Atmadharma magazine - Ank 133
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 44 of 69

background image
: કારતક : ૨૪૮૧ ‘આત્મધર્મ’ : ૩૭ :
ક્રમબદ્ધપર્યાયનો યથાર્થ નિર્ણય કરનાર કાળના પ્રવાહ સામે નથી જોતો, પણ જ્ઞાયકસ્વભાવ સામે જુએ
છે. કેમ કે વસ્તુની ક્રમબદ્ધપર્યાય કાંઈ કાળને લીધે થતી નથી. કાળદ્રવ્ય તો પરિણમનમાં બધાય દ્રવ્યોને એક
સાથે નિમિત્ત છે, છતાં કોઈ પરમાણુ સ્કંધમાં જોડાય, તે જ વખતે બીજો તેમાંથી છૂટો પડે, એક જીવ સમ્યગ્દર્શન
પામે ને બીજો જીવ તે જ વખતે કેવળજ્ઞાન પામી જાય, –એ પ્રમાણે જીવ–અજીવ દ્રવ્યોમાં પોતપોતાની યોગ્યતા
પ્રમાણે ભિન્નભિન્ન અવસ્થારૂપે ક્રમબદ્ધ પરિણામ થાય છે. માટે, પોતાના જ્ઞાનપરિણામનો પ્રવાહ જ્યાંથી વહે
છે–એવા જ્ઞાયકસ્વભાવ ઉપર દ્રષ્ટિ રાખીને જ ક્રમબદ્ધપર્યાયનું યથાર્થજ્ઞાન થાય છે.
[૧૨૨] તદ્રૂપ અને કદ્રૂપ; (જ્ઞાનીને દિવાળી, અજ્ઞાનીને હોળી.)
ક્રમબદ્ધપર્યાયપણે પરિણમતું દ્રવ્ય પોતાના પરિણામ સાથે ‘તદ્રૂપ’ છે; એમ ન માનતાં બીજો કર્તા
માને તો તેણે દ્રવ્ય સાથે પર્યાયને તદ્રૂપ ન માની પણ પર સાથે તદ્રૂપ માની તેથી તેની માન્યતા ‘કદ્રૂપ’ થઈ–
મિથ્યા થઈ. પર્યાયને અંતરમાં વાળીને જ્ઞાયકભાવ સાથે તદ્રૂપ કરવી જોઈએ, તેને બદલે પર સાથે તદ્રૂપ
માનીને કદ્રૂપ કરી, તેણે દિવાળીને બદલે હોળી કરી. જેમ હોળીને બદલે દિવાળીના તહેવારમાં મોઢા ઉપર મસ
ચોપડીને મેલું કરે તો તે મૂરખ કહેવાય. તેમ ‘દિ....વાળી’ એટલે પોતાની નિર્મળ સ્વપર્યાય, તેમાં પોતે તદ્રૂપ
થવું જોઈએ તેને બદલે અજ્ઞાની પર સાથે પોતાને તદ્રૂપતા માનીને પોતાની પર્યાયને મલિન કરે છે એટલે તે
દિ.....વાળીને બદલે પોતાના ગુણની હોળી કરે છે. ભાઈ, ‘દિ’ એટલે સ્વકાળની પર્યાય તેને ‘વાળ’ તારા
આત્મામાં,–તો તારા ઘરે દિવાળીના દીવા પ્રગટે એટલે કે સમ્યગ્જ્ઞાનના દીવડા પ્રગટે ને મિથ્યાત્વની હોળી
મટે. સ્વકાળની પર્યાયને અંતરમાં ન વાળતાં પર સાથે એકપણું માનીને, તે ઊંધી માન્યતામાં અજ્ઞાની
પોતાના ગુણને હોમી દે છે એટલે તેને પોતાના ગુણની હોળી થાય છે–ગુણની નિર્મળદશા પ્રગટવાને બદલે
મલિનદશા પ્રગટે છે; તેમાં આત્માની શોભા નથી.
