: ૯૮ : આત્મધર્મ : માગસર–પોષ : ૨૪૮૧ :
એમ કોઈ માને, તો તેને કહે છે કે ભાઈ! જ્ઞાયક તરફના પુરુષાર્થ વગર તું ક્રમબદ્ધનો જ્ઞાતા કઈ રીતે થયો? તારા
જ્ઞાયકસ્વભાવના નિર્ણયનો પ્રયત્ન કર્યા વગર ક્રમબદ્ધપર્યાયને તું કઈ રીતે સમજ્યો? સ્વસન્મુખ થઈને
જ્ઞાયકસ્વભાવનો નિર્ણય કરે તેને જ ક્રમબદ્ધપર્યાય સમજાય છે, અને તેની પર્યાયમાં નિર્મળતાનો ક્રમ શરૂ થઈ
જાય છે. આ રીતે, સ્વસન્મુખ પુરુષાર્થ અને ક્રમબદ્ધપર્યાયના નિર્ણયની સંધિ છે.
[૯૭] ક્રમબદ્ધપર્યાય અને તેનું કર્તાપણું.
પ્રશ્ન:– ક્રમબદ્ધપર્યાય છે તેમાં કર્તાપણું છે કે નહિ?
ઉત્તર:– હા; જેણે સ્વસન્મુખ થઈને પોતાના જ્ઞાયકસ્વભાવનો નિર્ણય કર્યો છે તેને પોતાની નિર્મળ
ક્રમબદ્ધપર્યાયનું કર્તાપણું છે; અને જેને જ્ઞાયકસ્વભાવની દ્રષ્ટિ નથી ને પરમાં કર્તૃત્વબુદ્ધિ છે તેને પોતામાં
મિથ્યાત્વાદિ મલિન ભાવોનું કર્તાપણું છે.
અજીવને તે અજીવની ક્રમબદ્ધ અવસ્થાનું કર્તાપણું છે. ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય કરીને જે જીવ
જ્ઞાયકસ્વભાવ તરફ વળી ગયો છે તેને વિકારનું કર્તાપણું રહેતું નથી, તે તો સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર રૂપ
નિર્મળ જ્ઞાનભાવનો જ કર્તા છે.
[૯૮] ઝીણું––પણ સમજાય તેવું!
પ્રશ્ન:– આપ કહો છો તે વાત તો ઘણી સરસ છે, પણ બહુ ઝીણી વાત છે;––આવી ઝીણી વાત!
ઉત્તર:– ભાઈ, ઝીણું તો ખરું;––પણ સમજાય તેવું ઝીણું છે કે ન સમજાય તેવું? આત્માનો સ્વભાવ જ
ઝીણો (અતીન્દ્રિય) છે, એટલે તેની વાત પણ ઝીણી જ હોય. આ ઝીણું હોવા છતાં સમજી શકાય તેવું છે.
આત્માની ખરે... ખરી. જિજ્ઞાસા હોય તો આ સમજાયા વગર રહે નહિ. વસ્તુસ્વરૂપમાં જેમ બની રહ્યું છે તે જ
સમજવાનું આ કહેવાય છે; માટે ઝીણું લાગે તો પણ ‘સમજાય તેવું છે, અને આ સમજવામાં જ મારું હિત છે’ ––
એમ વિશ્વાસ અને ઉલ્લાસ લાવીને અંતરમાં પ્રયાસ કરવો જોઈએ. આ સમજ્યા વગર જ્ઞાન કદી સાચું થાય
નહિ, ને સાચા જ્ઞાન વગર શાંતિ થાય નહિ. ‘ઝીણું છે માટે મને નહિ સમજાય’ –એમ ન લેવું; પણ ઝીણું છે માટે
તે સમજવા મારે અપૂર્વ પ્રયત્ન કરવો–એમ બહુમાન લાવીને સમજવા માંગે તો આ અવશ્ય સમજાય તેવું છે.
