Atmadharma magazine - Ank 134-135
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 33 of 45

background image
: ૯૪ : આત્મધર્મ : માગસર–પોષ : ૨૪૮૧ :
માટે પરપ્રકાશકપણાને વ્યવહાર કહ્યો છે. પરપ્રકાશકપણાનું જ્ઞાનનું જે સામર્થ્ય છે તે કાંઈ વ્યવહારથી નથી, તે તો
નિશ્ચયથી પોતાનું સ્વરૂપ છે. ભગવાનના કેવળજ્ઞાનમાં ત્રણ કાળના પદાર્થોની નોંધ છે. પં. રાજમલ્લજી
સમયસાર કલશની ટીકામાં કહે છે કે: સંસારી જીવોમાં એક ભવ્યરાશિ છે ને એક અભવ્યરાશિ છે; તેમાં
અભવ્યરાશિ જીવ તો ત્રણ કાળમાં મોક્ષ પામતા નથી, ભવ્ય જીવોમાંથી કેટલાક જીવો મોક્ષ જવાને યોગ્ય છે;
અને તેનો મોક્ષ પહોંચવાનો કાળ પરિણામ છે અર્થાત્ આ જીવ આટલો કાળ વીત્યે મોક્ષ જશે––એવી નોંધ
કેવળજ્ઞાનમાં છે. ––
‘यह जीव इतना काल वीत्या मोक्ष जासै–इसौ न्यौधु केवलज्ञान मांहे छै’ (પૃષ્ઠ ૧૦)
કેવળી ભગવાનના જ્ઞાનમાં ત્રણકાળ ત્રણલોકની બધી નોંધ છે. જે જીવને અંર્તસ્વભાવના જ્ઞાનનો પુરુષાર્થ
થયો તેને અલ્પકાળમાં મોક્ષ થવાનો છે એમ કેવળજ્ઞાનની નોંધમાં આવી ગયું છે. જેના જ્ઞાનમાં સર્વજ્ઞ ભગવાન
બેઠા તેની મુક્તિ ભગવાનના જ્ઞાનમાં લખાઈ ગઈ.
પ્રશ્ન:– કેવળી ભગવાનને વિકલ્પ તો નથી, તો વિકલ્પ વગર પરને શી રીતે જાણે?
ઉત્તર:– પરને જાણતાં કેવળીને કાંઈ પર તરફ ઉપયોગ નથી મૂકવો પડતો; પણ પોતાનું જ્ઞાનસામર્થ્ય જે
એવું સ્વ–પર પ્રકાશક ખીલી ગયું છે કે સ્વ–પર બધું એક સાથે––વિકલ્પ વગર–જ્ઞાનમાં જણાય છે. પરને જાણવું
તે કાંઈ વિકલ્પ નથી. (જ્ઞાનને સવિકલ્પ કહેવાય છે તેમાં જુદી અપેક્ષા છે. અહીં રાગરૂપ વિકલ્પની વાત છે.)
કેવળી ભગવાનને જ્ઞાનનું સામર્થ્ય જ એવું પરિણમી રહ્યું છે કે રાગના વિકલ્પ વગર જ સ્વ–પર બધું પ્રત્યક્ષ
જણાય છે.
અહો આત્માનો જ્ઞાનસ્વભાવ છે, તે સ્વભાવમાંથી જે કેવળજ્ઞાન ખીલ્યું તેનું અચિંત્ય સામર્થ્ય છે. તે
કેવળજ્ઞાન––
અસ્પષ્ટ જાણે નહિ,
વિકલ્પથી જાણે નહિ,
પરસન્મુખ થઈને જાણે નહિ,
છતાં જાણ્યા વિનાનું કાંઈ પણ રહે નહિ.
––આવું કેવળજ્ઞાન છે!
આવા કેવળજ્ઞાનને યથાર્થપણે ઓળખે તો આત્માના જ્ઞાયકસ્વભાવની સન્મુખતા થઈને સમ્યગ્દર્શન થયા
વિના રહે નહિ. પ્રવચનસારની ૮૦મી ગાથામાં આચાર્ય ભગવાને એ જ વાત અલૌકિક રીતે કરી છે.
