: ૩૬ : ‘આત્મધર્મ’ ૨૪૮૧ : કારતક :
સોનાની જે અવસ્થા થઈ તેનો સોની અકર્તા છે, છતાં તેને નિમિત્ત કર્તા કહેવો તે વ્યવહાર છે. જે કર્તા
છે તેને કર્તા જાણવો તે નિશ્ચય, અને અકર્તાને કર્તા કહેવો તે વ્યવહાર છે. જીવ પોતાની ક્રમબદ્ધ અવસ્થાપણે
ઊપજતો થકો જીવ જ છે, ને અજીવ પોતાની ક્રમબદ્ધ અવસ્થાપણે ઊપજતું થકું અજીવ જ છે. જીવ તે અજીવની
અવસ્થાનો અકર્તા છે, ને અજીવ તે જીવની અવસ્થાનું અકર્તા છે. આ રીતે જેમ જીવ અજીવને પરસ્પર કર્તાપણું
નથી તેમ તેમને પરસ્પર કર્મપણું, કરણપણું, સંપ્રદાનપણું, અપાદાનપણું કે અધિકરણપણું પણ નથી. માત્ર
નિમિત્તપણાથી તેમને એકબીજાના કર્તા, કર્મ, કરણ વગેરે કહેવા તે વ્યવહાર છે. નિમિત્તથી કર્તા એટલે ખરેખર
અકર્તા; ને અકર્તાને કર્તા કહેવો તે વ્યવહાર. નિશ્ચયથી અકર્તા થયો ત્યારે વ્યવહારનું જ્ઞાન સાચું થયું.
જ્ઞાયકસ્વભાવ તરફ વળીને જે જ્ઞાતા થયો તે રાગને રાગ તરીકે જાણે છે પણ તે રાગમાં જ્ઞાનની એકતા નથી
કરતો, માટે તે જ્ઞાતા તો રાગનો પણ અકર્તા છે.
[૧૧૯] ક્રમબદ્ધપર્યાયનું મૂળિયું.
જુઓ, આ ક્રમબદ્ધપર્યાયમાં ખરેખર તો જ્ઞાનસ્વભાવી આત્માની વાત છે; કેમ કે ક્રમબદ્ધપર્યાયનો
જાણનાર કોણ? ‘જ્ઞાયક’ને જાણ્યા વગર ક્રમબદ્ધપર્યાયને જાણશે કોણ? જ્ઞાયકસ્વભાવ તરફ વળીને
જ્ઞાયકભાવપણે જે પરિણમ્યો તે જ્ઞાયક થયો, એટલે અકર્તા થયો, ને તે જ ક્રમબદ્ધપર્યાયનો જ્ઞાતા થયો. ‘જ્ઞાયક’
કહો કે ‘અકર્તા’ કહો;–જ્ઞાયક પરનો અકર્તા છે. જ્ઞાયક સ્વભાવ તરફ વળીને આવું ભેદ જ્ઞાન કરે, પછી
સાધકદશામાં ભૂમિકા પ્રમાણે જે વ્યવહાર રહ્યો તેને જ્ઞાની જાણે છે, એટલે ‘વ્યવહારનય તે કાળે જાણેલો
પ્રયોજનવાન છે’ એ વાત તેને લાગુ પડે છે. મિથ્યાદ્રષ્ટિ તો જ્ઞાયકને પણ નથી જાણતો, અને વ્યવહારનું પણ
તેને સાચું જ્ઞાન નથી.
