: કારતક : ૨૪૮૧ ‘આત્મધર્મ’ : ૫૧ :
જેવો પદાર્થ છે તેવી જ તેની શ્રદ્ધા કરે, અને જેવી શ્રદ્ધા છે તેવો જ પદાર્થ હોય,–તો તે શ્રદ્ધા સાચી છે; એ
જ પ્રમાણે જેવો પદાર્થ છે તેવું જ તેનું જ્ઞાન કરે, અને જેવું જ્ઞાન છે તેવો જ પદાર્થ હોય,–તો તે જ્ઞાન સાચું છે.
“આત્મા જ્ઞાયકસ્વરૂપ છે, જ્ઞાયકપણું તે જ જીવતત્ત્વનું ખરું સ્વરૂપ છે; ને પદાર્થો ક્રમબદ્ધપર્યાયપણે
સ્વયં પરિણમનારા છે, આ ‘જ્ઞાયક’ પોતાના જ્ઞાન સહિત તેમનો જ્ઞાતા છે, પણ તે કોઈના ક્રમને ફેરવીને
આઘુંપાછું કરનાર નથી”– આવા વસ્તુ સ્વરૂપની શ્રદ્ધા અને જ્ઞાન કરે તો તે શ્રદ્ધા–જ્ઞાન સાચા થાય, એટલે
હિત અને ધર્મ થાય.
[૧૬૮] મિથ્યા શ્રદ્ધા–જ્ઞાનનો વિષય જગતમાં નથી.
–પણ કોઈ એમ માને કે ‘હું કર્તા થઈને પરની અવસ્થાને ફેરવી દઉં, એટલે કે મારે પર સાથે
કાર્યકારણપણું છે’–તો તેની માન્યતા મિથ્યા છે, કેમ કે તેની માન્યતા પ્રમાણે વસ્તુસ્વરૂપ જગતમાં નથી. મિથ્યા
શ્રદ્ધાનો (તેમજ મિથ્યા જ્ઞાનનો) વિષય જગતમાં નથી. જેમ જગતમાં ‘ગધેડાનું શીંગડું’ એ કોઈ વસ્તુ જ નથી,
તેથી ‘ગધેડાનું શીંગડું’ એવી શ્રદ્ધા કે જ્ઞાન તે મિથ્યા જ છે. તેમ ‘પર સાથે કાર્યકારણપણું હોય’ એવી કોઈ વસ્તુ
જ જગતમાં નથી, છતાં ‘હું પરનું કરું– એમ પર સાથે કાર્ય–કારણપણું’ જે માને છે તેની શ્રદ્ધા અને જ્ઞાન મિથ્યા
જ છે; કેમ કે તેની માન્યતા પ્રમાણે કોઈ વિષય જગતમાં નથી. અહીં એમ ન સમજવું કે–જેમ ‘ગધેડાનું શીંગડું’
અથવા તો ‘પર સાથે કાર્યકારણપણું’ જગતમાં નથી તેમ મિથ્યાશ્રદ્ધા પણ નથી. મિથ્યાશ્રદ્ધા–જ્ઞાન તો અજ્ઞાનીની
પર્યાયમાં છે, પણ તેની શ્રદ્ધા પ્રમાણે વસ્તુસ્વરૂપ જગતમાં નથી. અજ્ઞાનીની પર્યાયમાં મિથ્યાશ્રદ્ધા તો ‘સત્’ છે,
પણ તેનો વિષય ‘અસત્’ છે અર્થાત્ તેનો કોઈ વિષય જગતમાં નથી.
જુઓ, અહીં કહ્યું કે ‘મિથ્યાશ્રદ્ધા સત્ છે’ એટલે શું?–કે જગતમાં મિથ્યાશ્રદ્ધાનું હોવાપણું (–સત્પણું)
છે, મિથ્યાશ્રદ્ધા છે જ નહિ–એમ નથી; પણ તે મિથ્યાશ્રદ્ધાના અભિપ્રાય પ્રમાણે કોઈ વસ્તુ જગતમાં નથી. જો તે
શ્રદ્ધા પ્રમાણે વસ્તુનું સ્વરૂપ ન હોય તો તેને મિથ્યાશ્રદ્ધા ન કહેવાય.
