: કારતક : ૨૪૮૧ ‘આત્મધર્મ’ : ૪૧ :
અને તેઓની એવી વાતને જે સ્વીકારે છે તેને પણ ખરેખર સર્વજ્ઞદેવની શ્રદ્ધા નથી.
[૧૩૩] સર્વજ્ઞ–સ્વભાવનો નિર્ણય કરે તેને પુરુષાર્થની શંકા રહેતી નથી.
હવે, ઘણા જીવો ઓઘે ઓઘે (–નિર્ણયવગર) સર્વજ્ઞને માનતા હોય, તેને એમ પ્રશ્ન થાય છે કે: જો સર્વજ્ઞ
ભગવાને જોયું તે પ્રમાણે જ ક્રમબદ્ધપર્યાય થાય ને તે ક્રમમાં ફેરફાર ન થાય,–તો પછી જીવને પુરુષાર્થ કરવાનું
ક્યાં રહ્યું? તો તેને કહે છે કે હે ભાઈ! તેં તારા જ્ઞાન–સ્વભાવનો નિર્ણય કર્યો છે? –સર્વજ્ઞનો નિર્ણય કર્યો છે?
તું તારા જ્ઞાનસ્વભાવનો ને સર્વજ્ઞનો નિર્ણય કર તો તને ખબર પડશે કે ક્રમબદ્ધપર્યાયમાં પુરુષાર્થ કઈ રીતે આવે
છે? પુરુષાર્થનું યથાર્થ સ્વરૂપ જ હજી લોકોના સમજવામાં નથી આવ્યું. અનાદિથી પરમાં ને રાગમાં જ હું–પણું
માનીને મિથ્યાત્વના અનંત દુઃખનો અનુભવ કરી રહ્યો છે, તેને બદલે જ્ઞાયકસ્વભાવનો નિર્ણય થતાં તે ઊંધી
માન્યતા છૂટી ને જ્ઞાયકભાવ તરફ દ્રષ્ટિ વળી, ત્યાં અપૂર્વ અતીદ્રિંયઆનંદના અંશનો અનુભવ થાય છે,–એમાં જ
અપૂર્વ પુરુષાર્થ આવી જાય છે. જ્ઞાયકસ્વભાવને દ્રષ્ટિમાં લઈને તેનો અનુભવ કરતાં પુરુષાર્થ, જ્ઞાન, શ્રદ્ધા,
આનંદ, ચારિત્ર–એ બધા ગુણોનું પરિણમન સ્વ તરફ વળ્યું છે. સ્વસન્મુખ થઈને જ્ઞાનસ્વભાવનો નિર્ણય કર્યો
તેમાં કેવળજ્ઞાનનો નિર્ણય, ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય, ભેદજ્ઞાન, સમ્યગ્દર્શન, પુરુષાર્થ, મોક્ષમાર્ગ–એ બધું એક
સાથે આવી ગયું છે.
* * *
[૧૩૪] નિર્મળ ક્રમબદ્ધપર્યાય ક્યારે શરૂ થાય?
બધાય દ્રવ્યો પોતપોતાની ક્રમબદ્ધપર્યાયપણે ઊપજે છે, અને તેમાં તે તદ્રૂપ છે;–જીવ પોતાની પર્યાયથી
ઊપજતો હોવા છતાં તે અજીવને ઉપજાવતો નથી, એટલે અજીવ સાથે તેને કાર્યકારણપણું નથી. આમ હોવા
છતાં, અજ્ઞાની પોતાની દ્રષ્ટિ પોતાના જ્ઞાયકસ્વભાવ તરફ ન ફેરવતાં, ‘હું પરને કરું’ એવી દ્રષ્ટિથી અજ્ઞાનપણે
પરિણમે છે, અને તેથી તે મિથ્યાત્વાદિકર્મોનો નિમિત્ત થાય છે. ક્રમબદ્ધ તો ક્રમબદ્ધ જ છે, પણ અજ્ઞાની પોતાના
જ્ઞાયકસ્વભાવનો નિર્ણય નથી કરતો તેથી તેને ક્રમબદ્ધપર્યાય શુદ્ધ ન થતાં વિકારી થાય છે. જો જ્ઞાયકસ્વભાવનો
નિર્ણય કરે તો દ્રષ્ટિ પલટાઈ જાય ને મોક્ષમાર્ગની નિર્મળ ક્રમબદ્ધપર્યાય શરૂ થઈ જાય.