દ્રવ્ય પોતાની જે ક્રમબદ્ધપર્યાયપણે ઊપજે છે તે પર્યાય જ તેનું કાર્ય છે, બીજું તેનું કાર્ય નથી. આ રીતે,
એક કર્તાના બે કાર્ય હોતા નથી, તેથી જીવ અજીવને પરસ્પર કાર્યકારણપણું નથી. નિગોદથી માંડીને સિદ્ધ
સુધીના બધા જીવો, એક પરમાણુથી માંડીને અચેતનમહાસ્કંધ, તેમજ બીજા ચાર અજીવ દ્રવ્યો, તે સર્વેને
પોતપોતાના તે કાળના ક્રમબદ્ધ ઊપજતા પરિણામ સાથે તદ્રૂપપણું છે. પર્યાયો અનાદિ–અનંત ક્રમબદ્ધ હોવા છતાં
તેમાં વર્તમાનપણે તો એક પર્યાય જ વર્તે છે, અને તે તે સમયે વર્તતી પર્યાયમાં દ્રવ્ય તદ્રૂપપણે વર્તી રહ્યું છે. વસ્તુ
તો જ્યારે જુઓ ત્યારે વર્તમાન છે, જ્યારે જુઓ ત્યારે વર્તમાન તે સમયની પર્યાય સત્ છે, તે વર્તમાન પહેલા
થઈ ગયેલી પર્યાયો ભૂતકાળમાં છે ને પછી થનારી પર્યાયો ભવિષ્યમાં છે; વર્તમાન પર્યાય એક સમય પણ
આઘીપાછી થઈને ભૂત કે ભવિષ્યની પર્યાયરૂપ થઈ જતી નથી; તેમજ ભવિષ્યની પર્યાય ભૂતકાળની પર્યાયરૂપ
થતી નથી કે ભૂતકાળની પર્યાય ભવિષ્યની પર્યાયરૂપ થઈ જતી નથી. અનાદિઅનંત પ્રવાહક્રમમાં દરેક પર્યાય
પોતપોતાના સ્થાને જ પ્રકાશે છે, એ રીતે પર્યાયોનું ક્રમબદ્ધપણું છે,–આ વાત પ્રવચનસારની ગા. ૯૯માં
પ્રદેશોના વિસ્તાર–ક્રમનું દ્રષ્ટાંત આપીને અલૌકિક રીતે સમજાવી છે.
[૧૨૦] ક્રમબદ્ધપર્યાયમાં શું શું આવ્યું?
પ્રશ્ન:– ‘ક્રમબદ્ધ’ કહેતાં ભૂતકાળની પર્યાય ભવિષ્યરૂપ, કે ભવિષ્યની પર્યાય ભૂતકાળરૂપ ન થાય–એ
વાત તો બરાબર, પણ આ સમયે આ પર્યાય આવી જ થશે–એ વાત આ ક્રમબદ્ધપર્યાયમાં ક્યાં આવી?
ઉત્તર:– ક્રમબદ્ધપર્યાયમાં જે સમયના જે પરિણામ છે તે સત્ છે, અને તે પરિણામનું સ્વરૂપ કેવું હોય તે
પણ તેમાં ભેગું જ આવી જાય છે. ‘હું જ્ઞાયક છું,’ તો મારા જ્ઞેયપણે સમસ્ત પદાર્થોના ત્રણે કાળના પરિણામ
ક્રમબદ્ધ સત્ છે–એવો નિર્ણય તેમાં થઈ જાય છે. જો આમ ન માને તો તેણે પોતાના જ્ઞાયકસ્વભાવના પૂરા
સામર્થ્યને જ નથી માન્યું. હું જ્ઞાયક છું ને પદાર્થોમાં ક્રમબદ્ધપર્યાય થાય છે–એ વાત જેને નથી બેસતી તેને
નિશ્ચય–વ્યવહારના કે નિમિત્ત ઉપાદાન વગેરેના બધા ઝઘડા ઊભા થાય છે, પણ જો આ નિર્ણય કરે તો બધા
ઝઘડા ભાગી જાય, ને ભૂલ ભાંગીને મુક્તિ થયા વિના રહે નહિ.
[૧૨૧] જ્યાં રુચિ ત્યાં જોર.
“નિમિત્તથી ને વ્યવહારથી તો આત્મા કર્મનો કર્તા છે ને!–એમ અજ્ઞાની જોર આપે છે; પણ ભાઈ! તારું
જોર ઊંધુંં છે; તું કર્મ તરફ જોર આપે છે પણ ‘આત્મા અકર્તા છે–જ્ઞાન જ છે’ એમ જ્ઞાયક ઉપર જોર કેમ નથી
આપતો? જેને જ્ઞાયકની રુચિ નથી ને રાગની રુચિ છે તે જ કર્મના કર્તાપણા ઉપર જોર આપે છે.