Atmadharma magazine - Ank 134-135
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 24 of 45

background image
: માગસર–પોષ : ૨૪૮૧ : આત્મધર્મ : ૮૫ :
તત્ત્વોની શ્રદ્ધા પણ આવી ગઈ.
(પ–૬) જ્ઞાયકસ્વભાવના આશ્રયે પોતાને શ્રદ્ધા–જ્ઞાનઆનંદ વગેરેના નિર્મળ પરિણામો થાય છે, તે
સંવર–નિર્જરા છે, તેને પણ જ્ઞાની જાણે છે, એટલે સંવર–નિર્જરાની પ્રતીત પણ આવી ગઈ.
(૭) સંવર–નિર્જરારૂપ અંશે શુદ્ધપર્યાયપણે તો પોતે પરિણમે જ છે, ને પૂર્ણ શુદ્ધતારૂપ મોક્ષ દશા કેવી
હોય તે પણ પ્રતીતમાં આવી ગયું છે, એટલે મોક્ષતત્ત્વની શ્રદ્ધા પણ આવી ગઈ.
આ રીતે જ્ઞાયકભાવની ક્રમબદ્ધપર્યાયપણે પરિણમતા જીવને સાતે તત્ત્વોની પ્રતીત આવી જ ગઈ છે. (ક્રમબદ્ધ
–પર્યાયના નિર્ણયમાં સાતે તત્ત્વોની શ્રદ્ધા અને જૈનશાસન, –એ માટે જુઓ–અંક ૧૩૩, પ્રવચન ૪, નં ૯૩–૯પ)
[૬પ] અજ્ઞાનીને સાતે તત્ત્વોમાં ભૂલ.
(૧–૨) અજ્ઞાનીને પોતાના જ્ઞાયકભાવની ખબર નથી અને શરીરાદિ અજીવની ક્રમબદ્ધપર્યાયોને હું
ફેરવી શકું છું––એમ તે માને છે એટલે અજીવ સાથે પોતાની એકતા માને છે, તેથી તેને જીવ–અજીવ તત્ત્વની
શ્રદ્ધામાં ભૂલ છે.
(૩–૪) વળી શુભરાગ વગેરે પુણ્યભાવ થાય તે આસ્રવ સાથે તન્મય છે, તેને બદલે તેને ધર્મ માને છે
એટલે શુદ્ધ–જીવ સાથે એકમેક માને છે તેથી તેને આસ્રવ–બંધ તત્ત્વોની શ્રદ્ધામાં ભૂલ છે.
(પ–૬) આત્માની શુદ્ધ વીતરાગીદશા તે સંવર–નિર્જરા છે, તેને બદલે પંચમહાવ્રતાદિ શુભરાગને સંવર–
નિર્જરા માને છે, તેને સંવર–નિર્જરા તત્ત્વની શ્રદ્ધામાં ભૂલ છે.
(૭) અને મોક્ષનું કારણ પણ તેણે વિપરીત માન્યું તેથી તેને મોક્ષની શ્રદ્ધામાં પણ ભૂલ છે.
આમ અજ્ઞાનીને સાતે તત્ત્વોની શ્રદ્ધામાં ભૂલ છે.
[૬૬] ભેદજ્ઞાનનો અધિકાર.
જીવ–અજીવની ક્રમબદ્ધપર્યાયને ઓળખે તો તેમાં ભેદજ્ઞાન અને સાતે તત્ત્વોની યથાર્થ શ્રદ્ધા આવી જાય
છે. આ રીતે, આ ભેદજ્ઞાનનો અધિકાર છે.
[૬૭] ‘ક્રમબદ્ધપર્યાય’ ની ઉત્પત્તિ પોતાની અંતરંગ યોગ્યતા સિવાય બીજા કોઈ
બાહ્યકારણથી થતી નથી.
