Atmadharma magazine - Ank 133
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 18 of 69

background image
: કારતક : ૨૪૮૧ ‘આત્મધર્મ’ : ૧૧ :
[૪૨] હારના મોતીના દ્રષ્ટાંતે ક્રમબદ્ધપર્યાયની સમજણ; અને જ્ઞાનને સમ્યક કરવાની રીત.
પ્રવચનસારની ૯૯ મી ગાથામાં લટકતા હારનું દ્રષ્ટાંત આપીને ઉત્પાદ–વ્યય–ધુ્રવ સિદ્ધ કર્યા છે, તેમાં પણ
ક્રમબદ્ધપર્યાયની વાત આવી જાય છે. જેમ લટકતા હારમાં દરેક મોતી પોતપોતાનાં સ્થાનમાં પ્રકાશે છે, તેમાં
પછી પછીના સ્થાને પછી પછીનું મોતી પ્રકાશે છે ને પહેલા પહેલાના મોતીઓ પ્રકાશતા નથી; તેમ લટકતા
હારની માફક પરિણમતા દ્રવ્યમાં સમસ્ત પરિણામો પોતપોતાના અવસરોમાં પ્રકાશે છે; તેમાં પછી પછીના
અવસરોએ પછી પછીના પરિણામો પ્રગટ થાય છે ને પહેલા પહેલાના પરિણામો પ્રગટ થતા નથી. (જુઓ ગાથા
૯૯ ની ટીકા) લટકતા હારના દોરામાં તેનું દરેક મોતી યથાસ્થાને ક્રમબદ્ધ ગોઠવાયેલું છે, જો તેમાં આડુંઅવળું
કરવા જાય–પાંચમા નંબરનું મોતી ત્યાંથી ખસેડીને પચીસમા નંબરે મૂકવા જાય –તો હારનો દોરો તૂટી જશે
એટલે હારની સળંગતા તૂટી જશે. તેમ જગતના દરેક દ્રવ્યો ઝૂલતા એટલે કે પરિણમતા છે. અનાદિ અનંત
પર્યાયરૂપ મોતી ક્રમબદ્ધ ગોઠવાયેલા છે, તેને ન માનતાં એકપણ પર્યાયનો ક્રમ તોડવા જાય તો ગુણનો ને
દ્રવ્યનો ક્રમ તૂટી જશે, એટલે કે શ્રદ્ધા જ મિથ્યા થઈ જશે. હું તો જ્ઞાયક છું, હું નિમિત્ત થઈને કોઈની પર્યાયમાં
ફેરફાર કરી દઉં એવું મારું સ્વરૂપ નથી–એમ જ્ઞાયકસ્વભાવની પ્રતીત વડે અકર્તાપણું થઈ જાય છે અર્થાત્
સમ્યગ્જ્ઞાન થાય છે, અને તે જ જીવ સ્વ–પરપ્રકાશક જ્ઞાન વડે આ ક્રમબદ્ધપર્યાયને યથાર્થ પણે જાણે છે. આ રીતે
હજી તો જ્ઞાનને સમ્યક્ કરવાની આ રીત છે; આ સમજ્યા વગર સમ્યગ્જ્ઞાન થાય નહિ.
[૪૩] જ્ઞાયકભાવનું પરિણમન કરે તે જ સાચો શ્રોતા.
આ ક્રમબદ્ધપર્યાયના વિષયમાં અત્યારે ઘણી ગરબડ જાગી છે તેથી અહીં તેનું વિશેષ સ્પષ્ટીકરણ થાય
છે. હજી તો આ વાતના શ્રવણનો પણ જેને પ્રેમ ન આવે તે અંતરમાં પાત્ર થઈને પરિણમાવે ક્યાંથી? અને
એકલા શ્રવણનો પ્રેમ કરે પણ જો સ્વછંદ ટાળીને અંતરમાં જ્ઞાયક ભાવનું પરિણમન ન કરે તો તેણે પણ
ખરેખર આ વાત સાંભળી નથી. એ જ વાત સમયસારની ચોથી ગાથામાં આચાર્યદેવે મૂકી છે, ત્યાં કહ્યું છે કે
એકત્વ–વિભક્ત શુદ્ધાત્માનું શ્રવણ જીવે પૂર્વે કદી કર્યું નથી; અનંતવાર સાક્ષાત્ તીર્થંકર ભગવાનના
સમવસરણમાં જઈને દિવ્યધ્વનિ સાંભળી આવ્યો, છતાં આચાર્યભગવાન કહે છે કે તેણે શુદ્ધાત્માની વાતનું
શ્રવણ કર્યું જ નથી.–કેમ? કારણ કે અંતરમાં ઉપાદાન જાગૃત કરીને તે શુદ્ધાત્માની રુચિ ન કરી તેથી તેને
શ્રવણમાં નિમિત્તપણું પણ ન આવ્યું.