અહો! આ તો અંતરની અધ્યાત્મવિદ્યા છે; આ અધ્યાત્મવિદ્યાથી જ્ઞાનસ્વભાવી આત્માનો નિર્ણય કર્યા
વગરનું બીજું બધું બહારનું જાણપણું તે તો મ્લેચ્છવિદ્યા સમાન છે, તેનાથી આત્માનું કાંઈ પણ હિત નથી.
અનંતકાળમાં પૂર્વે આ વાત નથી સમજ્યો તેથી સૂક્ષ્મ છે; તો પણ જિજ્ઞાસુ થઈને સમજવા માગે તો
સમજાય તેવી છે. ભાઈ! તું મૂંઝાઈ ન જા... પણ અંદર જા. મૂંઝવણ તે માર્ગ નથી, જ્ઞાનસ્વભાવને લક્ષમાં
પકડીને અંતર્મુખ થા... વર્તમાનમાં જે જ્ઞાન જાણવાનું કાર્ય કરી રહ્યું છે તે જ્ઞાન કોનું છે? તે જ્ઞાનના દોરે–દોરે
અંતરમાં જઈને અવ્યક્ત ચિદાનંદ સ્વભાવને પકડી લે... અંદરના ચૈતન્ય દરવાજાને ખોલ. આ ચૈતન્યસ્વભાવમાં
ઊતરતાં બધું સમજાઈ જાય છે, ને મૂંઝવણ મટી જાય છે.
[૯૯] સાચો વિસામો...
પ્રશ્ન:– ક્રમબદ્ધપર્યાય સમયે સમયે સદાય થયા જ કરે, તેમાં વચ્ચે ક્યાંય જરાપણ વિસામો નહિ?
ઉત્તર:– ભાઈ, આ સમજણ તો તારા અનાદિના ભવભ્રમણનો થાક ઉતારી નાંખે તેવી છે.
ક્રમબદ્ધપર્યાયની પ્રતીત કરીને જ્ઞાયકસ્વભાવ તરફ એકાગ્ર થયો તે જ ખરો વિસામો છે. ––તેમાંય સમયે સમયે
પર્યાયનું પરિણમન તો ચાલ્યા જ કરે છે, પણ તે પરિણમન જ્ઞાન અને આનંદમય છે તેથી તેમાં આકુળતા કે થાક
નથી, તેમાં તો પરમ અનાકુળતા છે ને તે જ સાચો વિસામો છે. અજ્ઞાની જીવ જ્ઞાયકપણાને ભૂલીને “પરમાં આ
કરું... આ કરું” એવી મિથ્યામાન્યતાથી આકુળ–વ્યાકુળ દુઃખી થઈ રહ્યો છે ને ભવભ્રમણમાં ભટકી રહ્યો છે; જો
આ જ્ઞાયકસ્વભાવની ને ક્રમબદ્ધપર્યાયની વાત સમજે તો અનંતી આકુળતા મટી જાય અંર્તસ્વભાવમાં જ્ઞાન–
આનંદના અનુભવરૂપ સાચો વિસામો મળે.
[૧૦૦] સમકીતિ કહે છે–– “શ્રદ્ધાપણે કેવળજ્ઞાન થયું છે.”
આ ક્રમબદ્ધપર્યાયના યથાર્થ નિર્ણયમાં જ્ઞાનસ્વભાવનો ને કેવળજ્ઞાનનો નિર્ણય આવી જાય છે. જેમ
કેવળી ભગવાન પરિપૂર્ણ જ્ઞાયક જ છે, તેમ મારો સ્વભાવ પણ જ્ઞાયક જ છે––આવો નિર્ણય થતાં શ્રદ્ધાપણે
કેવળજ્ઞાન થયું. હજી સાધકદશામાં અલ્પજ્ઞાન હોવા છતાં તે પણ જ્ઞાયકસ્વભાવના અવલંબને જ્ઞાતાપણાનું જ
કામ કરે છે, એટલે