Atmadharma magazine - Ank 133
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 17 of 69

background image
: ૧૦ : ‘આત્મધર્મ’ ૨૪૮૧ : કારતક :
[૩૯] પર્યાય ક્રમબદ્ધ હોવા છતાં, પુરુષાર્થવાળાને જ સમ્યગ્દર્શનાદિ નિર્મળપર્યાય થાય છે.
જુઓ, આમાં આત્માના જ્ઞાયક સ્વભાવના પુરુષાર્થની વાત છે. ‘ક્રમબદ્ધપર્યાય’નો એવો અર્થ નથી કે
જીવ ગમે તેવા કુધર્મને માનતો હોય છતાં તેને સમ્યગ્દર્શન થઈ જાય! અથવા ગમે તેવા તીવ્ર વિષયકષાયોમાં
વર્તતો હોય કે એકેન્દ્રિયાદિ પર્યાયમાં વર્તતો હોય છતાં તેને પણ ક્રમબદ્ધપણે તે પર્યાયમાં સમ્યગ્દર્શનાદિ થઈ
જાય–એમ કદી બનતું નથી. જે કુધર્મને માને છે, તીવ્ર વિષયકષાયમાં વર્તે છે, કે એકેન્દ્રિયાદિમાં પડ્યા છે, તેને
ક્યાં પોતાના જ્ઞાનસ્વભાવની કે ક્રમબદ્ધપર્યાયની ખબર છે? પર્યાય ક્રમબદ્ધ હોવા છતાં શુદ્ધસ્વભાવના પુરુષાર્થ
વિના શુદ્ધપર્યાય કદી થતી નથી. જ્ઞાનસ્વભાવની પ્રતીતનો અપૂર્વ પુરુષાર્થ કરે તેને જ સમ્યગ્દર્શનાદિ નિર્મળ
પર્યાય ક્રમબદ્ધ થાય છે, અને જે તેવો પુરુષાર્થ નથી કરતો તેને ક્રમબદ્ધ મલિન પર્યાય થાય છે. પુરુષાર્થ વગર જ
અમને સમ્યગ્દર્શનાદિ નિર્મળ દશા થઈ જશે એમ કોઈ માને તો તે ક્રમબદ્ધપર્યાયનું રહસ્ય સમજ્યો જ નથી. જે
જીવ કુદેવને માને છે, કુગુરુને માને છે, કુધર્મને માને છે, સ્વછંદપણે તીવ્ર કષાયોમાં વર્તે છે–એવા જીવને
ક્રમબદ્ધપર્યાયની શ્રદ્ધા જ થઈ નથી. ભાઈ! તારા જ્ઞાનસ્વભાવના પુરુષાર્થ વગર તે ક્રમબદ્ધપર્યાયને ક્યાંથી
જાણી? જ્યાં સુધી કુદેવ–કુધર્મ વગેરેને માને ત્યાં સુધી તેની ક્રમબદ્ધપર્યાયમાં સમ્યગ્દર્શનની લાયકાત થઈ જાય
એમ બને નહિ. સમ્યગ્દર્શનની લાયકાતવાળા જીવને તેની સાથે જ્ઞાનનો વિકાસ, સ્વભાવનો પુરુષાર્થ વગેરે પણ
યોગ્ય જ હોય છે, એકેન્દ્રિયપણું વગેરે પર્યાયમાં તે પ્રકારના જ્ઞાન, પુરુષાર્થ વગેરે હોતાં નથી, એવો જ તે જીવની
પર્યાયનો ક્રમ છે. અહીં તો એ વાત છે કે પુરુષાર્થ વડે જેણે જ્ઞાનસ્વભાવની પ્રતીત કરી તેને સમ્યગ્દર્શન થયું,
એટલે પરનો તેમજ રાગાદિનો તે અકર્તા થયો, અને તેણે જ ક્રમબદ્ધપર્યાયને ખરેખર જાણી છે. હજી તો કુદેવ
અને સુદેવનો નિર્ણય કરવાની પણ જેના જ્ઞાનમાં તાકાત નથી તે જીવમાં જ્ઞાયકસ્વભાવનો ને અનંત ગુણોની
ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કરવાની તાકાત તો ક્યાંથી હોય? ને યથાર્થ નિર્ણય વગર ક્રમબદ્ધપર્યાયમાં શુદ્ધતા
થાય–એમ બનતું નથી.