[૪૪] જ્યાં સ્વછંદ છે ત્યાં ક્રમબદ્ધપર્યાયની શ્રદ્ધા નથી, સાધકને જ ક્રમબદ્ધપર્યાયની ખરી
શ્રદ્ધા છે.
પ્રશ્ન:– ક્રમબદ્ધપર્યાયની શ્રદ્ધા થાય પણ પર્યાયના ક્રમમાંથી સ્વછંદ ન ટળે તો?
ઉત્તર:– એમ બને જ નહિ, ભાઈ! ક્રમબદ્ધપર્યાયની શ્રદ્ધા કરે તેને પર્યાયમાં સ્વછંદનો ક્રમ રહે જ નહિ,
કેમકે જ્ઞાનસ્વભાવની સન્મુખ થઈને તેણે તે પ્રતીત કરી છે. જ્ઞાનસ્વભાવની ઓળખાણના પુરુષાર્થ વિના એકલી
ક્રમબદ્ધપર્યાયનું નામ લ્યે, તેની અહીં વાત નથી, કેમકે જ્ઞાનસ્વભાવની ઓળખાણ વગર તે ક્રમબદ્ધપર્યાયને પણ
સમજ્યો નથી. જ્ઞાનસ્વભાવ તરફ વળીને ક્રમબદ્ધપર્યાયની પ્રતીત કરી ત્યાં તો અનંત ગુણોનો અંશ નિર્મળરૂપે
પરિણમવા માંડયો છે; શ્રદ્ધામાં સમ્યગ્દર્શન થયું જ્ઞાનમાં સમ્યગ્જ્ઞાન થયું; આનંદના અંશનું વેદન થયું, વીર્યનો
અંશ સ્વ તરફ વળ્‌યો, એ રીતે બધા ગુણોની અવસ્થાના ક્રમમાં નિર્મળતાની શરૂઆત થઈ ગઈ. હજી જેને
શ્રદ્ધાજ્ઞાન સમ્યક્ થયા નથી, આનંદનું ભાન નથી, વીર્યબળ અંતરસ્વભાવ તરફ વળ્‌યું નથી, તેને
ક્રમબદ્ધપર્યાયની ખરી પ્રતીત નથી. ક્રમબદ્ધપર્યાયની પ્રતીતની સાથે તો સ્વભાવ તરફનો પુરુષાર્થ છે, શ્રદ્ધા–જ્ઞાન
સમ્યક થયા છે, આનંદ અને વીતરાગનો અંશ પ્રગટ થયો છે, એટલે ત્યાં સ્વછંદ તો હોતો જ નથી. સાધકદશામાં
અસ્થિરતાનો રાગ આવે પણ ત્યાં સ્વછંદ તો હોતો જ નથી. અને જે રાગ છે તેનો પણ પરમાર્થે તો તે જ્ઞાની
જ્ઞાતા જ છે. આ રીતે આમાં ભેદજ્ઞાનની વાત છે. સમ્યગ્દર્શન કહો, ભેદજ્ઞાન કહો, કે જ્ઞાયકભાવનો પુરુષાર્થ
કહો, કે ક્રમબદ્ધપર્યાયની પ્રતીત કહો–એ બધું ભેગું જ છે. ક્રમબદ્ધપર્યાયની શ્રદ્ધાવાળાને હઠ પણ નથી રહેતી તેમ
જ સ્વછંદ પણ નથી રહેતો. સમ્યક્શ્રદ્ધા થવા ભેગું જ તેણે તે ક્ષણે જ