: કારતક : ૨૪૮૧ ‘આત્મધર્મ’ : ૩ :
રૂપે તો પદાર્થ પોતે જ છે, દરેક પદાર્થ પોતે જ પોતાના છ કારકરૂપે થઈને પરિણમે છે.
[૪] ક્રમબદ્ધપર્યાયના ભણકાર
આચાર્યદેવ પહેલેથી જ ક્રમબદ્ધપર્યાયના ભણકાર મૂકતા આવ્યા છે–
‘જીવ પદાર્થ કેવો છે’ તેનું વર્ણન કરતાં બીજી ગાથામાં કહ્યું હતું કે “ક્રમરૂપ અને અક્રમરૂપ પ્રવર્તતા
અનેક ભાવો જેનો સ્વભાવ હોવાથી જેણે ગુણ–પર્યાયો અંગીકાર કર્યા છે.” પર્યાય ક્રમવર્તી હોય છે અને ગુણ
સહવર્તી હોય છે. એમ કહીને ત્યાં જીવની ક્રમબદ્ધપર્યાયની વાત બતાવી દીધી છે.
ત્યાર પછી ૬૨મી ગાથામાં કહ્યું કે “વર્ણાદિક ભાવો, અનુક્રમે આવિર્ભાવ અને તિરોભાવ પામતી એવી
તે તે વ્યક્તિઓ (અર્થાત્ પર્યાયો) વડે પુદ્ગલદ્રવ્યની સાથે રહેતા થકા, પુદ્ગલનું વર્ણાદિ સાથે તાદાત્મ્ય જાહેર
કરે છે.” અહીં ‘અનુક્રમે આવિર્ભાવ અને તિરોભાવ’ પામવાનું કહીને અજીવની ક્રમબદ્ધપર્યાય બતાવી દીધી છે.
કર્તાકર્મ અધિકારમાં પણ ગા. ૭૬–૭૭–૭૮માં પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય એમ ત્રણ પ્રકારના કર્મની
વાત કરીને ક્રમબદ્ધપર્યાયની વાત ગોઠવી દીધી છે. ‘પ્રાપ્ય’ એટલે, દ્રવ્યમાં જે સમયે જે પર્યાય નિયમિત છે તે
ક્રમબદ્ધપર્યાયને તે સમયે તે દ્રવ્ય પ્રાપ્ત કરે છે–પહોંચી વળે છે, તેથી તેને ‘પ્રાપ્ય કર્મ’ કહેવાય છે.
[૫] જ્ઞાયક સ્વભાવ સમજે તો જ ક્રમબદ્ધપર્યાય સમજાય.
જુઓ, આમાં જ્ઞાયકસ્વભાવ તરફથી લેવાનું છે. જ્ઞાયક તરફથી લ્યે તો જ આ ક્રમબદ્ધપર્યાયની વાત
યથાર્થ સમજાય તેવી છે. જે જીવ પાત્ર થઈને પોતાના આત્માને માટે સમજવા માંગતો હોય તેને આ વાત યથાર્થ
સમજાય તેવી છે. બીજા ધીઠાઈવાળા જીવો તો આ સમજ્યા વિના ઊંધુંં લ્યે છે ને જ્ઞાયકસ્વભાવના નિર્ણયનો
પુરુષાર્થ છોડીને ક્રમબદ્ધપર્યાયના નામે પોતાના સ્વછંદને પોષે છે. જેને જ્ઞાનની શ્રદ્ધા નથી, કેવળીની પ્રતીત
નથી, અંતરમાં વૈરાગ્ય નથી, કષાયની મંદતા પણ નથી, સ્વછંદતા છૂટી નથી ને ક્રમબદ્ધપર્યાયનું નામ લ્યે છે–
એવા ધીઠા–સ્વછંદી જીવની અહીં વાત નથી. આ ક્રમબદ્ધપર્યાય સમજે તેને સ્વછંદ રહે જ નહિ, તે તો જ્ઞાયક થઈ
જાય. ભગવાન! ક્રમબદ્ધપર્યાય સમજાવીને અમે તો તને તારા જ્ઞાયક આત્માનો નિર્ણય કરાવવા માંગીએ છીએ,
અને આત્મા પરનો અકર્તા છે એ બતાવવા માંગીએ છીએ. જો તારા જ્ઞાયકસ્વભાવનો નિર્ણય ન કર તો તું
ક્રમબદ્ધપર્યાયને સમજ્યો જ નથી.
જીવ ને અજીવ બધા પદાર્થોની ત્રણેકાળની પર્યાયો ક્રમબદ્ધ છે,–તે બધાને જાણ્યું કોણે?–સર્વજ્ઞદેવે.
“સર્વજ્ઞદેવે આમ જાણ્યું” એમ સર્વજ્ઞતાનો નિર્ણય કોણે કર્યો?–પોતાની જ્ઞાનપર્યાયે.
વર્તમાન જ્ઞાનપર્યાય અલ્પજ્ઞ હોવા છતાં તેણે સર્વજ્ઞતાનો નિર્ણય કોની સામે જોઈને કર્યો?–
જ્ઞાનસ્વભાવની સામે જોઈને તે નિર્ણય કર્યો છે.
આ રીતે જે જીવ પોતાના જ્ઞાયકસ્વભાવના નિર્ણયનો પુરુષાર્થ કરે છે તેને જ ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય
થાય છે, અને તે જીવ પરનો ને રાગનો અકર્તા થઈને જ્ઞાયક–ભાવનો જ કર્તા થાય છે. આવા જીવને
જ્ઞાનસ્વભાવના નિર્ણયમાં પુરુષાર્થ, સ્વકાળ વગેરે પાંચે સમવાય એક સાથે આવી જાય છે.
[૬] આમાં જ્ઞાયકસ્વભાવનો પુરુષાર્થ છે તેથી આ નિયતવાદ નથી.
પ્રશ્ન:– ગોમટ્ટસારમાં તો નિયતવાદીને મિથ્યાદ્રષ્ટિ કહ્યો છે ને?
ઉત્તર:– ગોમટ્ટસારમાં જે નિયતવાદ કહ્યો છે તે તો સ્વછંદીનો છે; જે જીવ સર્વજ્ઞને માનતો નથી,
જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરતો નથી, અંતરમાં વળીને સમાધાન કર્યું નથી, વિપરીત ભાવોના ઉછાળા ઓછા પણ
કર્યા નથી, ને ‘જેમ થવાનું હશે તેમ થશે’ એમ કહીને માત્ર સ્વછંદી થાય છે અને મિથ્યાત્વને પોષે છે એવા
જીવને ગોમટ્ટસારમાં ગૃહીત મિથ્યાદ્રષ્ટિ કહ્યો છે. પરંતુ જ્ઞાન સ્વભાવના નિર્ણયપૂર્વક જો આ ક્રમબદ્ધપર્યાયને
સમજે તો તો જ્ઞાયકસ્વભાવ તરફના પુરુષાર્થ વડે મિથ્યાત્વ ને સ્વછંદ છૂટી જાય.
[૭] ભયનું સ્થાન નહિ પણ ભયના નાશનું કારણ.
પ્રશ્ન:– ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય કરવા જતાં ક્યાંક સ્વછંદી થઈ જવાશે–એવો ભય છે, માટે એવા
ભયસ્થાનમાં શા માટે જવું?