: કારતક : ૨૪૮૧ ‘આત્મધર્મ’ : ૪૩ :
–અને જો તું સર્વજ્ઞતાને ન માનતો હો તો તેં ‘પંચ’ને
(–પંચપરમેષ્ઠી ભગવંતોને) જ ખરેખર માન્યા નથી.
‘णमो अरिहंताणं ने णमो सिद्धाणं’ એમ દરરોજ
બોલે, પણ અરિહંત અને સિદ્ધ–ભગવાન કેવળજ્ઞાન સહિત
છે,–તેઓ ત્રણકાળ ત્રણલોકને જાણે છે અને તે જ પ્રમાણે
થાય છે–એમ માને તો તેમાં ક્રમબદ્ધપર્યાયનો સ્વીકાર
આવી જ જાય છે. આત્માની સંપૂર્ણ જ્ઞાનશક્તિને અને
ક્રમબદ્ધપર્યાયને જે નથી માનતો તે પંચપરમેષ્ઠી ભગવંતોને
પણ યથાર્થ સ્વરૂપે નથી માનતો. માટે જેણે ખરેખર
પંચપરમેષ્ઠી ભગવંતોને ઓળખવા હોય તેણે બરાબર
નિર્ણય કરીને આ વાત માનવી.
–આવો પંચનો ફેંસલો છે.
• • •
[૧૪૦] જીવના અકર્તાપણાની ન્યાયથી સિદ્ધિ.
જ્ઞાયક આત્મા કર્મનો અકર્તા છે–એમ અહીં આચાર્યદેવ ન્યાયથી સિદ્ધ કરે છે:
(૧) પ્રથમ તો જીવ ને અજીવ બધાંય દ્રવ્યો પોતપોતાની ક્રમબદ્ધપર્યાયપણે ઊપજે છે;
(૨) જે પર્યાય થાય છે તેમાં તે તદ્રૂપ છે;
(૩) જીવ પોતાનાં પરિણામપણે ઊપજતો હોવા છતાં, તે પરને (–કર્મને) ઉપજાવતો નથી, એટલે તેને
પરની સાથે ઉત્પાદ્ય–ઉત્પાદક ભાવ નથી;
(૪) ઉત્પાદ્ય–ઉત્પાદકભાવ વગર કાર્ય–કારણપણું હોતું નથી, એટલે જીવ કારણ થઈને કર્મને ઉપજાવે
એમ બનતું નથી; અને–
(૫) કારણ–કાર્યભાવ વગર જીવને અજીવ સાથે કર્તાકર્મપણું સિદ્ધ થઈ શકતું નથી, અર્થાત્ જ્ઞાયક–
ભાવપણે ઊપજતો જીવ કર્તા થઈને, મિથ્યાત્વાદિ અજીવકર્મને ઉપજાવે, એમ કોઈ રીતે સિદ્ધ થતું નથી. –માટે
જ્ઞાયકભાવની ક્રમબદ્ધપર્યાયપણે પરિણમતો જ્ઞાની કર્મનો અકર્તા જ છે. ભાઈ! તું તો જ્ઞાનસ્વભાવ! તું તારા
જ્ઞાતાદ્રષ્ટાભાવપણે પરિણમીને, તે પરિણામમાં તદ્રૂપ થઈને તેને કર, પણ જડકર્મનો તું કર્તા થા–એવો તારો
સ્વભાવ નથી. અહો!.....હું......જ્ઞા.....ય.....ક.....છું.....એમ.....અં.....ત.....ર્.....મુ.....ખ થ.....ઈ.....ને
સ.....મ.....જે તો.....જી.....વ.....ને.....કે.....ટ.....લી.....શાં.....તિ.....થ.....ઈ.....જા.....ય!.....
[૧૪૧] અજીવમાં પણ અકર્તાપણું.
અહીં જીવનું અકર્તાપણું સમજાવવા માટે આચાર્યદેવે જે ન્યાય આપ્યો છે તે બધા દ્રવ્યોમાં લાગુ પડે છે.
અજીવમાં પણ એક અજીવ તે બીજા અજીવનું અકર્તા છે. જેમકે–પાણી ઊનું થયું ત્યાં અગ્નિ તેનો અકર્તા છે, તે
નીચે પ્રમાણે–
(૧) અગ્નિ અને પાણી બંને પદાર્થો પોતપોતાની ક્રમબદ્ધપર્યાયપણે ઊપજે છે;
(૨) પોતપોતાની જે પર્યાય થાય છે તેમાં તે તદ્રૂપ છે;
(૩) અગ્નિ પોતાનાં પરિણામપણે ઊપજતો હોવા છતાં, તે પાણીની ઉષ્ણ અવસ્થાને ઉપજાવતો નથી;
એટલે તેને પાણીની સાથે ઉત્પાદ્ય–ઉત્પાદકભાવ નથી;
(૪) ઉત્પાદ્ય–ઉત્પાદકભાવ વગર કાર્ય–કારણપણું હોતું નથી, એટલે અગ્નિ કારણ થઈને પાણીની ઉષ્ણ
અવસ્થાને ઉપજાવે –એમ બનતું નથી; અને–
(પ) કારણ–કાર્યભાવ વગર અગ્નિને પાણી સાથે કર્તાકર્મપણું સિદ્ધ થઈ શકતું નથી.