[૧૩૫] ‘માત્ર દ્રષ્ટિકી ભૂલ હૈ.’
ચૈતન્યમૂર્તિ આત્મા જ્ઞાનસ્વભાવ છે, તે સ્વ–પરનો પ્રકાશક છે એટલે પદાર્થો જેમ છે તેમ તેને જાણનાર
છે, પણ કોઈને આઘુંપાછું ફેરવનાર નથી. ભાઈ! જગતના બધા પદાર્થોમાં જે પદાર્થની જે સમયે જે અવસ્થા
થવાની છે તે થવાની જ છે, કોઈ પરદ્રવ્યની અવસ્થામાં ફેરફાર કરવા તું સમર્થ નથી; –તો હવે તારે શું કરવાનું
રહ્યું? પોતાના જ્ઞાયકસ્વભાવને ચૂકીને, ‘હું પરનો કર્તા’ એવી દ્રષ્ટિમાં અટક્યો છે તેની ગૂલાંટ મારીને
જ્ઞાનસ્વભાવ તરફ તારી દ્રષ્ટિ ફેરવ! જ્ઞાયક તરફ દ્રષ્ટિ કરતાં ક્રમબદ્ધપર્યાયનો જ્ઞાતા રહી જાય છે, તે જ્ઞાતા
પોતાના નિર્મળજ્ઞાનાદિ પરિણામનો તો કર્તા છે, પણ રાગાદિનો કે કર્મનો કર્તા તે નથી. આવા જ્ઞાતાસ્વભાવને
જે ન માને અને પરનો કર્તા થઈને તેની ક્રમબદ્ધપર્યાય ફેરવવા જાવ, તો તે જીવને સર્વજ્ઞની પણ ખરી શ્રદ્ધા
નથી. જેમ સર્વજ્ઞભગવાન જ્ઞાતાદ્રષ્ટાપણાનું જ કાર્ય કરે છે, કોઈના પરિણમનને ફેરવતા નથી, તેમ આ
આત્માનો સ્વભાવ પણ જ્ઞાતાદ્રષ્ટાપણાનું કાર્ય કરવાનો જ છે.
પુણ્ય–પાપ અધિકારની ૧૬૦મી ગાથામાં આચાર્યદેવ કહે છે કે–
सो सव्वणाणदरिसी कम्मरएण णियेणवच्छण्णो।
संसारसमावण्णो ण विजाणदि सव्वदो सव्वं।।
તે સર્વજ્ઞાની–દર્શી પણ નિજકર્મરજ–આચ્છાદને,
સંસારપ્રાપ્ત ન જાણતો તે સર્વ રીતે સર્વને.
જ્ઞાનસ્વરૂપી આત્મા તો સર્વનો જ્ઞાયક તથા દર્શક છે; પણ પોતાના જ્ઞાનસ્વભાવની સન્મુખ થઈને તેની
પ્રતીત કરતો નથી તેથી જ તે અજ્ઞાનપણે વર્તે છે. સર્વને જાણનારો જે પોતાનો સર્વજ્ઞસ્વભાવ એટલે કે
જ્ઞાયકસ્વભાવ, તેને પોતે જાણતો નથી તેથી જ્ઞાતાદ્રષ્ટાપણાનું પરિણમન ન થતાં અજ્ઞાનને લીધે વિકારનું
પરિણમન થાય છે. જ્ઞાનસ્વભાવની પ્રતીત પછી જ્ઞાનીને અસ્થિરતાના કારણે અમુક રાગાદિ થાય ને જ્ઞાનનું
પરિણમન ઓછું હોય–તેની અહીં મુખ્યતા નથી, કેમકે જ્ઞાનીને જ્ઞાતાદ્રષ્ટાપણાની જ મુખ્યતા છે, જ્ઞાતાદ્રષ્ટિના
પરિણમનમાં રાગનું કર્તાપણું નથી.