[૮૮] ભવિષ્યની પર્યાય થયા પહેલાંં કેવળજ્ઞાન તેને કઈ રીતે જાણે? –તેનો ખુલાસો.
પ્રશ્ન:– ભવિષ્યની જે પર્યાયો થઈ નથી પણ ભવિષ્યમાં થવાની છે, તેને જ્ઞાન વર્તમાનમાં જાણે?
ઉત્તર:– હા; કેવળજ્ઞાન એક સમયની વર્તમાન પર્યાયમાં ત્રણેકાળનું બધું જાણી લે છે.
પ્રશ્ન:– તો શું ભવિષ્યમાં જે પર્યાય થવાની છે તેને વર્તમાનમાં પ્રગટ રૂપ જાણે?
ઉત્તર:– ભવિષ્યની પર્યાયને ભવિષ્યરૂપે જાણે, પણ કાંઈ તે પર્યાય વર્તમાનમાં પ્રગટ વર્તે છે––એમ ન જાણે.
જાણે તો બધું વર્તમાનમાં, પણ જેમ હોય તેમ જાણે. ભવિષ્યમાં જે થવાનું હોય તેને અત્યારે ભવિષ્યરૂપે જાણે.
પ્રશ્ન:– જ્ઞાનમાં ભવિષ્યની પર્યાયને પણ જાણવાની શક્તિ છે, એટલે જ્યારે તે પર્યાય થશે ત્યારે જ્ઞાન
તેને જાણશે, ––એ પ્રમાણે છે?
ઉત્તર:– ના; એમ નથી. ભવિષ્યને પણ જાણવાનું કાર્ય તો વર્તમાનમાં જ છે, તે કાંઈ ભવિષ્યમાં નથી.
જેમકે અમુક જીવને અમુક વખતે ભવિષ્યમાં કેવળજ્ઞાન થવાનું છે, તો જ્ઞાન વર્તમાનમાં એમ જાણે કે આ જીવને
આ સમયે આવી પર્યાય થશે. પણ જ્ઞાન કાંઈ એમ ન જાણે કે આ જીવને અત્યારે કેવળજ્ઞાન પર્યાય વ્યક્ત વર્તે
છે! તેમ જ ભવિષ્યની તે પર્યાય થાય ત્યારે જ્ઞાન તેને જાણશે––એમ પણ નથી. ભવિષ્યની પર્યાયને ભવિષ્યની
પર્યાય તરીકે વર્તમાનમાં જ જ્ઞાન જાણે છે. જેમ ભૂતકાળની પર્યાય અત્યારે વર્તતી ન હોવા છતાં વર્તમાન જ્ઞાન
તેને જાણે છે, તેમ ભવિષ્યની પર્યાય અત્યારે વર્તતી ન હોવા છતાં જ્ઞાન તેને પ્રત્યક્ષ જાણે છે.
[૮૯] કેવળીને ક્રમબદ્ધ, ને છદ્મસ્થને અક્રમ, –એમ નથી.
પ્રશ્ન:– ‘બધું ક્રમબદ્ધ છે’ એ વાત કેવળી ભગવાનને માટે બરાબર છે, કેવળી ભગવાને બધું જાણ્યું છે
તેથી તેમને માટે તો બધું ક્રમબદ્ધ જ છે; પરંતુ છદ્મસ્થને તો પૂરું જ્ઞાન નથી, તેથી તેને માટે બધું ક્રમબદ્ધ નથી,
છદ્મસ્થને તો ફેરફાર પણ થાય, –એ પ્રમાણે કોઈ કહે, તો તે બરાબર છે?
ઉત્તર:– ના; એ વાત બરાબર નથી. વસ્તુસ્વરૂપ બધાને માટે એક સરખું જ છે, કેવળીને માટે જુદું વસ્તુસ્વરૂપ