‘આત્મા જ્ઞાયક છે.’
ક્રમબદ્ધપર્યાયનું વિસ્તારથી સ્પષ્ટીકરણ
અને અનેક પ્રકારની
વિપરીત કલ્પનાઓનું નિરાકરણ
ભાગ બીજો
[સમયસાર ગા. ૩૦૮ થી ૩૧ તથા તેની ટીકા ઉપર પૂ. ગુરુદેવનાં ખાસ પ્રવચનો]
આત્માના અતીન્દ્રિયસુખને સ્પર્શીને બહાર આવતી,
ભેદજ્ઞાનનો ઝણઝણાટ કરતી, અને મુમુક્ષુઓનાં હૈયાંને ડોલાવી
મૂકતી, પૂ. ગુરુદેવની પાવનકારી વાણીમાં, ‘જ્ઞાયક સન્મુખ
લઈ જનારા ક્રમબદ્ધપર્યાયના પ્રવચનો’ ની જે અદ્ભુત
અમૃતધારા એક સપ્તાહ સુધી વરસી, તે ગયા અંકમાં આપી
ગયા છીએ. ત્યાર પછી મુમુક્ષુઓના વિશેષ સદ્ભાગ્યે બીજી
વાર આસો સુદ સાતમથી અગીયારસ સુધી એવી જ
અમૃતધારા પાંચ દિવસ સુધી ફરીને વરસી. –નિત્ય નવીનતાને
ધારણ કરતી એ અમૃતધારા અહીં આપવામાં આવી છે.
‘હું જ્ઞાતા છું–એમ જ્ઞાનસન્મુખ થઈને ન પરિણમતાં, રાગાદિનો
કર્તા થઈને પરિણમે છે તે જીવ ક્રમબદ્ધપર્યાયનો જ્ઞાતા નથી.
ક્રમબદ્ધપર્યાયનો જ્ઞાતા તો જ્ઞાયકસન્મુખ રહીને રાગાદિને પણ જાણે જ
છે. તેને સ્વભાવસન્મુખ પરિણમનમાં શુદ્ધપર્યાય જ થતી જાય છે.
આત્માનો જ્ઞાન સ્વભાવ છે તેને લક્ષમાં લઈને તું વિચાર કે આ
તરફ હું જ્ઞાયક છું–મારો સર્વજ્ઞસ્વભાવ છે, ––તો સામે જ્ઞેયવસ્તુની પર્યાય
ક્રમબદ્ધ જ હોય કે અક્રમબદ્ધ? પોતાના જ્ઞાન સ્વભાવને સામે રાખીને
વિચારે તો તો આ ક્રમબદ્ધપર્યાયની વાત સીધીસટ બેસી જાય તેવી છે;
પણ જ્ઞાયકસ્વભાવને ભૂલીને વિચારે તો એક પણ વસ્તુનો નિર્ણય થાય
તેમ નથી.’