Atmadharma magazine - Ank 134-135
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 34 of 45

background image
: માગસર–પોષ : ૨૪૮૧ : આત્મધર્મ : ૯૫ :
ને છદ્મસ્થને માટે જુદું, ––એમ બે પ્રકારનું વસ્તુસ્વરૂપ નથી. કેવળીને માટે બધું ક્રમબદ્ધને છદ્મસ્થને માટે
અક્રમબદ્ધ એટલે છદ્મસ્થ તેમાં આડુંઅવળું પણ કરી દ્યે––એમ માનનારને ક્રમબદ્ધપર્યાયના સ્વરૂપની ખબર નથી.
કેવળી ભગવાન ભલે પૂરું પ્રત્યક્ષ જાણે ને છદ્મસ્થ પૂરું પ્રત્યક્ષ ન જાણે, તો પણ વસ્તુસ્વરૂપનો (ક્રમબદ્ધપર્યાય
વગેરેનો) નિર્ણય તો બંનેને સરખો જ છે. કેવળીભગવાન બધા દ્રવ્યોની ક્રમબદ્ધપર્યાય થવાનું જાણે, અને
છદ્મસ્થ તેને અક્રમે થવાનું માને, તો તો તેના નિર્ણયમાં જ વિપરીતતા થઈ. ‘હું જ્ઞાયક છું ને પદાર્થોની
ક્રમબદ્ધઅવસ્થા છે’ ––એવો નિર્ણય કરીને જ્ઞાયકસ્વભાવસન્મુખ પરિણમતાં જ્ઞાનીને તો જ્ઞાતાભાવનું જ
પરિણમન ખીલતાં ખીલતાં અનુક્રમે કેવળજ્ઞાન થઈ જાય છે. પણ જેને હજી તો નિર્ણયમાં જ ભૂલ છે તેને
જ્ઞાતાપણાનું પરિણમન થતું નથી પણ વિકારનું જ કર્તાપણું રહે છે.
[૯૦] જ્ઞાન અને જ્ઞેયનો મેળ, ––છતાં બંનેની સ્વતંત્રતા.
પ્રશ્ન:– કેવળીભગવાને જેમ જાણ્યું તેમ આ જીવને પરિણમવું પડે છે? કે આ જીવ જેમ પરિણમે તેમ
કેવળીભગવાન જાણે છે?
ઉત્તર:– પહેલી વાત એ છે કે કેવળજ્ઞાનનો નિણર્ય કરનારે ‘જ્ઞાનશક્તિ’ ના અવલંબને એ નિર્ણય કર્યો
છે એટલે તેનામાં નિર્મળ પરિણમન (સમ્યગ્દર્શનાદિ) થઈ ગયું છે, અને કેવળીભગવાને પણ તેમ જ જાણ્યું છે.
કેવળીભગવાનનું જ્ઞાન, અને આ જીવનું પરિણમન, ––એ બંનેનો જ્ઞેયજ્ઞાયકપણનો મેળ હોવા છતાં,
કોઈને આધીન કોઈ નથી. કેવળીભગવાને તો બધા પદાર્થોની ત્રણેકાળની અવસ્થા એક સાથે જાણી લીધી છે, ને
પદાર્થમાં પરિણમન તો એક પછી એક અવસ્થાનું થાય છે. કેવળીએ જાણ્યું માટે પદાર્થને તેવું પરિણમવું પડે છે––
એમ નથી, અથવા પદાર્થ તેમ પરિણમે છે માટે કેવળી તેવું જાણે છે––એમ પણ નથી. અને આમ હોવા છતાં
કેવળજ્ઞાન અને જ્ઞેયની સંધિ તૂટતી પણ નથી; કેવળજ્ઞાને જાણ્યું તેનાથી બીજી રીતે વસ્તુ પરિણમે, અથવા તો
વસ્તુ પરિણમે તેનાથી બીજી રીતે કેવળજ્ઞાન જાણે––એમ કદી બનતું નથી.