ક્રમબદ્ધપર્યાય કહો કે ‘યોગ્યતા’ કહો, તે પ્રમાણે જ કાર્ય થાય છે. પર્યાયની યોગ્યતા પોતે જ
અંતરંગકારણ છે, બીજુ નિમિત્ત તે તો બાહ્યકારણ છે. અંતરંગ કાર્યને અનુસાર જ દરેક કાર્ય થાય છે,
બાહ્યકારણથી કાર્યની ઉત્પત્તિ થતી નથી. શ્રી ષટ્ખંડાગમની ધવલા ટીકામાં વીરસેનાચાર્યદેવે આ સંબંધમાં ઘણું
અલૌકિક સ્પષ્ટીકરણ કર્યું છે.
મોહનીય કર્મના પરમાણું ઉત્કૃષ્ટ ૭૦ કોડાકોડી સાગરોપમ સુધી રહે, જ્યારે આયુષ્ય કર્મના પરમાણું
ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની સ્થિતિ સુધી રહે, ––આવી જ તે તે કર્મપ્રકૃત્તિની સ્થિતિ છે. કોઈ પૂછે કે મોહકર્મની
ઉત્કૃષ્ટ સ્થિતિ ૭૦ કોડાકોડી સાગરની અને આયુકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ફક્ત ૩૩ સાગરની જ, –એમ કેમ? તો
ષટખંડાગમમાં આચાર્યદેવ કહે છે કે પ્રકૃત્તિ વિશેષ હોવાથી એ પ્રકારે સ્થિતિબંધ થાય છે, એટલે કે તે તે વિશેષ
પ્રકૃતિઓની તેવી જ અંતરંગ યોગ્યતા છે, ને તેની યોગ્યતારૂપ અંતરંગ કારણથી જ તેવું કાર્ય થાય છે. એમ
કહીને ત્યાં આચાર્યદેવે મહાન સિદ્ધાંત જણાવ્યો છે કે “બધે ઠેકાણે અંતરંગકારણથી જ કાર્યની ઉત્પત્તિ થાય છે, –
–એવો નિશ્ચય કરવો.”
બીજું દ્રષ્ટાંત લઈએ: દસમા ગુણસ્થાને જીવને લોભનો સૂક્ષ્મ અંશ અને યોગનું કંપન છે, ત્યાં તેને મોહ
અને આયુ સિવાયના છ કર્મો બંધાય છે; તેમાં જ્ઞાનાવરણાદિની અંતર્મુહૂર્તની જ સ્થિતિ પડે છે, ને સાતા
વેદનીયની સ્થિતિ ૧૨ મુહૂર્તની, તથા ગોત્ર અને નામકર્મની સ્થિતિ આઠ મુહૂર્ત બંધાય છે. છએ કર્મોનું બંધન
એક સાથે થતું હોવા છતાં, આ પ્રમાણે સ્થિતિમાં ફેર પડે છે. સ્થિતિમાં આમ ફેર કેમ પડે છે? એવો પ્રશ્ન થતાં
આચાર્યદેવ ઉત્તર આપે છે કે ‘પ્રકૃતિવિશેષ હોવાથી’ ––એટલે કે તે તે ખાસ પ્રકૃત્તિનું અંતરંગ કારણ જ તેવું છે,
અને તે અંતરંગકારણથી જ કાર્યની ઉત્પત્તિ થાય છે.
ઉપર જુદા જુદા કર્મની જુદી જુદી સ્થિતિ સંબંધમાં કહ્યું તે જ પ્રમાણે “વેદનીયકર્મમાં પરમાણુઓની
સંખ્યા ઝાઝી, ને બીજામાં થોડી–એમ કેમ? ” એવું કોઈ પૂછે તો તેનું પણ એ જ સમાધાન છે કે તે તે
પ્રકૃતિઓનો તેવો જ સ્વભાવ છે. પર્યાયનો સ્વભાવ કહો, યોગ્યતા કહો, કે અંતરંગકારણ કહો––તેનાથી જ
કાર્યની ઉત્પત્તિ થાય છે. એ સિવાય બાહ્યકારણોથી કાર્યની ઉત્પત્તિ થતી નથી.