Atmadharma magazine - Ank 134-135
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 20 of 45

background image
: માગસર–પોષ : ૨૪૮૧ : આત્મધર્મ : ૮૧ :
જ્ઞાયકદ્રષ્ટિ છૂટતી નથી, જ્ઞાયકદ્રષ્ટિમાં તે નિર્મળ જ્ઞાનપર્યાયે જ ઊપજે છે.
[પપ] જ્ઞાની જ્ઞાતા રહે છે, અજ્ઞાની રાગનો કર્તા થાય છે, ને પરને ફેરવવા માંગે છે.
હું જ્ઞાયક છું–એવી દ્રષ્ટિ કરીને જ્ઞાતાપણે ન રહેતાં અજ્ઞાની રાગાદિનો કર્તા થઈને પરના ક્રમને ફેરવવા
જાય છે. એને હજી રાગને કરવો છે ને પરને ફેરવવું છે, પણ જ્ઞાતાપણે નથી રહેવું, તેને જ્ઞાતાપણું નથી ગોઠતું
એટલે જ્ઞાન ઉપર ક્રોધ છે; તેમજ પરના ક્રમબદ્ધપરિણમન ઉપર (એટલે કે વસ્તુના સ્વભાવ ઉપર) દ્વેષ છે તેથી
તેના ક્રમને ફેરવવા માંગે છે, –આ મિથ્યાદ્રષ્ટિના અનંત રાગ–દ્વેષ છે. અમુક વખતે અમુક પ્રકારનો રાગ પલટીને
તેને બદલે આવો જ રાગ કરું––એમ જે હઠ કરીને રાગને ફેરવવા માંગે છે તેને પણ રાગ સાથે એકત્વબુદ્ધિથી
મિથ્યાત્વ થાય છે. સાધક, ભૂમિકાઅનુસાર રાગ હોય તેને જાણે છે, તે રાગને જ્ઞાનનું જ્ઞેય બનાવી દે છે, પણ
તેને જ્ઞાનનું કાર્ય નથી બનાવતા, તેમજ રાગ થતાં જ્ઞાનમાં શંકા પણ નથી પડતી. હઠપૂર્વક રાગને ફેરવવા જાય
તો તેને તે વખતના (––રાગને પણ જાણનારા) સ્વ–પરપ્રકાશક જ્ઞાનની પ્રતીત નથી એટલે જ્ઞાન ઉપર જ દ્વેષ
છે. જ્ઞાની તો જ્ઞાયકદ્રષ્ટિના જોરમાં જ્ઞાતાપણે જ ઊપજે છે, રાગપણે ઊપજતા નથી; રાગના ય જ્ઞાતાપણે ઊપજે
છે પણ રાગના કર્તાપણે નથી ઊપજતા. સમ્યગ્દ્રષ્ટિનું આવું કાર્ય છે. અજ્ઞાની તો જ્ઞાયકસ્વભાવની પ્રતીત ન
રાખતાં, પર્યાયમૂઢ થઈને પર્યાય ને ફેરવવા માંગે છે, અથવા પરજ્ઞેયોને લીધે જ્ઞાન માને છે, એટલે તે જ્ઞેયોને
જાણતાં તેમાં જ રાગ–દ્વેષ કરીને અટકી જાય છે, પણ આમ જ્ઞાયકસ્વભાવ તરફ વળતો નથી.
[પ૬] જૈનના લેબાસમાં બૌદ્ધ.
બૌદ્ધમતિ એમ કહે છે કે ‘જ્ઞેયોને લીધે જ્ઞાન થાય છે; સામે ઘડો હોય તો અહીં ઘડાનું જ જ્ઞાન થાય છે;
ઘડા વખતે ઘડાનું જ જ્ઞાન થાય છે પણ ‘આ હાથી છે’ એમ નથી જણાતું, માટે જ્ઞેયને લીધે જ જ્ઞાન થાય છે.’ –
–પણ તેમની એ વાત મિથ્યા છે. જ્ઞેયોને લીધે જ્ઞાન નથી થતું પણ સામાન્યજ્ઞાન પોતે વિશેષજ્ઞાનપણે પરિણમીને
જાણે છે એટલે જ્ઞાનની પોતાની જ તેવી યોગ્યતાથી ઘડા વગેરેનું જ્ઞાન થાય છે; તે જ્ઞાન વખતે ઘડો વગેરે જ્ઞેયો
તો માત્ર નિમિત્ત છે. ––એમ યુક્તિપૂર્વક સિદ્ધ કરીને, અકલંક આચાર્ય વગેરે મહાન સંતોએ, ‘જ્ઞેયોને લીધે જ્ઞાન
થાય’ એ વાત ઊડાડી દીધી છે. તેને બદલે આજે જૈન નામ ધરાવનારા કેટલાક વિદ્વાનો પણ એમ માને છે કે
‘નિમિત્તને લીધે જ્ઞાન થાય છે, નિમિત્તને લીધે કાર્ય થાય છે’ ––તો એ પણ બૌદ્ધમતિ જેવા જ મિથ્યાદ્રષ્ટિ ઠર્યા;
બૌદ્ધના ને એના અભિપ્રાયમાં કાંઈ ફેર ન રહ્યો.
