Atmadharma magazine - Ank 136
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 13 of 21

background image
: ૧૨૦ : આત્મધર્મ: ૧૩૬
જ પડેલો છે. ને સમકિતી ધર્મી ગૃહસ્થપણામાં હોય તો પણ તેને સમ્યગ્દર્શનાદિરૂપ જે ઉપશમ ક્ષયોપશમ કે
ક્ષાયિકભાવ પ્રગટ્યો છે તેટલો સંસાર છૂટી ગયો છે, મિથ્યાત્વાદિ છૂટતાં અનંતો સંસાર તો તેને છૂટી ગયો છે.
માટે મિથ્યાદ્રષ્ટિ મુનિ કરતાં સમ્યગ્દ્રષ્ટિ ગૃહસ્થને શ્રેષ્ઠ કહ્યો છે. મિથ્યાદ્રષ્ટિ મુનિ તો સંસારમાર્ગી છે, ને
સમ્યગ્દ્રષ્ટિ ગૃહસ્થ તો મોક્ષમાર્ગી છે. અહીં તો સાચા ભાવલિંગી મુનિઓની વાત છે. જ્યાં અંતરંગદશાપૂર્વક
બાહ્ય દિગંબરદશા ન હોય ત્યાં મુનિપણું હોતું નથી. અંતરંગમાં મુનિદશાની શુદ્ધતા પ્રગટી હોય ને ગૃહવાસમાં
રહેતા હોય–એમ કદી ન બને. મુનિઓ વનજંગલમાં વસે છે.
[૨૮ મૂળગુણોનું પાલન]
વળી મુનિઓ ૨૮ મૂળગુણોનું અખંડ પાલન કરે છે. પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, પાંચ ઈન્દ્રિયનિરોધ, છ
આવશ્યક, કેશલોચ, સ્નાનરહિતપણું, નગ્નતા, અદંતધોવન, ભૂમિશયન, સ્થિતિભોજન અને એક વાર આહાર
ગ્રહણ––એ પ્રમાણે ૨૮ મૂળગુણ છે, તેમાં મુનિ વિપરીતતા આવવા દેતા નથી. જ્યાં નગ્નતાને બદલે
વસ્ત્રસહિતપણું હોય, સ્થિતિભોજન એટલે ઊભા ઊભા હાથમાં આહાર–તેને બદલે બેઠા બેઠા કે વાસણ વગેરેમાં
ભોજન હોય, તથા દિવસમાં એક જ વાર આહાર ને બદલે અનેક વાર આહાર હોય,–ઈત્યાદિ પ્રકારે મૂળ ગુણમાં
ભંગ હોય ત્યાં મુનિદશા હોતી નથી; છતાં તેમાં જે મુનિદશા માને તેને મુનિની ઓળખાણ નથી એટલે ગુરુપદની
તેને ખબર નથી. અહીં તો અંતરની શુદ્ધોપયોગદશા સહિતના ૨૮ મૂળગુણોની વાત છે. અંતરની દશા વગર
એકલા શુભરાગથી ૨૮ મૂળગુણ પાળે તો તે દ્રવ્યલિંગ છે પણ તેને ખરેખર મુનિદશા નથી, અને ૨૮ મૂળગુણમાં
પણ જેને વિપરીતતા હોય તેને તો (ભલે શરીરની દિગંબરદશા હોય તો પણ) દ્રવ્યલિંગ પણ સાચું નથી.
