Atmadharma magazine - Ank 133
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 55 of 69

background image
: ૪૮ : ‘આત્મધર્મ’ ૨૪૮૧ : કારતક :
જ્ઞાયકસ્વરૂપ અને પર્યાયોનું ક્રમબદ્ધસ્વરૂપ, એ બેમાંથી એકને પણ ન માને તો જ્ઞાન અને જ્ઞેયનો મેળ રહેતો
નથી એટલે કે સમ્યગ્જ્ઞાન થતું નથી. જ્ઞાયકસ્વભાવ અને ક્રમબદ્ધપર્યાય એ બંનેનો નિર્ણય એક સાથે જ થાય છે.
–ક્યારે? કે જ્ઞાનસ્વભાવ તરફ વળે ત્યારે.
[૧૫૫] આ વાત કોને પરિણમે?
હજી તો યથાર્થ ગુરુગમે જેણે આવી વાતનું શ્રવણ પણ કર્યું નથી તે તેનું ગ્રહણ ને ધારણ તો ક્યાંથી કરે?
અને સત્યનું ગ્રહણ અને ધારણ કર્યા વગર જ્ઞાનસ્વભાવસન્મુખ થઈને તેની રુચિનું પરિણમન ક્યાંથી થાય?
અહીં એમ કહેવું છે કે જે હજી તો ઊંધી વાતનું શ્રવણ અને પોષણ કરી રહ્યા છે તેને સત્ય રુચિના પરિણમનની
લાયકાત નથી. જેને અંતરની ઘણી પાત્રતા અને પુરુષાર્થ હોય તેને જ આ વાત પરિણમે તેવી છે.
[૧૫૬] ધર્મનો પુરુષાર્થ.
ઉત્પાદ–વ્યય–ધુ્રવ યુક્તં સત્, અને સત્ તે દ્રવ્યનું લક્ષણ છે; તેમાં પણ ક્રમબદ્ધપર્યાયની વાત સમાઈ જાય
છે, ક્રમબદ્ધપર્યાય વગર ઉત્પાદ–વ્યય બની શકે નહિ. દરેક પર્યાયનો ઉત્પાદ પોતપોતાના કાળે એક સમય પૂરતો
સત્ છે. એકલી પર્યાય ઉપર કે રાગ ઉપર દ્રષ્ટિ રાખીને આ ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય નથી થતો, પણ ધુ્રવ
જ્ઞાયકસ્વભાવ ઉપર દ્રષ્ટિ રાખીને જ ક્રમબદ્ધપર્યાયનો યથાર્થ નિર્ણય થાય છે. ઘણાને એમ પ્રશ્ન થાય છે કે
ક્રમબદ્ધપર્યાયમાં વળી ધર્મનો પુરુષાર્થ કરવાનું ક્યાં રહ્યું? તેને કહે છે કે ભાઈ! સમ્યક્શ્રદ્ધા–જ્ઞાનના અંર્ત
પુરુષાર્થ વગર આ વાત નક્કી જ થતી નથી; ‘હું જ્ઞાયક છું’ એવી દ્રષ્ટિ વગર ક્રમબદ્ધપર્યાયનું જ્ઞાન કરશે કોણ?
જ્ઞાનના નિર્ણય વિના જ્ઞેયનો નિર્ણય થતો જ નથી. જ્ઞાનના નિર્ણય સહિત ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય કરે તો
અનંત પદાર્થોમાં ક્યાંય ફેરફાર કરવાનો અનંતો અહંકાર ઊડી જાય, અને જ્ઞાતાપણે જ રહે.–આમાં જ
મિથ્યાત્વના ને અનંતાનુબંધી કષાયના નાશનો પુરુષાર્થ આવી ગયો. આ જ ધર્મના પુરુષાર્થનું સ્વરૂપ છે, બીજો
કોઈ બહારનો પુરુષાર્થ નથી.
[૧૫૭] ‘ક્રમબદ્ધ’ નો નિર્ણય અને તેનું ફળ.
ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય કોને થાય? અને તેનું ફળ શું?
–જેની બુદ્ધિ જ્ઞાયકભાવમાં એકાગ્ર થઈ છે, અને રાગમાં કે પરનો ફેરફાર કરવાની માન્યતામાં જેની બુદ્ધિ
અટકી નથી તેને જ ક્રમબદ્ધપર્યાયનો યથાર્થ નિર્ણય થયો છે, અને તે નિર્ણયની સાથે તેને પુરુષાર્થ વગેરે પાંચે
સમવાય (પૂર્વોક્ત પ્રકારે) આવી જાય છે. અને, સ્વસન્મુખ થઈને તે નિર્ણય કરતાં જ સમ્યગ્દર્શનાદિ નિર્મળ
પર્યાયોનો ક્રમબદ્ધપ્રવાહ શરૂ થઈ જાય છે–એ જ તેનું ફળ છે. જ્ઞાયકસ્વભાવની દ્રષ્ટિ કહો, ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય
કહો, કે મોક્ષમાર્ગનો પુરુષાર્થ કહો,–ત્રણે એક સાથે જ છે; તેમાંથી એક હોય ને બીજા બે ન હોય–એમ ન બને.
દરેક પદાર્થ સત્ છે, તેનું જે અનાદિઅનંત જીવન છે તેમાં ત્રણકાળની પર્યાયો એક સાથે પ્રગટી જતી નથી
પણ એક પછી એક પ્રગટે છે, અને દરેક સમયની પર્યાય વ્યવસ્થિત ક્રમબદ્ધ છે. આવા વસ્તુસ્વરૂપનો નિર્ણય
કરનારને સર્વજ્ઞના કેવળજ્ઞાનનો નિર્ણય થયો અને પોતાના જ્ઞાનમાં તેવું સર્વજ્ઞતાનું સામર્થ્ય છે–એનો પણ
નિર્ણય થયો. જ્ઞાન–સ્વભાવની સન્મુખતામાં આ બધાનો નિર્ણય એક સાથે થઈ જાય છે. અક્રમ એવા
જ્ઞાયકસ્વભાવી દ્રવ્ય તરફ વળીને તેનો નિર્ણય કરતાં, પર્યાયના ક્રમબદ્ધપણાનો નિર્ણય પણ થઈ જાય છે,
અક્રમરૂપ અખંડદ્રવ્યની દ્રષ્ટિ વગર પર્યાયના ક્રમબદ્ધપણાનું યથાર્થ જ્ઞાન થતું નથી.
ભગવાન! દ્રવ્ય ત્રિકાળી સત્ છે, ને પર્યાય એકેક સમયનું સત્ છે, તે સત્ જેમ છે તેમ જાણવાનો તારો
સ્વભાવ છે, પણ તેમાં ક્યાંય આડુંઅવળું કરવાનો તારો સ્વભાવ નથી. અરે, સત્માં ‘આમ કેમ?’ એવો વિકલ્પ
કરવાનો પણ તારો સ્વભાવ નથી. આવા સ્વભાવની પ્રતીત કરતાં મોક્ષમાર્ગની શરૂઆત થઈ જાય છે, ને તેમાં
મોક્ષમાર્ગના પાંચે સમવાય એક સાથે આવી જાય છે.
[૧૫૮] આ છે સંતોનું હાર્દ
એક તરફ એકલો જ્ઞાયકસ્વભાવ, ને બીજી તરફ ક્રમબદ્ધપર્યાય,–એનો યથાર્થ નિર્ણય કરવામાં બધું આવી
જાય છે, તે મૂળ વસ્તુ ધર્મ છે, તે કેવળીભગવાનનું પેટ છે, સંતોનું હાર્દ છે, શાસ્ત્રોનો મર્મ છે, વિશ્વનું દર્શન છે,
અને મોક્ષમાર્ગનું કર્તવ્ય કેમ થાય તેની આ રીત છે.