વળી, જેમ જ્ઞેયને લીધે જ્ઞાન નથી, તેમ જ્ઞાનને લીધે જ્ઞેયની અવસ્થા થાય–એમ પણ નથી. જેમ જ્ઞેયને
લીધે જ્ઞાન થવાનું બૌદ્ધ કહે છે, તેમ જૈનમાં પણ જો કોઈ એમ માને કે “જ્ઞાનને લીધે જ્ઞેયની અવસ્થા થાય છે, –
–જીવ છે માટે ઘડો થાય છે, જીવ છે માટે શરીર ચાલે છે, જીવ છે માટે ભાષા બોલાય છે” ––તો એ માન્યતા પણ
મિથ્યા છે. જ્ઞાન અને જ્ઞેય બંનેની અવસ્થા ક્રમબદ્ધ સ્વતંત્રપણે પોતપોતાથી જ થાય છે.
વળી, રાગ તે પણ જ્ઞાતાનું વ્યવહારે જ્ઞેય છે. જેમ જ્ઞેયને લીધે જ્ઞાન કે જ્ઞાનને લીધે જ્ઞેય નથી, તેમ
રાગને લીધે જ્ઞાન, કે જ્ઞાનને લીધે રાગ––એમ પણ નથી. રાગ હોય ત્યાં જ્ઞાનમાં પણ રાગ જ જણાય, ત્યાં
અજ્ઞાનીને એવો ભ્રમ થઈ જાય છે કે આ રાગ છે માટે તેને લઈને રાગનું જ્ઞાન થાય છે, એટલે રાગથી જુદું––
રાગના અવલંબન વગરનું–જ્ઞાન તેને ભાસતું નથી. હું જ્ઞાયક છું ને મારા જ્ઞાયકના પરિણમનમાંથી આ જ્ઞાનનો
પ્રવાહ આવે છે એવી પ્રતીતમાં જ્ઞાની રાગનો પણ જ્ઞાતા જ રહે છે.
[પ૭] સાચું સમજનાર જીવનો વિવેક કેવો હોય?
પ્રશ્ન:– દરેક વસ્તુની ક્રમબદ્ધપર્યાય પોતપોતાથી જ થાય છે––આવી ક્રમબદ્ધપર્યાયની વાત સાંભળશે તો
લોકો દેવ–ગુરુ–શાસ્ત્રનું બહુમાન છોડી દેશે, ને જિનમંદિર વગેરે નહિ કરાવે?
ઉત્તર:– અરે ભાઈ! આ સમજશે તેને જ સમજાવનારનું સાચું બહુમાન આવશે. નિશ્ચયથી પોતાના
જ્ઞાયકસ્વભાવને જાણ્યો ત્યારે ક્રમબદ્ધપર્યાયનું જ્ઞાન સાચું થયું. જ્ઞાયકસ્વભાવની સન્મુખ થઈને ક્રમબદ્ધપર્યાયની
અપૂર્વ વાત જે સમજ્યો તેને તે વાત સમજાવનારા વીતરાગી દેવ–ગુરુ–શાસ્ત્ર પ્રત્યે ભક્તિનો ભાવ આવ્યા વિના
રહેશે નહિ. ‘હું જ્ઞાયક છું’ એવી જ્ઞાયકની શ્રદ્ધા કરીને જે ક્રમબદ્ધપર્યાયને જાણશે તે પોતાની ભૂમિકાના રાગને
પણ જાણશે.