Atmadharma magazine - Ank 134-135
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 10 of 45

background image
: માગસર–પોષ : ૨૪૮૧ : આત્મધર્મ : ૭૧ :
() ‘सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः।
() तत्त्वार्थश्रद्धानं सम्यग्दर्शनम्। અને
() जीवाजीवास्रवबंधसंवरनिर्जरामोक्षास्तत्त्वम्।
––એમ મોક્ષશાસ્ત્રમાં ઉમાસ્વામી મહારાજે કહ્યું છે, ત્યાં આવા જ્ઞાયકભાવપણે ઊપજતા જીવદ્રવ્યને
ઓળખે તો જીવતત્ત્વની સાચી પ્રતીત છે. આવા જીવતત્ત્વની પ્રતીત વગર તત્ત્વાર્થશ્રદ્ધાનરૂપ સમ્યગ્દર્શન, કે
મોક્ષમાર્ગની શરૂઆત થતી નથી.
[૨૨] નિમિત્ત અકિંચિત્કર હોવા છતાં, સતમાં સત્ જ નિમિત્ત હોય.
હજી તો સાત તત્ત્વોમાંથી જીવતત્ત્વ કેવું છે તેની આ વાત છે. આવા જીવને ઓળખે તો સાચી શ્રદ્ધા થાય,
ને ત્યાર પછી જ શ્રાવકપણું કે મુનિપણું હોય. વસ્તુનું સ્વરૂપ તો આવું છે, તેમાં કાંઈ બીજું થાય તેમ નથી. પોતે
અંદર પાત્ર થઈને સમજે તો પકડાય તેવું છે; બીજા કોઈ આપી દ્યે કે સમજાવી દ્યે––એમ નથી. જો બીજો આપે તો
વળી ત્રીજો કોઈ આવીને લૂંટી લ્યે! પણ એમ બનતું નથી. આમ છતાં, ––એટલે કે નિમિત્ત અકિંચિત્કર હોવા
છતાં, સમ્યગ્જ્ઞાન પામનારને નિમિત્ત કેવું હોય તે જાણવું જોઈએ. આત્માનું અપૂર્વ જ્ઞાન પામનાર જીવને સામે
નિમિત્ત તરીકે પણ જ્ઞાની જ હોય. ત્યાં, સમ્યગ્જ્ઞાનરૂપે પરિણમેલો સામા જ્ઞાનીનો આત્મા તે ‘અંતરંગ નિમિત્ત’
છે અને તે જ્ઞાનીની વાણી બાહ્યનિમિત્ત છે. એ રીતે સમ્યગ્જ્ઞાન પામવામાં જ્ઞાની જ નિમિત્ત હોય છે, અજ્ઞાની
નિમિત્ત ન હોય, તેમ જ એકલી જડવાણી પણ નિમિત્ત ન હોય. ––આ વાત નિયમસારની પ૩મી ગાથાના
વ્યાખ્યાનમાં બહુ સ્પષ્ટપણે કહેવાઈ ગઈ છે. (જુઓ, આત્મધર્મ–ગુજરાતી અંક ૯૯) સતમાં કેવું નિમિત્ત હોય તે
ન ઓળખે તો અજ્ઞાની–મૂઢ છે, ને નિમિત્ત કાંઈ કરી દ્યે એમ માને તો તે પણ મૂઢ મિથ્યાદ્રષ્ટિ છે.
[૨૩] આત્મહિતને માટે ભેદજ્ઞાનની સીધી સાદી વાત.