સ્વભાવસન્મુખ થઈને ક્રમબદ્ધ આવેલા નિર્મળ સ્વકાળ સાથે તદ્રૂપતા ધારણ કરે તેમાં જ આત્માની
શોભા ને પ્રભુતા છે. પોતપોતાની પર્યાય સાથે તદ્રૂપતા ધારણ કરે તેમાં જ દરેક દ્રવ્યની પ્રભુતા છે, જો તેની
પર્યાયમાં બીજો તદ્રૂપ થઈને તેને કરે તો તેમાં દ્રવ્યની પ્રભુતા રહેતી નથી; અથવા આત્મા પોતે પર સાથે તદ્રૂપતા
માનીને તેનો કર્તા થવા જાય તો તેમાં પણ પોતાની કે પરની પ્રભુતા રહેતી નથી. પરનો કર્તા થવા જાય તે
પોતાની પ્રભુતાને ભૂલે છે. ક્રમબદ્ધપર્યાયનું જ્ઞાતાપણું ન માનતાં તેમાં આડુંઅવળું કરવાનું માને તો તે જીવ
પોતાના જ્ઞાતાભાવ સાથે તદ્રૂપ ન રહેતાં, મિથ્યાદ્રષ્ટિ કદ્રૂપ થઈ જાય છે.
[૧૨૩] –આ છે જૈનશાસનનો સાર!
અહો, દરેક દ્રવ્ય પોતે જ પોતાની ક્રમબદ્ધપર્યાયપણે પરિણમતું થકું, તે તે પરિણામમાં તદ્રૂપ થઈને તેને
કરે છે, પણ બીજાને કરતું નથી, –આ એક સિદ્ધાંતમાં છએ દ્રવ્યોના ત્રણે કાળના પરિણમનના ઉકેલની ચાવી
આવી જાય છે. હું જ્ઞાયક, ને પદાર્થોમાં સ્વતંત્ર ક્રમબદ્ધ પરિણમન–બસ! આમાં બધો સાર આવી ગયો. પોતાના
જ્ઞાયકસ્વભાવનો ને પદાર્થોના ક્રમબદ્ધપરિણામની સ્વતંત્રતાનો નિર્ણય કરીને, પોતે પોતાના જ્ઞાયકસ્વભાવમાં
અભેદ થઈને પરિણમ્યો, ત્યાં પોતે જ્ઞાયક જ રહ્યો ને પરનો અકર્તા થયો, તેનું જ્ઞાન, રાગાદિથી છૂટું પડીને
‘સર્વવિશુદ્ધ’ થયું. આનું નામ જૈનશાસન, ને આનું નામ ધર્મ.
‘યોગ્યતાને જ’ કાર્યની સાક્ષાત્સાધક કહીને ઈષ્ટોપદેશમાં સ્વતંત્રતાનો અલૌકિક ઉપદેશ કર્યો છે.
‘ઈષ્ટોપદેશ’ને ‘જૈનનું ઉપનિષદ’ પણ કહે છે. ખરેખર, વસ્તુની સ્વતંત્રતા બતાવીને આત્માને પોતાના જ્ઞાયક
સ્વભાવ તરફ લઈ જાય–તે જ ઈષ્ટ–ઉપદેશ છે,–અને તે જ જૈનધર્મનો મર્મ છે તેથી જૈનનું ઉપનિષદ છે.
[૧૨૪] ‘–વિરલા બૂઝે કોઈ!’
આ વાત સમજ્યા વગર ઉપાદાન–નિમિત્તનું પણ યથાર્થજ્ઞાન ન થાય. ઉપાદાન અને નિમિત્ત બંને ચીજો
છે ખરી, તેનું જ્ઞાન કરાવવા માટે શાસ્ત્રોમાં તેનું વર્ણન કર્યું, ત્યાં અજ્ઞાની પોતાની ઊંધી દ્રષ્ટિથી ઉપાદાન–
નિમિત્તના નામે ઊલટો સ્વ–પરની એકતાબુદ્ધિ પોષે છે; “જુઓ, શાસ્ત્રમાં નિમિત્ત તો કહ્યું છે ને? બે કારણ તો
કહ્યા છે ને?”–એમ કહીને ઊલટો સ્વ–પરની એકતાબુદ્ધિ ઘૂંટે છે. પં. બનારસીદાસજી કહે છે કે–