: ૪૨ : ‘આત્મધર્મ’ ૨૪૮૧ : કારતક :
[૧૩૬] ‘પુરુષાર્થ’ ઊડે નહિ....ને....‘ક્રમ’ પણ તૂટે નહિ.
પોતાની ક્રમબદ્ધપર્યાયમાં જ્ઞાતાપણાનું કાર્ય કરતો જીવ બીજાનું પણ કાર્ય કરે એમ બનતું નથી, આ રીતે
જ્ઞાયક જીવ અકર્તા છે. જડ કે ચેતન, જ્ઞાની કે અજ્ઞાની, બધાય પોતપોતાની ક્રમબદ્ધપર્યાયપણે ઊપજે છે.
જ્ઞાયકસ્વભાવના આશ્રયે પુરુષાર્થ થાય, છતાં પર્યાયનો ક્રમ તૂટે નહિ,
જ્ઞાયકસ્વભાવના આશ્રયે સમ્યગ્દર્શન થાય, છતાં પર્યાયનો ક્રમ તૂટે નહિ,
જ્ઞાયકસ્વભાવના આશ્રયે ચારિત્રદશા થાય, છતાં પર્યાયનો ક્રમ તૂટે નહિ,
જ્ઞાયકસ્વભાવના આશ્રયે આનંદ પ્રગટે, છતાં પર્યાયનો ક્રમ તૂટે નહિ,
જ્ઞાયકસ્વભાવના આશ્રયે કેવળજ્ઞાન થાય, છતાં પર્યાયનો ક્રમ તૂટે નહિ; જુઓ, આ વસ્તુસ્થિતિ!
પુરુષાર્થ ઊડે નહિ ને ક્રમ પણ તૂટે નહિ. જ્ઞાયકસ્વભાવના આશ્રયે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર વગેરેનો પુરુષાર્થ
થાય છે, અને તેવી નિર્મળદશાઓ થતી જાય છે, છતાં પણ પર્યાયનું ક્રમબદ્ધપણું તૂટતું નથી.
[૧૩૭] અજ્ઞાનીએ શું કરવું?
પ્રશ્ન:– અમે તો અજ્ઞાની છીએ, અમારે શું કરવું? શું ક્રમબદ્ધ માનીને બેસી રહેવું?
ઉત્તર:– ભાઈ! અજ્ઞાનીએ પોતાના જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરવો. સ્વસન્મુખ પુરુષાર્થ વડે જ્યાં
જ્ઞાનસ્વભાવનો નિર્ણય કર્યો ત્યાં ક્રમબદ્ધનો પણ નિર્ણય થયો અને પોતાની ક્રમબદ્ધપર્યાયમાં જે નિર્મળપર્યાયનો
ક્રમ હતો તે જ પર્યાય આવીને ઊભી રહી. સ્વસન્મુખ પુરુષાર્થ વગરની તો ક્રમબદ્ધની માન્યતા પણ સાચી નથી.
જ્ઞાનસ્વભાવનો આશ્રય કરીને પરિણમતાં, જો કે પર્યાયનો ક્રમ આઘોપાછો થતો નથી તો પણ, સમ્યગ્દર્શન
વગેરેનું પરિણમન થઈ જાય છે, ને અજ્ઞાનદશા છૂટી જાય છે. માટે, ‘અજ્ઞાનીએ શું કરવું’ એનો ઉત્તર આ છે કે
પોતાના જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરીને અજ્ઞાન ટાળવું. પ્રશ્નમાં એમ હતું કે “શું અમારે બેસી રહેવું?”–પણ
ભાઈ! બેસી રહેવાની વ્યાખ્યા શું? આ જડ શરીર બેસી રહે–તેની સાથે કાંઈ ધર્મનો સંબંધ નથી. અજ્ઞાની
અનાદિથી રાગ સાથે એકતાબુદ્ધિ કરીને તે રાગમાં જ બેઠો છે–રાગમાં જ સ્થિત છે, તેને બદલે જ્ઞાયકસ્વભાવમાં
એકતા કરીને તેમાં બેસે–એટલે કે એકાગ્ર થાય તો અજ્ઞાન ટળે ને સમ્યગ્દર્શનાદિ શુદ્ધતાનો અપૂર્વ ક્રમ શરૂ
થાય.–આનું નામ ધર્મ છે.
[૧૩૮] એક વગરનું બધુંય ખોટું.
હું જ્ઞાતા જ છું ને પદાર્થો ક્રમબદ્ધ પરિણમનારા છે એમ જે નથી માનતો, તે કેવળીભગવાનને નથી
માનતો, આત્માના જ્ઞાનસ્વભાવને પણ નથી માનતો, પંચ પરમેષ્ઠી ભગવંતોને કે શાસ્ત્રને પણ તે નથી માનતો,
જીવ–અજીવની સ્વતંત્રતાને કે સાત તત્ત્વોને પણ તે નથી જાણતો, મોક્ષમાર્ગના પુરુષાર્થને પણ તે નથી જાણતો,
દ્રવ્ય–ગુણ–પર્યાયનું ઉપાદાન–નિમિત્તનું કે નિશ્ચય–વ્યવહારનું યથાર્થ સ્વરૂપ પણ તે નથી જાણતો.
જ્ઞાનસ્વભાવનો નિર્ણય જેણે ન કર્યો તેનું કાંઈ પણ સાચું નથી. જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરે તો તેમાં બધા
પડખાંનો નિર્ણય આવી જાય છે.
[૧૩૯] પંચ તરીકે પરમેષ્ઠી, અને તેનો ફેંસલો.
પ્રશ્ન:– આ સંબંધમાં અત્યારે બહુ ઝઘડા (મતભેદ) ચાલે છે, માટે આમાં ‘પંચ’ને વચ્ચે નાંખીને કાંઈક
નીવેડો લાવો ને?
ઉત્તર:– ભાઈ, પંચપરમેષ્ઠીભગવાન જ અમારા ‘પંચ’ છે. જ્ઞાયકસ્વભાવ અને ક્રમબદ્ધપર્યાયનું આ જે
વસ્તુ–સ્વરૂપ કહેવાય છે તે જ પ્રમાણે અનાદિથી પંચપરમેષ્ઠી ભગવંતો કહેતા આવ્યા છે, અને મહાવિદેહમાં
બિરાજતા સીમંધરાદિ ભગવંતો અત્યારે પણ એ જ ઉપદેશ આપી રહ્યા છે. આ સિવાય અજ્ઞાનીઓ બીજું
વિપરીત માને તો ભલે માને, પણ અહીં તો પંચપરમેષ્ઠી ભગવંતોને પંચ તરીકે રાખીને આ વાત કહેવાય છે.
પંચપરમેષ્ઠી ભગવંતો આ જ પ્રમાણે માનતા આવ્યા છે ને આજ પ્રમાણે કહેતા આવ્યા છે. જેને પંચપરમેષ્ઠી
પદમાં ભળવું હોય તેણે પણ આ જ પ્રમાણે માન્યે છૂટકો છે.
જુઓ, આ પંચનો ફેંસલો!
હે ભાઈ! પંચપરમેષ્ઠી ભગવંતોમાં અરિહંત અને સિદ્ધ ભગવંતો સર્વજ્ઞ છે–ત્રણકાળ ત્રણલોકને પ્રત્યક્ષ
જાણનારા છે,–એ સર્વજ્ઞતાને તું માને છે કે નથી માનતો?
–જો તું એ સર્વજ્ઞતાને ખરેખર માનતો હો તો તેમાં ક્રમબદ્ધપર્યાયનો પણ સ્વીકાર થઈ જ ગયો.