[બાવીસ પરીષહ]
વળી મુનિનો બાવીસ પરીષહને સહન કરે છે. માર્ગથી અચ્યુતપણા માટે તથા નિર્જરા અર્થે પરીષહ સહન
કરવાનું કહ્યું છે, એટલે જેને અંતરમાં સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ માર્ગ પ્રગટ્યો હોય તેને તે માર્ગથી
અચ્યુતિરૂપ પરીષહ હોય. પણ જેને હજી માર્ગ જ પ્રગટ્યો નથી એવા મિથ્યાદ્રષ્ટિને પરીષહ હોતો નથી. પરીષહ
તે કાંઈ દુઃખ નથી. ભૂખ–તરસ, ટાઢ–તડકા વગેરેનાં દુઃખ વેઠવાં તેને અજ્ઞાની પરીષહ કહે છે, પણ તે વાત સાચી
નથી. જેમાં દુઃખ લાગે કે અંતરંગમાં રાગ–દ્વેષ થાય તે પરીષહ નથી. દુઃખ લાગે તે તો અશુભ–પાપભાવ છે.
અથવા, રાગ–દ્વેષની ઉત્પત્તિ થાય પછી તેને જીતવા તેનું નામ પરીષહજય–એમ કોઈ કહે તો તે પણ સત્ય નથી.
‘માર્ગથી અચ્યુતપણું’ એટલે કે વીતરાગભાવરૂપ માર્ગથી ખસીને રાગ–દ્વેષની ઉત્પત્તિ જ ન થવી તે પરીષહ છે.
પણ રાગ–દ્વેષ થાય તેટલું તો માર્ગથી ચ્યુતપણું છે, તે પરીષહ નથી. મુનિને અંતરમાં સ્વરૂપસ્થિરતા વડે માર્ગ
પ્રગટ્યો છે, ને ગમે તેવા અનુકૂળ–પ્રતિકૂળ ઉપસર્ગ આવે તો પણ તેઓ રાગ–દ્વેષ કરતા નથી ને માર્ગથી ચ્યુત
થતા નથી, તેમને પરીષહ છે ને તે નિર્જરાનું કારણ છે.
[વારંવાર સાતમા ગુણસ્થાની નિર્વિકલ્પદશા]
વળી, મુનિ બાર પ્રકારનાં તપને પણ આદરે છે. ક્યારેક ધ્યાનમુદ્રા ધારણ કરીને પ્રતિમાવ્રત્ નિશ્ચલ થાય
છે. મુનિઓને છઠ્ઠા ગુણસ્થાનનો કાળ અંતર્મુહૂર્ત કરતાં વધારે હોય જ નહિ, વારંવાર સાતમા ગુણસ્થાનની
નિર્વિકલ્પદશા તો થયા જ કરે, ને તે ઉપરાંત નિર્વિકલ્પધ્યાનમાં વિશેષ એકાગ્રતાનો પ્રયત્ન કરે છે. કલાકોના
કલાકો સુધી લાંબો કાળ ઊંઘમાં પડ્યા રહે ત્યાં તો વિશેષ પ્રમાદ છે, એવો પ્રમાદ હોય ત્યાં મુનિદશા ન હોય.
મુનિને સ્વરૂપની જાગૃતિ ઘણી વર્તે છે એટલે વારંવાર નિર્વિકલ્પ અપ્રમત્ત દશા આવ્યા જ કરે છે, એક સાથે
અંતર્મુહૂર્ત કરતાં વધારે વખતની નિદ્રા મુનિને હોય નહિ. મુનિઓ ધ્યાનમાં એકાગ્રતા વડે અંતરમાં લીન
રહેવાનો વારંવાર પ્રયત્ન કર્યા કરે છે. કોઈ વાર અધ્યયન વગેરે બાહ્યક્રિયામાં પ્રવર્તે છે; તથા કોઈ વાર
મુનિધર્મને સહકારી શરીરની સ્થિતિ અર્થે યોગ્ય આહાર–વિહારાદિ ક્રિયાઓમાં સાવધાન થાય છે.
[સર્વે જૈન મુનિઓની દશા]
આ રીતે શુદ્ધોપયોગથી માંડીને આહારાદિનું વર્ણન કરીને, મુમિની અંતર તેમજ બાહ્યદશા કેવી હોય તે
ઓળખાવ્યું.