Atmadharma magazine - Ank 136
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 10 of 21

background image
માહ: ૨૪૮૧ : ૧૧૭ :
અજ્ઞાની કહે છે કે મને સિદ્ધ દેખાતા નથી, ધર્મી કહે કે મારા હૃદયમાં જ સિદ્ધભગવાન બિરાજે છે સિદ્ધ ભગવાનનો
આત્મા ભલે પ્રત્યક્ષ ન દેખાય પણ જેણે મતિશ્રુતજ્ઞાનને સ્વસન્મુખ કરીને સ્વસંવેદન પ્રત્યક્ષથી સિદ્ધભગવાન
જેવા પોતાના શુદ્ધસ્વભાવને દેખ્યો તેણે સિદ્ધભગવાનને પણ દેખ્યા છે ને પોતાના હૃદયમાં તેમને સ્થાપ્યા છે.
આ પ્રમાણે સિદ્ધભગવંતોને હૃદયમાં સ્થાપીને તેમને અમારા નમસ્કાર હો!
એ રીતે અરિહંત અને સિદ્ધ પરમેષ્ઠીનું સ્વરૂપ ઓળખીને તેમને નમસ્કાર કર્યા; હવે આચાર્ય–ઉપાધ્યાય
ને સાધુ પરમેષ્ઠીનું સ્વરૂપ અવલોકીએ છીએ.
[૩ – ૪ – પ]
શ્રી આચાર્ય ઉપાધ્યાય અને સાધુનું સ્વરૂપ
• આચાર્ય ઉપાધ્યાય કે સાધુ એ સર્વે મુનિઓની દશા કેવી હોય તેનું પહેલાંં સામાન્ય રૂપ વર્ણન કરે છે.
ત્યાર પછી આચાર્ય વગેરેની વિશેષતાનું વર્ણન કરશે. જે જૈન મુનિ છે તે સર્વેની દશા નીચે પ્રમાણે હોય છે :
• જે વિરાગી બની, સમસ્ત પરિગ્રહ છોડી, શુદ્ધોપયોગરૂપ મુનિધર્મ અંગીકાર કરી, અંતરંગમાં તો એ
શુદ્ધોપયોગ વડે પોતે પોતાને અનુભવે છે;
• પરદ્રવ્યમાં અહંબુદ્ધિ ધારતા નથી;
• પોતાના જ્ઞાનાદિક સવભાવોને જ પોતાના માને છે;
• પરભાવોમાં મમત્વ કરતા નથી;
• પરદ્રવ્ય તથા તેના સ્વભાવો જ્ઞાનમાં પ્રતિભાસે છે તેને જાણે છે તો ખરા; પરંતુ ઈષ્ટ–અનિષ્ટ માનીને
તેમાં રાગ–દ્વેષ કરતા નથી.
• શરીરની અનેક અવસ્થા થાય છે, બાહ્ય અનેક પ્રકારનાં નિમિત્ત બને છે પરંતુ તે મુનિ ત્યાં કંઈ પણ
સુખદુઃખ માનતા નથી.
• પોતાને યોગ્ય બાહ્યક્રિયા જેમ બને છે તેમ બને છે પરંતુ તેને ખેંચીતાણીને કરતા નથી.
• તેઓ પોતાના ઉપયોગને બહુ ભમાવતા નથી, પણ ઉદાસીન થઈ નિશ્ચલવૃત્તિને ધારણ કરે છે.
• કદાચિત્ મંદ રાગના ઉદયથી શુભોપયોગ પણ થાય છે, જે વડે તે શુદ્ધોપયોગનાં બાહ્ય સાધનોમાં
અનુરાગ કરે છે,
• –પરંતુ એ રાગભાવને પણ હેય જાણી દૂર કરવા ઈચ્છે છે.
• તીવ્ર કષાયના ઉદયના અભાવથી હિંસાદિ અશુભોપયોગ પરિણતિનું તો અસ્તિત્વ તેમને રહ્યું નથી.
• સર્વે મુનિઓને એવી અંતરંગ અવસ્થા થતાં બાહ્ય દિગંબર સૌમ્ય મુદ્રાધારી થયા છે.
• શરીર સંસ્કારાદિ વિક્રિયાથી રહિત થયા છે,
• વન ખંડાદિ વિષે વસે છે,
• અઠ્ઠાવીસ મૂળગુણોને જેઓ અખંડિત પાલન કરે છે.
• બાવીસ પરિષહને જેઓ સહન કરે છે.
• બાર પ્રકારના તપને જેઓ આદરે છે,
• કદાચિત્ ધ્યાનમુદ્રા ધારી પ્રતિમાવત્ નિશ્ચલ થાય છે.
• કદાચિત્ અધ્યયનાદિક બાહ્ય ધર્મક્રિયામાં પ્રવર્તે છે.
• કોઈ વેળા મુનિધર્મને સહકારી શરીરની સ્થિતિ અર્થે યોગ્ય આહાર–વિહારાદિ ક્રિયામાં સાવધાન થાય છે–
––એ પ્રમાણે જેઓ જૈનમુનિ છે તે સર્વની એવી જ અવસ્થા હોય છે.
[મુનિધર્મનું મૂળ – સમ્યગ્દર્શન]
આત્માના જ્ઞાનપૂર્વક વૈરાગ્ય થતાં, સમસ્ત પરિગ્રહ છોડીને, અંતરમાં શુદ્ધોપયોગ વડે ત્રણ કષાયોનો
અભાવ થતાં મુનિદશા પ્રગટે છે. મુનિધર્મ કેવો છે?–કે શુદ્ધોપયોગરૂપ છે. તે ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે, એટલે
મુનિ થનારને સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન તો પહેલાંં થયું છે. માટે સમ્યગ્દર્શન–જ્ઞાનપૂર્વક જ આ મુનિદશાની
વાત છે એમ સમજવું. સમ્યગ્દર્શન વગર તો ચોથું કે પાંચમું ગુણસ્થાન પણ હોતું નથી, તો પછી મુનિદશાનું છઠું–
સાતમું ગુણસ્થાન તો કેમ હોય?