જુઓ, આ તો સીધી સાદી વાત છે કે દરેક દ્રવ્ય પોતે જ પોતાની ક્રમબદ્ધપર્યાયપણે પરિણમે છે, તો બીજો
તેમાં શું કરે? એ ઉપરાંત અહીં તો એમ સમજાવવું છે કે ભગવાન આત્મા જ્ઞાયક છે, તે ક્રમબદ્ધ પોતાના
જ્ઞાયકભાવપણે ઉપજતો થકો જ્ઞાયકભાવની જ રચના કરે છે, રાગપણે ઊપજે કે રાગને રચે–એવું જીવતત્ત્વનું
ખરું સ્વરૂપ નથી, તે તો આસ્રવ અને બંધતત્ત્વમાં જાય છે. અંતરમાં રાગ અને જીવનું પણ ભેદજ્ઞાન કરવાની
આ વાત છે. નિમિત્ત કાંઈ કરે–એમ માનનારને તો હજી બહારનું ભેદજ્ઞાન પણ નથી–પરથી ભિન્નતાનું જ્ઞાન પણ
નથી, તો પછી ‘જ્ઞાયકભાવ તે રાગનો કર્તા નથી’ એવું અંતરનું (જ્ઞાન અને રાગ વચ્ચેનું) ભેદજ્ઞાન તો તેને
ક્યાંથી હોય? પણ જેને ધર્મ કરવો હોય–આત્માનું કંઈ પણ હિત કરવું હોય તેણે બીજું બધું એકકોર મૂકીને આ
સમજવું પડશે. ભાઈ! તારા ચૈતન્યનો પ્રકાશક સ્વભાવ છે, તે નવી નવી ક્રમબદ્ધપર્યાયે ઊપજતો થકો,
જ્ઞાયકસ્વભાવના ભાનપૂર્વક રાગાદિને કે નિમિત્તોને પણ જ્ઞાતાપણે જાણે જ છે, જ્ઞાતાપણે ઊપજે છે પણ રાગના
કર્તાપણે ઊપજતો નથી.
જીવ રાગના કર્તાપણે નથી ઊપજતો, –તો શું તે કૂટસ્થ છે? ––ના; તે પોતાના જ્ઞાતાભાવપણે ઊપજે છે,
તેથી કૂટસ્થ નથી. અહીં તો કહ્યું કે ‘જીવ ઊપજે છે’ ––એટલે કે દ્રવ્ય પોતે પરિણમતું થકું પોતાની પર્યાયને દ્રવે
છે, દ્રવ્ય પોતે પોતાની ક્રમબદ્ધપર્યાયરૂપે પરિણમે છે, તે કૂટસ્થ નથી તેમ બીજો તેનો પરિણમાવનાર નથી.
[૨૪] હે જ્ઞાયકચિદાનંદ પ્રભુ! તારા જ્ઞાયકતત્ત્વને લક્ષમાં લે.
સર્વજ્ઞદેવ, કુંદકુંદાચાર્ય–અમૃતચંદ્રાચાર્ય વગેરે સંતો, અને શાસ્ત્રો આમ કહે છે કે જ્ઞાયકસ્વરૂપી જીવ
રાગાદિનો અકર્તા છે. અરે ભાઈ! તું આવા જીવતત્ત્વને માને છે કે નહિ? –કે પછી નિમિત્તને અને રાગને જ
માને છે? નિમિત્તને અને રાગને પૃથક રાખીને જ્ઞાયકતત્ત્વને લક્ષમાં લે, નિમિત્તને ઉપજાવનાર કે રાગપણે
ઊપજનાર હું નથી, હું તો જ્ઞાયકપણે જ ઊપજું છું એટલે હું જ્ઞાયક જ છું––એમ અનુભવ કર, તો તને સાત
તત્ત્વોમાંથી પહેલાં જીવતત્ત્વની સાચી પ્રતીત થઈ કહેવાય, અને તો જ તેં દેવ–ગુરુ–શાસ્ત્રને ખરેખર માન્યા
કહેવાય.
હે જ્ઞાયકચિદાનંદપ્રભુ! સ્વસન્મુખ થઈને સમયે સમયે જ્ઞાતાભાવપણે ઊપજવું તે તારું સ્વરૂપ છે; આવા
તારા જ્ઞાયકતત્ત્વને લક્ષમાં લે.