Atmadharma magazine - Ank 134-135
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 12 of 45

background image
: માગસર–પોષ : ૨૪૮૧ : આત્મધર્મ : ૭૩ :
કુગુરુ–કુશાસ્ત્રનું સેવન હોય જ નહિ. કો’ કના શબ્દો લઈને ગોખી લ્યે–એમ કાંઈ ચાલે તેવું નથી. બધા પ્રકારની
પાત્રતા હોય ત્યારે આ વાત સમજાય તેવી છે.
[૩૦] ભગવાન! તું કોણ? ને તારા પરિણામ કોણ?
જ્ઞાની પોતાના જ્ઞાયકભાવની ક્રમબદ્ધપર્યાયે ઊપજતો થકો જીવ જ છે, અજીવ નથી. જ્ઞાયકભાવ સિવાય
રાગ તે પણ ખરેખર જીવ નથી, જ્ઞાની તે રાગપણે ઊપજતો નથી. કર્મ તે જીવ નથી, શરીર તે જીવ નથી, તેથી
જ્ઞાયકપણે ઊપજતો જીવ તે કર્મ–શરીર વગેરેનો નિમિત્તકર્તા પણ નથી; જ્ઞાયક તો જ્ઞાયક જ છે, જ્ઞાયકભાવપણે
જ તે ઊપજે છે. –આવું જીવનું સ્વરૂપ છે.
• ભગવાન! તું કોણ? ને
તારા પરિણામ કોણ? તેને ઓળખ.
• તું જીવ! જ્ઞાયક! અને
જ્ઞાયકના આશ્રયે દર્શન–જ્ઞાન–ચારિત્રની જે
નિર્મળ પર્યાય ઉપજી તે તારા પરિણામ!
––આવા નિર્મળ ક્રમબદ્ધ પરિણામપણે ઊપજવાનો તારો સ્વભાવ છે; પણ વિકારનો કર્તા થઈને પરને
ઉપજાવે કે પર નિમિત્તે પોતે ઊપજે–એવો તારો સ્વભાવ નથી. એકવાર તારી પર્યાયને અંતરમાં વાળ, તો
જ્ઞાયકના આશ્રયે તારી ક્રમબદ્ધપર્યાયમાં નિર્મળ પરિણમન થાય.
[૩૧] જ્ઞાનીની દશા.
જ્ઞાયકસ્વભાવસન્મુખ થઈને જે ક્રમબદ્ધપર્યાયનો જ્ઞાતા થયો છે એવા જ્ઞાનીને પ્રમાદ પણ નથી હોતો ને
આકુળતા પણ નથી હોતી; કેમકે (૧) જ્ઞાનસ્વભાવની સન્મુખતા કોઈ પણ સમયે ટળતી નથી એટલે પ્રમાદ થતો
નથી, દ્રષ્ટિના જોરે સ્વભાવના અવલંબનનો પ્રયત્ન ચાલુ જ છે; અને (૨) ક્રમ ફેરવવાની બુદ્ધિ નથી એટલે
ઉતાવળ પણ નથી, ––પર્યાયબુદ્ધિની આકુળતા નથી, પણ ધીરજ છે જ્ઞાયક સ્વભાવનું જ અવલંબન કરીને
પરિણમે છે, તેમાં પ્રમાદ પણ કેવો ને આકુળતા પણ કેવી?
[૩૨] ‘અકિંચિત્કર હોય તો, –નિમિત્તની ઉપયોગિતા શું? ’ –અજ્ઞાનીનો પ્રશ્ન.
જેને જ્ઞાયકની દ્રષ્ટિ નથી ને ક્રમ ફેરવવાની બુદ્ધિ છે તે પણ મિથ્યાદ્રષ્ટિ છે; તો પછી નિમિત્ત આવીને
પર્યાય ફેરવી દ્યે––એ માન્યતા તો ક્યાં રહી?
પ્રશ્ન:– જો નિમિત્ત કાંઈ કરતું ન હોય તો તેની ઉપયોગિતા શું છે?
ઉત્તર:– ભાઈ, આત્મામાં પરની ઉપયોગિતા છે જ ક્યાં? ઉપયોગિતા તો ઉપયોગસ્વરૂપ આત્માની જ છે,
નિમિત્તની ઉપયોગિતા નિમિત્તમાં છે, પણ આત્મામાં તેની ઉપયોગિતા નથી. ‘આત્મામાં નિમિત્તની ઉપયોગિતા
નથી’ ––એમ માનવાથી કાંઈ જગતમાંથી નિમિત્તના અસ્તિત્વનો લોપ થઈ જતો નથી, તે જ્ઞાનનું જ્ઞેય છે.
જગતમાં જ્ઞેયપણે તો ત્રણકાળ ત્રણલોક છે, તેથી કાંઈ આત્મામાં તેની ઉપયોગિતા થઈ ગઈ? અજ્ઞાનીઓ એમ
કહે છે કે “નિમિત્તની ઉપયોગિતા માનો એટલે કે નિમિત્ત કંઈક કરી દ્યે એમ માનો, તો તમે નિમિત્તને માન્યું
કહેવાય.” પણ ભાઈ! નિમિત્તને નિમિત્તમાં જ રાખ; આત્મામાં નિમિત્તની ઉપયોગિતા નથી–એમ માનવામાં જ
નિમિત્તનું નિમિત્તપણું રહે છે. પણ નિમિત્ત ઉપયોગી થઈને આત્મામાં કાંઈ કરી દ્યે–એમ માનતાં નિમિત્ત
નિમિત્તપણે નથી રહેતું, પણ ઉપાદાન–નિમિત્તની એકતા થઈ જાય છે, એટલે કે મિથ્યાત્વ થઈ જાય છે. માટે
નિમિત્તનું અસ્તિત્વ જેમ છે તેમ જાણવું જોઈએ. પણ, જેને શુદ્ધ ઉપાદાનરૂપ જ્ઞાયકસ્વભાવની દ્રષ્ટિ નથી ને
એકલા નિમિત્તને જાણવા જાય છે તેને નિમિત્તનું યથાર્થ જ્ઞાન થતું નથી, કેમકે સ્વ–પરપ્રકાશક સમ્યગ્જ્ઞાન જ તેને
ખીલ્યું નથી.