[૧૬૯] આમાં શું કરવાનું આવ્યું?
અહીં એક વાત ચાલે છે કે આત્માનું જ્ઞાયકપણું અને બધી વસ્તુની પર્યાયોનું ક્રમબદ્ધપણું માન્યા વગર
શ્રદ્ધા–જ્ઞાન સાચા થતા નથી, ને સાચા શ્રદ્ધા–જ્ઞાન વગર હિત કે ધર્મ થતો નથી.
કોઈ પૂછે કે–આમાં શું કરવાનું આવ્યું? તો તેનો ઉત્તર એ છે કે–પહેલા પરનું કર્તાપણું માનીને વિકારમાં
એકાગ્ર થતો હતો, તેને બદલે હવે જ્ઞાનસ્વભાવમાં એકાગ્રતા કરીને જ્ઞાતા–દ્રષ્ટા રહ્યો. તે જ્ઞાતાદ્રષ્ટાપણામાં
અતીન્દ્રિયઆનંદનું વેદન, સ્વભાવનો પુરુષાર્થ વગેરે પણ ભેગું જ છે.
[૧૭૦] જ્ઞાયકસન્મુખ દ્રષ્ટિનું પરિણમન, એ જ સમ્યક્ત્વનો પુરુષાર્થ.
જ્ઞાયકસ્વભાવનો નિર્ણય કરીને જેણે ક્રમદ્ધપર્યાય માની તેને સ્વસન્મુખ પુરુષાર્થ પણ ભેગો જ આવી
ગયો છે. જ્ઞાયકસ્વભાવ સન્મુખ જે પરિણમન થયું તેમાં પુરુષાર્થ કાંઈ જુદો રહી જતો નથી, પુરુષાર્થ પણ ભેગો
જ પરિણમે છે. જ્ઞાયકસ્વભાવની દ્રષ્ટિ, ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય, સ્વસન્મુખ પુરુષાર્થ, કે સમ્યગ્દર્શન–એ બધા
કાંઈ જુદા જુદા નથી, પણ એક જ છે. એટલે કોઈ એમ કહે કે “અમે જ્ઞાયકનો ને ક્રમબદ્ધનો નિર્ણય તો કર્યો,
પણ હજી સમ્યગ્દર્શનનો પુરુષાર્થ કરવાનો બાકી રહ્યો છે” તો એનો નિર્ણય સાચો નથી; કેમકે જો
જ્ઞાયકસ્વભાવનો ને ક્રમબદ્ધપર્યાયનો યથાર્થ નિર્ણય હોય તો સમ્યગ્દર્શનનો પુરુષાર્થ તેમાં આવી જ જાય છે.
[૧૭૧] જ્ઞાયકસ્વભાવના આશ્રયે જ નિર્મળપર્યાયનો પ્રવાહ.
સ્વસન્મુખ પુરુષાર્થ વડે જ્ઞાયકસ્વભાવનો આશ્રય કરતાં સમ્યગ્દર્શન થાય, છતાં તે ક્રમબદ્ધ છે.
જ્ઞાયકસ્વભાવનો આશ્રય કરતાં મુનિદશા થાય, છતાં તે ક્રમબદ્ધ છે.
જ્ઞાયકસ્વભાવનો આશ્રય કરતાં શુક્લધ્યાન થાય, છતાં તે ક્રમબદ્ધ છે.
જ્ઞાયકસ્વભાવનો આશ્રય કરતાં કેવળજ્ઞાન અને મોક્ષદશા થાય, છતાં તે પણ ક્રમબદ્ધ છે.