતત્ત્વની પ્રાપ્તિના ઉપાયનું વર્ણન
*****************************************
‘અહો! અંતરમાં પરમ ચૈતન્યતત્ત્વ છે તેને જગતના જીવો સમજે ને
આત્માના આનંદની સન્મુખ થાય! –આવો સંતોને વિકલ્પ ઉઠયો, અને વાણી
નીકળી. પણ ચૈતન્યતત્ત્વ તો વચનાતીત છે ને વિકલ્પથી પણ પાર છે, જીવ
પોતે જાગૃત થઈને પુરુષાર્થ વડે ચૈતન્યતત્ત્વની સન્મુખ જાય તો અંદરથી
ચૈતન્યનો ઝણકાર જાગે ને આનંદનું વેદન થાય. જ્ઞાનને અંતર્મુખ કરીને
અંદરથી ચૈતન્યનો ઝણઝણાટ આવ્યો ત્યાં ચૈતન્યતત્ત્વ લક્ષમાં આવે છે ને
તેનો અપૂર્વ આનંદ અનુભવમાં આવે છે. માટે હે જીવ! તું વાણી કે વિકલ્પ
ઉપર તારા લક્ષનું જોર ન આપીશ, પણ શુદ્ધ ચૈતન્યતત્ત્વ ઉપર જ લક્ષનું જોર
આપીને તેને ધ્યેય બનાવજે.
(રાણપુરમાં વૈશાખ સુદ દસમના રોજ પૂ. ગુરુદેવનું પ્રવચન.)
*
આજે ભગવાન મહાવીર પરમાત્માને કેવળજ્ઞાન થવાનો દિવસ છે તેથી માંગળિક છે. આત્માનું પરમાર્થ–
સ્વરૂપ જાણીને તેમાં પરિપૂર્ણ એકાગ્રતા વડે ભગવાનને આજે કેવળજ્ઞાન પ્રગટયું. આત્માનું પરમાર્થસ્વરૂપ શું છે તેનું
વર્ણન આ પદ્મનંદીપચીસીના ‘નિશ્ચયપંચાશત’ અધિકારમાં કર્યું છે. આત્માનું નિશ્ચય એટલે વાસ્તવિક શુદ્ધ
ચૈતન્યસ્વરૂપ શું છે તેનું યથાર્થજ્ઞાન જીવે પૂર્વે કદી કર્યું નથી; તે નિશ્ચયસ્વરૂપના જ્ઞાન વિના અનાદિથી જીવ સંસારમાં
રખડે છે. આત્માના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન કરે તો અનાદિનું અજ્ઞાન મટે ને સંસાર પરિભ્રમણ ટળે. તેથી અહીં આ
અધિકારમાં શાસ્ત્રકાર આત્માનું નિશ્ચયસ્વરૂપ શુદ્ધ ચૈતન્યમૂર્તિ છે તે ઓળખાવે છે; તેમાં મંગલાચરણ કરતાં
ચૈતન્યનો મહિમા કરે છે–
दुर्लक्ष्यं जगति परं ज्योतिर्वाचां गणः कवीन्द्राणाम् ।
जलमिव वजे्र यस्मिन्नलब्धमध्यो बहिर्लुठति ।। १।।
જેમ હીરા–રત્નમાં પાણી અંદર પ્રવેશતું નથી પણ બહાર જ રહે છે તેમ ચૈતન્યસ્વરૂપ જ્યોતિ ભગવાન
આત્મામાં મોટા મોટા કવિઓની વાણી પણ પ્રવેશી શકતી નથી, પણ ચૈતન્યની બહાર જ રહે છે; આવું ચૈતન્યસ્વરૂપ
જગતમાં દુર્લક્ષ્ય છે. વાણીના અવલંબનથી કે વાણી તરફના રાગથી લક્ષમાં આવી જાય–એવું ચૈતન્યસ્વરૂપ નથી.
વાણી અને રાગનું અવલંબન છોડીને જ્ઞાનને અંર્તસ્વભાવની સન્મુખ કરે તો આત્મા લક્ષમાં આવે અને તેના
અતીન્દ્રિય આનંદનો અનુભવ થાય. અહો! ભગવાન આત્મા વચનાતીત છે, તેનામાં વાણીનો પ્રવેશ નથી. સંતો
વાણીથી તેનું અમુક વર્ણન કરે, પણ પોતે અંતરમાં લક્ષ કરીને અનુભવમાં પકડે તો વાણીને નિમિત્ત કહેવાય; પણ
વાણીમાં એવી તાકાત નથી કે આત્માનું સ્વરૂપ બતાવે. જેમ તાજા ઘીનો સ્વાદ ખ્યાલમાં આવે છે પણ વાણીથી તે
બતાવી શકાતો નથી, તેમ ચૈતન્યસ્વભાવના અતીન્દ્રિય આનંદનો સ્વાદ અંતરના જ્ઞાન વડે અનુભવમાં આવે છે પણ
વાણી દ્વારા તેનું પૂરું વર્ણન થઈ શકતું નથી. ચૈતન્યસ્વરૂપ આત્મા વાણીથી અગોચર હોવા છતાં, જ્ઞાનમાં ન સમજી
શકાય એવો નથી. ચૈતન્યસ્વરૂપ આત્મા ઈંદ્રિયોથી કે વિકલ્પોથી લક્ષમાં આવે તેવો નથી તેથી દુર્લક્ષ્ય છે, પરંતુ
જ્ઞાનને અંતર્મુખ કરીને લક્ષમાં લે, તો ભગવાન આત્મા જણાય તેવો છે. જીવે અનાદિથી બહારમાં જ
આશ્વિનઃ ૨૪૮૦
ઃ ૨૨૭ઃ