Atmadharma magazine - Ank 134-135
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 11 of 45

background image
: ૭૨ : આત્મધર્મ : માગસર–પોષ : ૨૪૮૧ :
[૨પ] અરે મૂરખ! એકાંતની વાત એક કોર મૂકીને આ સમજ!
આ વાત સાંભળતાં, ‘અરે! એકાંત થઈ જાય છે... રે... એકાંત થઈ જાય છે! ’ એમ ઘણાં અજ્ઞાનીઓ
પોકારે છે. ––પણ અરે મૂરખ! તારી એ વાત એક કોર મૂકીને આ સમજ ને! આ સમજવાથી, રાગ ને જ્ઞાન
એકમેક છે એવું તારું અનાદિનું મિથ્યા એકાંત ટળી જશે, ને જ્ઞાયક સાથે જ્ઞાનની એકતારૂપ સમ્યક્ એકાંત
થશે; તે જ્ઞાનની સાથે સમ્યક્શ્રદ્ધા, આનંદ, પુરુષાર્થ વગેરે અનંત ગુણોનું પરિણમન પણ ભેગું જ છે, તેથી
અનેકાન્ત છે.
[૨૬] સમકીતિને રાગ છે કે નથી?
અંર્તસ્વભાવના અવલંબને સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન થયા તેની સાથે ચારિત્રનો અંશ પણ ઉઘડ્યો
છે, ––સ્વરૂપાચરણચારિત્ર પ્રગટી ગયું છે. કોઈને એમ શંકા થાય કે ‘સમ્યગ્દર્શન થતાં તેની સાથે પૂરું ચારિત્ર કેમ
ન થયું?’ ––તો તેને જ્ઞાન–ચારિત્ર વગેરેના ભિન્નભિન્ન ક્રમબદ્ધપરિણમનની ખબર નથી. ક્રમબદ્ધ પરિણમનમાં
કાંઈ એવો નિયમ નથી કે સમ્યક્શ્રદ્ધા–જ્ઞાન થતાં તે ક્ષણે જ પૂરું ચારિત્ર પણ પ્રગટી જ જાય. અરે, ક્ષાયિક
સમ્યગ્દર્શન થયા પછી લાખો–કરોડો વર્ષો સુધી શ્રાવકપણું કે મુનિપણું (અર્થાત્ પાંચમું કે છઠ્ઠું–સાતમું
ગુણસ્થાન) ન આવે, અને કોઈને સમ્યગ્દર્શન થતાં અંતમુહૂર્તમાં જ મુનિદશા–ક્ષપકશ્રેણી ને કેવળજ્ઞાન થઈ જાય.
છતાં, સમકીતિ ચોથા ગુણસ્થાને પણ રાગના જ્ઞાતા જ છે, અહીં પોતાના સ્વ–પરપ્રકાશક જ્ઞાનનું તેવું જ સામર્થ્ય
છે, –એમ જ્ઞાનસામર્થ્યની પ્રતીતના જોરે જ્ઞાની તે તે વખતના રાગને પણ જ્ઞેય બનાવી દ્યે છે. જ્ઞાયકસ્વભાવની
અધિકતા તેની દ્રષ્ટિમાંથી એક ક્ષણ પણ ખસતી નથી, જ્ઞાયકની દ્રષ્ટિમાં તે જ્ઞાતાભાવપણે જ ઊપજે છે, રાગમાં
તન્મયપણે ઊપજતો નથી. આ રીતે, ક્રમબદ્ધપર્યાયમાં જ્ઞાનીને રાગની પ્રધાનતા નથી, જ્ઞાતાપણાની જ પ્રધાનતા
છે. રાગ વખતે, ‘હું આ રાગપણે ઊપજું છું’ એવી જેની દ્રષ્ટિ છે ને જ્ઞાયકની દ્રષ્ટિ નથી તે ખરેખર
ક્રમબદ્ધપર્યાયનું વાસ્તવિકસ્વરૂપ સમજ્યો જ નથી.
[૨૭] ક્રમબદ્ધપર્યાયનો સાચો નિર્ણય ક્યારે થાય?
