Atmadharma magazine - Ank 132
(Year 11 - Vir Nirvana Samvat 2480, A.D. 1954).

< Previous Page   Next Page >


PDF/HTML Page 6 of 21

background image
ચારિત્ર વડે રાગાદિ વિકારનો નાશ કરી નાખવાની ચૈતન્યજ્યોતની તાકાત છે. આ રીતે ચૈતન્યતત્ત્વની
સમ્યક્શ્રદ્ધામાં આખા આત્માને પચાવે એવી પાચકશક્તિ છે, સમ્યગ્જ્ઞાનમાં સ્વ–પરને જાણે એવી પ્રકાશકશક્તિ છે ને
સમ્યક્ચારિત્રમાં રાગાદિને બાળે એવી દાહકશક્તિ છે. આવા સમ્યક્ શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર સ્વરૂપ ચૈતન્યતત્ત્વ છે તે
આ જગતમાં ઉત્તમ છે. અહો! આવું પરમ ચૈતન્યતત્ત્વ જગતને દુર્લક્ષ છે. અહીં શાસ્ત્રકાર કહે છે કે આ ચૈતન્યતત્ત્વ
સ્વસંવેદ્ય છે, તે પોતે પોતાના જ્ઞાનથી જ જણાય તેવું છે, એ સિવાય રાગથી કે વાણીથી તે જણાય તેવું નથી. વાણીથી
તે અગોચર છે. વાણીમાં તેનું અમુક કથન આવશે પણ વાણી કાઢવી તે અમારો સ્વભાવ નથી, અમારા આત્મામાંથી
વાણી નીકળતી નથી અને તે વાણી તમારા આત્મામાં પ્રવેશતી નથી; એટલે વાણીના લક્ષે આત્મા નહિ પકડાય, પણ
વાણીનું લક્ષ છોડીને જ્ઞાનને અંર્તસ્વભાવની સન્મુખ કરે તો આત્મા લક્ષમાં આવે તેવો છે, જ્ઞાન સિવાય રાગાદિથી
કે વાણીથી તે દુર્લક્ષ્ય છે. અંર્ત–સ્વભાવને લક્ષમાં લેવાનો ખરો પ્રયત્ન અનંતકાળમાં એક સેકંડ પણ જીવે કર્યો નથી.
પુણ્ય–પાપ મને હિતરૂપ છે અને અનુકૂળ સંયોગો મને મદદ કરશે–એમ માનીને જીવ બહારના લક્ષમાં જ અટકયો છે,
પણ અંતરમાં સંયોગથી તેમજ રાગથી પાર પોતાના ચૈતન્યતત્ત્વનું લક્ષ કદી કર્યું નથી માટે તે દુર્લક્ષ છે. પરંતુ જો
યથાર્થજ્ઞાન વડે લક્ષમાં લેવા માંગે તો તે દુર્લક્ષ નથી. સ્વસંવેદન જ્ઞાનથી અનુભવમાં આવે છે. જેમ તીખાં (મરી) ની
તીખાસ અને મરચાંની તીખાસ એ બંનેના રસમાં ફેર છે, તે જ્ઞાનથી ખ્યાલમાં આવે છે પણ વાણીથી પૂરું સમજાવી
શકાતું નથી, તેમ અહીં સંતો કહે છે કે અહો! ભગવાન આત્મા અતીન્દ્રિય ચૈતન્યરસનો પિંડ છે, તે ચૈતન્યરસનો
સ્વાદ અનુભવમાં આવે છે પણ વાણી દ્વારા તે શાંત આનંદરસનું વર્ણન પૂરું થઈ શકતું નથી. પ્રભો! વાણીનો પ્રવેશ
આત્મામાં નથી, ને વિકલ્પ વડે પણ આત્માના સ્વભાવમાં પ્રવેશ થઈ શકતો નથી. આવો તારા ચૈતન્યતત્ત્વનો
મહિમા છે. ચૈતન્યસ્વભાવનું આવું સામર્થ્ય અંતરમાં પોતાને ન ભાસે તો વાણી શું કરે?