[૪૦] ‘અનિયતનય’ કે ‘અકાળનય’ સાથે ક્રમબદ્ધપર્યાયને વિરોધ નથી.
પ્રવચનસારના પરિશિષ્ટના ૪૭ નયોમાં ૨૭ મા અનિયતનયથી આત્માને ‘અનિયત’ કહ્યો છે, પરંતુ
અનિયત એટલે અક્રમબદ્ધ એવો તેનો અર્થ નથી. ત્યાં પાણીની ઉષ્ણતાનો દાખલો આપીને સમજાવ્યું છે કે જેમ
ઉષ્ણતા તે પાણીનો કાયમી સ્વભાવ નથી પણ ઉપાધિભાવ છે, તે કાયમી સ્વભાવ નથી માટે અનિયમિત છે, તેમ
વિકાર આત્માનો કાયમી સ્વભાવ નથી પણ ઉપાધિભાવ છે, તેથી તે વિકાર અપેક્ષાએ આત્માને અનિયત કહ્યો
છે. એ જ પ્રમાણે ૩૧મા બોલમાં ત્યાં “અકાળનય” કહ્યો છે, તેમાં પણ આ ક્રમબદ્ધપર્યાયના નિયમથી કાંઈ
વિરુદ્ધ વાત નથી, કાંઈ ક્રમબદ્ધપર્યાય તોડીને તે વાત નથી. (આ અનિયતનય તથા અકાળનય બાબત વિશેષ
સમજણ માટે આત્મધર્મમાં પ્રસિદ્ધ થતાં પૂ. ગુરુદેવનાં પ્રવચનો વાંચો.)
[૪૧] જૈનદર્શનની મૂળવસ્તુનો નિર્ણય.
મૂળ વસ્તુસ્વભાવ શું છે તેનો પહેલા બરાબર નિર્ણય કરવો જોઈએ. આત્માનો જ્ઞાતા–દ્રષ્ટા સ્વભાવ શું?
અને જ્ઞેય પદાર્થોનો ક્રમબદ્ધ સ્વભાવ શું? તેના નિર્ણયમાં વિશ્વદર્શનરૂપ જૈનદર્શનનો નિર્ણય આવી જાય છે; પણ
અજ્ઞાનીને તેનો નિર્ણય નથી.
જુઓ, આ મૂળવસ્તુ છે, તેનો પહેલા નિર્ણય કરવો જોઈએ, આ મૂળવસ્તુના નિર્ણય વગર ધર્મ થાય તેમ
નથી. જેમ કોઈ માણસ બીજા પાસે પાંચહજાર રૂા. ની ઉઘરાણીએ જાય, ત્યાં સામો માણસ તેને લાડવા જમાડે,
પણ આ તો કહે કે ભાઈ! જમવાની વાત પછી, પહેલા મુદની વાત નક્કી કરો, એટલે કે હું પાંચ હજાર રૂા. લેવા
આવ્યો છું, તેની પહેલા સગવડ કરો–એ રીતે ત્યાં પણ મુદની વાતને મુખ્ય કરે છે; તેમ અહીં મુદની રકમ એ છે
કે આત્મા જ્ઞાનસ્વભાવ છે તેનો નિર્ણય કરવો. આત્મા જ્ઞાયકસ્વભાવ છે ને પદાર્થોની પર્યાયનો ક્રમબદ્ધસ્વભાવ
છે એનો જે નિર્ણય કરતો નથી, ને ‘આવું નિમિત્ત જોઈએ ને આવો વ્યવહાર જોઈએ’ એમ વ્યવહારની રુચિમાં
રોકાઈ જાય છે તેને જરા પણ હિત થતું નથી. અહો! હું જ્ઞાયક છું–એ મૂળ વાત જેને પ્રતીતમાં આવી તેને
ક્રમબદ્ધપર્યાય બેઠા વગર રહે નહિ; અને જ્યાં આ વાત બેઠી ત્યાં બધા ખુલાસા થઈ જાય છે.