આમાં, કેવળજ્ઞાનની એટલે કે આત્માના જ્ઞાયકસ્વભાવની મહત્તા સમજવી, ને જ્ઞાયકસન્મુખ થઈને
પરિણમવું, તે જ મૂળભૂત વસ્તુ છે.
[૯૧] આગમને જાણશે કોણ?
પ્રશ્ન:– આ ક્રમબદ્ધપર્યાયની આપ કહો છો એવી વાત આગમમાં મળતી નથી.
ઉત્તર:– અરે ભાઈ! હજી તને સર્વજ્ઞનો તો નિર્ણય નથી, તો સર્વજ્ઞના નિર્ણય વગર, ‘સર્વજ્ઞના આગમ
કેવાં હોય અને તેમાં શું કહ્યું છે’ તેની તને શું ખબર પડે? ગુરુગમ વગર, પોતાની ઊંધી દ્રષ્ટિથી આગમના અર્થ
ભાસે તેમ નથી. આગમ કહે છે કે આત્માનો જ્ઞાનસ્વભાવ છે ને તેમાં સર્વજ્ઞતાનું સામર્થ્ય છે. જો આવા
જ્ઞાનસ્વભાવને અને સર્વજ્ઞતાને ન જાણે તો તેણે આગમને જાણ્યા જ નથી. અને જો આવા જ્ઞાન સ્વભાવને માને
તો ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય તેમાં આવી જ જાય છે.
ક્રમબદ્ધપર્યાય સીધી રીતે ન સમજે તેને સમજાવવા માટે આ કેવળજ્ઞાનની દલીલ આપવામાં આવે છે; બાકી
તો વસ્તુ પોતે જ તેવા સ્વભાવવાળી છે, ક્રમબદ્ધપર્યાય તે વસ્તુનું જ સ્વરૂપ છે, તે કાંઈ કેવળજ્ઞાનને કારણે નથી.
[૯૨] કેવળજ્ઞાનના ને ક્રમબદ્ધપર્યાયના નિર્ણય વિના ધર્મ કેમ ન થાય?
પ્રશ્ન:– આપ કેવળજ્ઞાન અને ક્રમબદ્ધપર્યાય ઉપર આટલો બધો ભાર આપો છો, તો શું સર્વજ્ઞના નિર્ણય
વિના કે ક્રમબદ્ધપર્યાયના નિર્ણય વિના ધર્મ ન થઈ શકે?
ઉત્તર:– ના; ભાઈ! આ કેવળજ્ઞાનનો કે ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય તો જ્ઞાનસ્વભાવના અવલંબને થાય છે,
ને એના વિના કદી ધર્મ થતો નથી. જ્ઞાનસ્વભાવ કહો, કેવળજ્ઞાન કહો કે ક્રમબદ્ધપર્યાય કહો, એ ત્રણેમાંથી
એકના નિર્ણયમાં બીજા બેનો નિર્ણય પણ આવી જાય છે અને જો કેવળજ્ઞાનને કે ક્રમબદ્ધપર્યાયને ન માને તો તે
ખરેખર આત્માના જ્ઞાનસ્વભાવને જ નથી માનતો. આ તો જૈનધર્મની મૂળ વાત છે. સર્વજ્ઞતા તો જૈનધર્મની
મૂળ વસ્તુ છે, તેના નિર્ણય વિના ધર્મની શરૂઆત થાય એમ કદી બનતું નથી. સ્વસન્મુખ થઈને ‘હું જ્ઞાન છું’
એવી જ્ઞાતાબુદ્ધિ થતાં સર્વજ્ઞતાનો નિર્ણય પણ થઈ ગયો, ક્રમબદ્ધપર્યાયનો પણ નિર્ણય થઈ ગયો, ક્યાંય ફેરફાર
કરવાની બુદ્ધિ ન રહી, ––આનું નામ ધર્મ છે.