(૧) ચૈતન્યસ્વભાવની સામર્થ્યતા
(૨) વિકારની વિપરીતતા
અને(૩) સંયોગની પૃથકતા
–એ ત્રણે પ્રકારોને બરાબર ઓળખે, તો સંયોગ અને વિકારનું લક્ષ છોડીને ચૈતન્યસ્વભાવમાં લક્ષને એકાગ્ર
કરે. સંયોગ અને વિકારથી પાર એવા ચૈતન્યસ્વભાવનું સામર્થ્ય જ્યાં સુધી લક્ષમાં ન આવે ત્યાં સુધી જ્ઞાન તેમાં થંભે
નહિ ને સમ્યગ્જ્ઞાન થાય નહિ. અનાદિથી જીવે સંયોગોનું અને રાગનું જ લક્ષ કર્યું છે પણ પોતાના ચૈતન્યસામર્થ્યને
કદી લક્ષમાં લીધું નથી, માટે તેને દુર્લક્ષ કહ્યું છે. અહીં ચૈતન્યતત્ત્વને ‘દુર્લક્ષ’ કહીને એમ સમજાવવું છે કે હે જીવ! તું
તેને લક્ષમાં લેવાનો અંતરંગ ઉદ્યમ કર; તે લક્ષમાં આવી જ ન શકે–એવો તેનો આશય નથી. વાણીથી, ઇન્દ્રિયોથી કે
રાગથી દુર્લક્ષ્ય હોવા છતાં અંતર્મુખ જ્ઞાનથી તે લક્ષમાં આવે છે, માટે તારા જ્ઞાનવડે ચૈતન્યતત્ત્વ લક્ષમાં લેવાનો ઉદ્યમ
કર, એવો ઉપદેશ છે.
જેમ હીરામાં પાણી અંદર પ્રવેશ કરતું નથી પણ બહાર જ રહે છે, તેમ ચૈતન્યરત્નમાં મોટા મોટા યોગી –
ઓની વાણી પણ પ્રવેશ કરી શકતી નથી. વાણી તે જડ અને રૂપી છે, અરૂપી ચૈતન્યતત્ત્વમાં તેનો પ્રવેશ નથી. વાણી
વાણીના યોગે નીકળે પણ જો તેનો ભાવ લક્ષમાં લઈને પોતે ચૈતન્યતત્ત્વને ન પકડે તો વાણીમાં સમજાવી દેવાની
તાકાત નથી. ગણધરદેવની વાણીમાં પણ ચૈતન્યતત્ત્વનું પૂરું વર્ણન ન આવ્યું. વચનાતીત વસ્તુ વચનમાં કઈ રીતે
આવે? વચનમાં તો સ્થૂળ વર્ણન આવે. બાકી તો જ્ઞાનથી અંર્તલક્ષ કરીને સીધી ચૈતન્યવસ્તુને પકડે તો તે
અનુભવમાં આવે તેમ છે. માટે શ્રીમદ્ રાજચંદ્રે પણ કહ્યું છે કે–
જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં
કહી શક્યાં નહિ તે પણ શ્રી ભગવાન જો,
તેહ સ્વરૂપને અન્ય વાણી તો શું કહે?
અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો.
વચન તેમજ વિકલ્પોથી અગોચર, અને માત્ર સ્વાનુભવથી ગોચર આવું ચૈતન્યતત્ત્વ છે, અહો! આવા
ચૈતન્યનું લક્ષ સંસારના જીવોને બહુ દુર્લભ છે, ચૈતન્યનું લક્ષ પૂર્વે કદી નથી કર્યું તેથી તે દુર્લભ છે, પરંતુ અશક્ય
નથી. દુર્લભ હોવા છતાં યથાર્થ પ્રયત્નથી તે સુલભ થઈ શકે છે. આવા ચૈતન્યસ્વભાવને લક્ષમાં લઈને તેનો મહિમા
કરવો, તેની ભાવના કરવી–તે માંગલિક છે. આવા ચૈતન્યતત્ત્વને લક્ષમાં લીધા વિના બીજી કોઈ પણ રીતે મુક્તિના
માર્ગની શરૂઆત થવાની નથી.
આશ્વિનઃ ૨૪૮૦
ઃ ૨૨૯ઃ