Atmadharma magazine - Ank 133
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 9 of 69

background image
: ૨ : ‘આત્મધર્મ’ ૨૪૮૧ : કારતક :
• [૧] •
પ્રવચન પહેલું
[વીર સં. ૨૪૮૦ ભાદરવા વદ ૧૨]
[] અલૌકિક ગાથા ને અલૌકિક ટીકા
આ અલૌકિક ગાથાઓ છે અને અમૃતચંદ્રાચાર્યદેવે ટીકા પણ એવી જ અલૌકિક કરી છે. ટીકામાં
ક્રમબદ્ધપર્યાયની વાત કરીને તો આચાર્યદેવે જૈનશાસનનો નિયમ અને જૈનદર્શનનું રહસ્ય ગોઠવી દીધું છે.
ભગવાન આત્માનો જ્ઞાયકસ્વભાવ છે, તે તો જ્ઞાતા–દ્રષ્ટાપણાનું જ કાર્ય કરે છે. ક્યાંય ફેરફાર કરે એવો તેનો
સ્વભાવ નથી, ને રાગને પણ ફેરવવાનો તેનો સ્વભાવ નથી, રાગનો પણ તે જ્ઞાયક છે. જીવ ને અજીવ બધા
પદાર્થોની ત્રણેકાળની અવસ્થા ક્રમબદ્ધ થાય છે, આત્મા તેનો જ્ઞાયક છે.–આવો જ્ઞાયક આત્મા તે સમ્યગ્દર્શનનો
વિષય છે.
[] જીવ–અજીવનાં ક્રમબદ્ધ પરિણામ અને આત્માનો જ્ઞાયકસ્વભાવ.
(ટીકા) जीवो हि तावत् क्रमनियमितात्मपरिणामै रुत्पद्यमानो जीव एव नाजीवः, एवमजीवोऽपि
क्रमनियमितात्मपरिणामैरुत्पद्यमानोऽजीव एव न जीवः,...”
આચાર્યદેવ કહે છે કે “પ્રથમ તો” એટલે કે સૌથી પહેલા એ નિર્ણય કરવો કે જીવ ક્રમબદ્ધ–ક્રમનિયમિત
એવા પોતાના પરિણામોથી ઊપજતો થકો જીવ જ છે, અજીવ નથી; એવી રીતે અજીવ પણ ક્રમબદ્ધ પોતાના
પરિણામોથી ઊપજતું થકું અજીવ જ છે, જીવ નથી. જુઓ આ મહા સિદ્ધાંત! જીવ કે અજીવ દરેક વસ્તુમાં
ક્રમબદ્ધપર્યાય થાય છે, તેમાં આડુંઅવળું થતું જ નથી. અત્યારે ઘણા પંડિતો અને ત્યાગી વગેરે લોકોમાં આની
સામે મોટો વાંધો ઊઠ્યો છે, કેમ કે આ વાતનો નિર્ણય કરવા જાય તો પોતાનું અત્યાર સુધી માનેલું કાંઈ રહેતું
નથી. ૨૦૦૩ ની સાલમાં (પ્રવચન–મંડપના ઉદ્ઘાટન પ્રસંગે) હુકમીચંદજી શેઠની સાથે દેવકીનંદનજી પંડિત
આવેલા, તેમને જ્યારે આ વાત બતાવી ત્યારે તે આશ્ચર્ય પામ્યા હતા કે અહો! આવી વાત છે!! આ વાત
અત્યાર સુધી અમારા લક્ષમાં નહોતી આવી. છએ દ્રવ્યોમાં તેની ત્રણેકાળની દરેક પર્યાયનો સ્વકાળ નિયમિત છે.
જગતમાં અનંત જીવો છે ને જીવ કરતાં અનંતગુણા અજીવ છે, તે બધાય દ્રવ્યો પોતપોતાના ક્રમ નિયમિત
પરિણામે ઊપજે છે. જે સમયે જે પર્યાયનો ક્રમ છે તે એક સમય પણ આગળ પાછળ ન થાય. ૧૦૦ નંબરની જે
પર્યાય હોય તે ૯૯મા નંબરે ન થાય, તેમજ ૧૦૦ નંબરની પર્યાય ૧૦૧મા નંબરે પણ ન થાય. આ રીતે દરેક
પર્યાયનો સ્વકાળ નિયમિત છે, ને બધાંય દ્રવ્યો ક્રમબદ્ધપર્યાયે પરિણમે છે. પોતાના સ્વભાવનો નિર્ણય થયો ત્યાં
ધર્મી જાણે છે કે હું તો જ્ઞાયક છું, હું કોને ફેરવું? એટલે ધર્મીને પરને ફેરવવાની બુદ્ધિ નથી, રાગને પણ
ફેરવવાની બુદ્ધિ નથી, તે રાગનો પણ જ્ઞાયકપણે જ રહે છે.
[] સર્વજ્ઞભગવાન ‘જ્ઞાપક’ છે, ‘કારક’ નથી.
પહેલા તો એમ નિર્ણય કરવો જોઈએ કે આ જગતમાં એવા સર્વજ્ઞભગવાન છે કે જેમને આત્માનો
જ્ઞાનસ્વભાવ પૂર્ણ ખીલી ગયો છે, અને મારો આત્મા પણ એવો જ જ્ઞાનસ્વભાવી છે. જગતના બધાય પદાર્થો
ક્રમબદ્ધપર્યાયપણે પરિણમે છે, પદાર્થના ત્રણકાળની પર્યાયનો ક્રમ નિશ્ચિત છે; સર્વજ્ઞદેવે ત્રણકાળ ત્રણલોકની
પર્યાયો જાણી છે. સર્વજ્ઞે જાણ્યું તે ફરે નહિ.–છતાં સર્વજ્ઞદેવે જાણ્યું માટે તેવી અવસ્થા થાય છે–એમ પણ નથી.
સર્વજ્ઞભગવાન તો જ્ઞાપકપ્રમાણ છે, તે કાંઈ પદાર્થોના કારક નથી; કારક–