‘ક્રમબદ્ધપર્યાયમાં અમારે મિથ્યાત્વ આવવાનું હશે તો! ’ ––એમ શંકા કરનારને ક્રમબદ્ધપર્યાયનો ખરો
નિર્ણય થયો જ નથી. સાંભળ રે સાંભળ, અરે મૂઢ! તેં ક્રમબદ્ધપર્યાય કોની સામે જોઈને માની! તારા જ્ઞાયક દ્રવ્ય
સામે જોઈને માની, કે પરની સામે જોઈને? જ્ઞાયક દ્રવ્યની સન્મુખ થઈને ક્રમબદ્ધની પ્રતીત કરી તેને તો મિથ્યાત્વ
હોય જ નહિ. અને જો એકલા પરની સામે જોઈને તું ક્રમબદ્ધની વાત કરતો હો તો તારો ક્રમબદ્ધનો નિર્ણય જ
ખોટો છે. તારી ક્રમબદ્ધપર્યાયપણે કોણ ઊપજે છે? –જીવ; જીવ કેવો? ––કે જ્ઞાયકસ્વભાવી; તો આવા જીવતત્ત્વને
તેં લક્ષમાં લીધું છે? જો આવા જ્ઞાયકસ્વભાવી જીવતત્ત્વને જાણીને ક્રમબદ્ધપર્યાય માને તો તો જ્ઞાતાપણાની જ
ક્રમબદ્ધપર્યાય થાય, ને મિથ્યાત્વ થાય જ નહિ; મિથ્યાત્વપણે ઊપજે એવો જ્ઞાયકનો સ્વભાવ નથી.
[૨૮] જ્ઞાની રાગના અકર્તા છે; ‘જેની મુખ્યતા તેનો જ કર્તા. ’
પ્રશ્ન:– જ્ઞાયકસ્વભાવની દ્રષ્ટિ થયા પછી પણ જ્ઞાનીને રાગ તો થાય છે?
ઉત્તર:– તે રાગ જ્ઞાતાનું કાર્ય નથી પણ જ્ઞાતાનું જ્ઞેય છે. જ્ઞાયકસ્વભાવ તે પરમાર્થજ્ઞેય છે ને રાગ તે
વ્યવહાર જ્ઞેય છે. જ્ઞાતાના પરિણમનમાં તો જ્ઞાનની જ મુખ્યતા છે, રાગની મુખ્યતા નથી. અને જેની મુખ્યતા છે
તેનો જ કર્તા–ભોક્તા છે. વળી, ‘વ્યવહાર છે માટે પરમાર્થ છે’ ––એમ પણ નથી, રાગ છે માટે તેનું જ્ઞાન થાય
છે––એમ નથી. જ્ઞાયકના અવલંબને જ એવા સ્વ–પરપ્રકાશક જ્ઞાનનું પરિણમન થયું છે, રાગ કાંઈ જ્ઞાયકના
અવલંબનમાંથી થયો નથી; માટે જ્ઞાની તેનો અકર્તા છે.
[૨૯] ક્રમબદ્ધપર્યાય સમજવા જેટલી પાત્રતા ક્યારે?
પ્રશ્ન:– આપ કહો છો એવા જ્ઞાયકસ્વરૂપ જીવને તેમ જ ક્રમબદ્ધપર્યાયને અમે માનીએ, અને સાથે સાથે
કુદેવ–કુગુરુ–કુશાસ્ત્રને પણ માનીએ, તો શુ વાંધો?
ઉત્તર:– અરે સ્વછંદી! તારા કુદેવ–કુગુરુ–કુશાસ્ત્ર પાસે આ વાતની ગંધ પણ નથી, તો તેની પાસેથી
તારામાં ક્યાંથી આવ્યું? કોઈક પાસેથી ધારણા કરી––ચોરી કરી––ને આ વાતના નામે તારે તારા માનને પોષવું
છે, તે મોટો સ્વછંદ છે. જેને જ્ઞાયકસ્વભાવ ને ક્રમબદ્ધપર્યાય સમજવા જેટલી પાત્રતા થઈ હોય તે જીવને કુદેવ–